Get The App

આંધ્રના માછીમારે ગુજરાતની 'દીકરી' ગણાતી વ્હેલ શાર્ક પકડી, 1500 કિલોની માછલી ક્રેનથી લઈ ગયો

Updated: Jul 29th, 2024


Google NewsGoogle News
આંધ્રના માછીમારે ગુજરાતની 'દીકરી' ગણાતી વ્હેલ શાર્ક પકડી, 1500 કિલોની માછલી ક્રેનથી લઈ ગયો 1 - image


Image: Facebook

Whale Shark: આંધ્ર પ્રદેશના મછલીપટ્ટનમમાં સ્થાનિક માછીમારની જાળમાં એક વિશાળ વ્હેલ શાર્ક ફસાઈ ગઈ, જેનું વજન 1500 કિલોગ્રામ જણાવાઈ રહ્યું છે. વિશાળ માછલીને ક્રેનની મદદથી ગિલકલાડિંડી બંદર પર લાવવામાં આવી હતી. 

જાણકારી અનુસાર, મછલીપટ્ટનમ સ્થિત કૃષ્ણા જિલ્લાના સ્થાનિક માછીમારની જાળમાં 1,500 કિલોગ્રામ વજનની એક વિશાળ વ્હેલ શાર્ક ફસાઈ ગઈ. જાળમાં ફસાયેલી આ વિશાળ માછલીને ક્રેનની મદદથી ગિલકલાડિંડી બંદરના કિનારે લાવવામાં આવી, જેને ચેન્નઈના વેપારીઓએ તાત્કાલિક ખરીદી લીધી.

ઉલ્લેખનીય છે કે આ વ્હેલ શાર્ક (રાઈનકોડોન ટાઈપસ) એક લુપ્ત પ્રજાતિ છે જે પોતાની ધીમી ગતિ અને મોટા આકાર માટે જાણીતી છે. દર વર્ષે 30 ઓગસ્ટે સમગ્ર દુનિયામાં આંતરરાષ્ટ્રીય વ્હેલ શાર્ક દિવસ મનાવવામાં આવે છે. વ્હેલ શાર્ક એક ધીમી ગતિથી ચાલનારી ફિલ્ટર-ફીડિંગ માછલીની પ્રજાતિ છે. વ્હેલ શાર્ક મહાસાગરોના ખુલ્લા પાણીમાં રહે છે. ગુજરાતના સમુદ્રી કિનારાનું તાપમાન તેમના અનુકૂળ છે, જેના કારણે વ્હેલ શાર્ક ઈંડા આપવા માટે ગુજરાતના કિનારે આવે છે તેના કારણે વ્હેલ શાર્કને ગુજરાતની પુત્રી પણ કહેવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2000માં અને તે પહેલા ગુજરાત રાજ્યના કિનારે ઘણી વ્હેલ શાર્કનો શિકાર કરવામાં આવ્યો હતો. 2004માં પ્રસિદ્ધ કથાકાર મોરારીબાપુએ આ ગેરકાયદેસર શિકારને રોકવા માટે વ્હેલ સંરક્ષણનું આહ્વાન કર્યું હતું. વ્હેલ શાર્ક દુનિયામાં માછલીની સૌથી મોટી પ્રજાતિ માનવામાં આવે છે. આ જળચર જીવનું વજન 10થી 12 ટન અને લંબાઈ 40થી 50 ફૂટ હોય છે. જો તેનો શિકાર ન કરવામાં આવે તો તેનું જીવન 100 વર્ષ સુધીનું હોય છે. 11 જુલાઈ 2001એ ભારત સરકારના પર્યાવરણ અને વન મંત્રાલયે વ્હેલ શાર્કને કાનૂની રક્ષણ આપ્યું અને શિકાર પર પ્રતિબંધ લગાવી દીધો. તેને વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972ની યાદી 1 માં સામેલ કરવામાં આવી. તેના શિકાર પર શિકારીઓ માટે ત્રણથી સાત વર્ષની સજા અને 10,000 દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે.


Google NewsGoogle News