આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીની મુશ્કેલી વધી, હત્યાનો કેસ નોંધાયો, ધારાસભ્યએ મૂક્યાં ગંભીર આરોપો
Image : IANS (File pic) |
FIR against YS Jagan Mohan Reddy: આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડી મોટી મુશ્કેલીમાં ફસાયા હોય તેવું લાગી રહ્યું છે. યુવા શ્રમિક રાયથુ કોંગ્રેસ પાર્ટી (YSRC) ચીફ જગન મોહન રેડ્ડી સામે હત્યાના પ્રયાસનો કેસ નોંધવામાં આવ્યો છે. જગન મોહન રેડ્ડી ઉપરાંત ચાર અન્ય લોકો સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે, જેમાં બે IPS અધિકારીઓ અને બે નિવૃત્ત અધિકારીઓનો સમાવેશ થાય છે.
TDPના ધારાસભ્યની ફરિયાદ પર કેસ નોંધવામાં આવ્યો
આ કેસ તેલુગુ દેશમ્ પાર્ટી (TDP)ના ધારાસભ્ય રઘુરામ કૃષ્ણ રાજુની ફરિયાદ પર નોંધવામાં આવ્યો છે. રેડ્ડી ઉપરાંત IPS અધિકારી પીવી સુનીલ કુમાર, પીએસઆર સીતારામજનયુલૂ, નિવૃત્ત પોલીસ અધિકારી આર. વિજય. પોલ અને ગુંટુર જિલ્લો હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ રાહી જી. પ્રભાવતીના નામ પણ સામેલ છે. આ કેસ ગુંટુર જિલ્લાના નાગરપાલેમ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે.
આ પણ વાંચો : 'હાર-જીત થાય..., કોંગ્રેસ નેતા રાહુલની લોકોને કરી આ ખાસ અપીલ
રાજુએ એક મહિના પહેલા ઈ-મેઈલ દ્વારા ફરિયાદ મોકલી
પોલીસ અધિકારીએ જણાવ્યું કે ધારાસભ્ય રાજુએ એક મહિના પહેલા ઈ-મેઈલ દ્વારા ફરિયાદ મોકલી હતી. આ અંગે કાયદાકીય અભિપ્રાય લેવામાં આવ્યો હતો. ત્યારબાદ ગુરુવારે (11 જુલાઈ) સાંજે 7 વાગ્યે પૂર્વ મુખ્યમંત્રી અને અન્ય લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. રઘુરામ કૃષ્ણ રાજુએ પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ અધિકારીઓ પર તેમની વિરુદ્ધ ગુનાહિત ષડયંત્ર રચવાનો આરોપ મૂક્યો છે. તેમજ વરિષ્ઠ IPS અધિકારીઓ સુનીલ કુમાર અને સીતારમંજનાયુલુ, પોલીસ અધિકારી વિજયા પોલ અને સરકારી ડૉક્ટર જી. પ્રભાવતી આ ષડયંત્રનો ભાગ હોવાનો પણ આરોપ લગાવ્યો છે.
રાજુએ પોતાની ફરિયાદમાં આ આરોપ મૂક્યો છે
રાજુએ ફરિયાદમાં આરોપ મૂક્યો છે કે, 'આંધ્ર પ્રદેશ સરકારની CBCIDએ મારી વિરુદ્ધ ખોટો કેસ દાખલ કર્યો છે. 2021ની 14 મેએ મારી કોઈપણ યોગ્ય પ્રક્રિયા વગર જ ધરપકડ કરવામાં આવી હતી, મને ધમકી આપવામાં આવી હતી, પોલીસ વાહનમાં ગેરકાયદેસર રીતે અટકાયતમાં રાખવામાં આવ્યો હતો. મને બળજબરીથી ગુંટુર લઈ જવામાં આવ્યો હતો.' ઉલ્લેખનીય છે કે TDP ધારાસભ્યને કોવિડ-19ની બીજી લહેર દરમિયાન ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસે આરોપીઓ સામે વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો
રાજુએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે તેને કસ્ટડીમાં ત્રાસ આપવામાં આવ્યો હતો. પોલીસે પાંચ આરોપીઓ સામે ભારતીય દંડ સંહિતાની કલમ 120B, 166, 167, 197, 307, 326, 465 અને 506ની સાથે કલમ 34 હેઠળ કેસ નોંધ્યો છે. આ મામલો ત્રણ વર્ષ જૂનો હોવાથી પોલીસે ભારતીય દંડ સંહિતા (IPC) હેઠળ કેસ નોંધ્યો છે. આંધ્રપ્રદેશમાં 2021માં ટીડીપી નેતા રાજુની ધરપકડનો મુદ્દો ત્યારે સામે આવ્યો જ્યારે તેણે 11 જૂને રેડ્ડી અને કેટલાક અધિકારીઓ સામે ફરિયાદ નોંધાવી હતી.