રસપ્રદ કિસ્સોઃ દેશના એક સાંસદને બે વાર ફાંસીની સજા સંભળાવાઈ હતી, પુત્રોની પણ હત્યા થઈ હતી
Lok Sabha Elections 2024: દેશમાં 18મી લોકસભા ચૂંટણીના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. પહેલા તબક્કાનું મતદાન 19મી એપ્રિલથી શરૂ થશે. ત્યારે તમામ રાજકીય પક્ષો ચૂંટણીની તૈયારીમાં લાગી ગયા છે. પરંતુ આજે તમને દેશની પહેલી લોકસભા ચૂંટણી સાથે જોડાયેલો એક રસપ્રદ કિસ્સો જણાવી છું. આ કિસ્સો બીજા વિશ્વ યુદ્ધમાં ભાગ લેનાર જોન રિચર્ડસનનો છે. તેમને બે વખત ફાંસીની સજા સંભળાવાઈ હતી. આમ છતાં તેઓ સ્વતંત્ર આંદામાનના પહેલા સાંસદ તરીકે ચૂંટાયા હતા.
જોન રિચર્ડસન કોણ હતા?
કાર નિકોબારી પરિવારમાં જન્મેલા જોન રિચર્ડસનનું સાચું નામ 'હા ચેવ કા' હતું. બર્મામાં અભ્યાસ પૂર્ણ કર્યા પછી તેઓ રંગૂનમાં પહેલા એંગ્લિકન પાદરી બન્યા, પરંતુ થોડા સમય પછી તે નિકોબાર પાછા ફર્યા અને 1912માં ત્યાં જ શિક્ષક તરીકે ભણાવવાનું શરૂ કર્યું હતું. લગ્ન 1913માં તેમના થયા અને 1920માં તેમને બંદરોના સંરક્ષક તરીકે નિયુક્ત કરાયા હતા. 1925થી 1945 સુધી તેઓ નિકોબાર ટાપુ પર જ એક અધિકારી તરીકે ફરજ નિભાવતા હતા.
બે વાર ફાંસીની સજા સંભળાવી
જોન રિચર્ડસનના જીવનનો સાચો સંઘર્ષ બીજા વિશ્વ યુદ્ધમાં શરૂ થયો હતો, જ્યારે જાપાની સેનાએ નિકોબાર ટાપુ પર કબજો કર્યો. જાપાનીઓએ પહેલા જોન રિચર્ડસને નિકોબારનો વડા બનાવ્યો હતા, પરંતુ થોડા સમય પછી તેમણે જાપાનીઓનો આદેશ માનવાની ના પાડી અને જાપાની સેનાએ તેમને જેલ ભેગા કરી દીધા હતા. એટલું જ નહીં, જાપાની સૈનિકોએ તેમના બંને પુત્રોની હત્યા કરી નાખી હતી અને જોન રિચર્ડસનને પણ એક નહીં પરંતુ બે વાર ફાંસીની સજા સંભળાવી.
જોન રિચર્ડસન કેવી રીતે બચ્યા?
બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન જાપાનની સરકારે જોન રિચર્ડસને બે વાર મૃત્યુદંડની સજા ફટકારી હતી, પરંતુ તેમને ફાંસી આપવામાં આવી ન હતી. જ્યારે પહેલીવાર ફાંસીનો આદેશ આપવામાં આવ્યો ત્યારે નિકોબારવાસીઓએ વિદ્રોહની ચીમકી ઉચ્ચારી હતી. આ સ્થિતિમાં બળવાના ડરથી તેમની ફાંસી મોકૂફ રખાઈ હતી. જ્યારે જોન રિચર્ડસને ફરીથી મૃત્યુદંડની સજા મળી, ત્યારે તેમને ફાંસી અપાય તે પહેલાં જ વિશ્વ યુદ્ધ સમાપ્ત થઈ ગયું હતું.
આંદામાનના પહેલા સાંસદ બન્યા
વિશ્વ યુદ્ધ સમાપ્ત થયા બાદ એક તરફ જાપાની સેના આંદામાનમાંથી પીછેહઠ કરવા લાગી તો બીજી તરફ અંગ્રેજોએ પણ ભારત છોડવાનો નિર્ણય લીધો. હવે દેશ આઝાદ હતો. વર્ષ 1950માં બંધારણના અમલ પછી દેશમાં પહેલી લોકસભાની ચૂંટણીઓ શરૂ થઈ અને રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે જોન રિચર્ડસને આંદામાન અને નિકોબાર ટાપુના સાંસદ તરીકે નિયુક્ત કર્યા હતા. આ રીતે જોન રિચર્ડસન દેશની પહેલી લોકસભાનો ભાગ બનનાર એકમાત્ર એંગ્લિકન બિશપ હતા.
પદ્મ વિભૂષણથી સન્માનિત
15મી જાન્યુઆરી 1950માં જોન રિચર્ડસન આંદામાન અને નિકોબાર ટાપુઓના બિશપ બન્યા. તે વર્ષ 1977 સુધી બિશપના પદ પર રહ્યા. જોન રિચર્ડસને બાઈબલનું નિકોબારી ભાષામાં ભાષાંતર કર્યું, જે વર્ષ 1970માં પ્રકાશિત થયું હતું. વર્ષ 1975માં ભારત સરકારે જોન રિચર્ડસને દેશના સર્વોચ્ચ સન્માનમાંના એક પદ્મ વિભૂષણથી નવાજ્યા હતી. ત્રીજી જૂન 1978માં જોન રિચર્ડસને દુનિયાને હંમેશ માટે અલવિદા કહ્યું હતું.
આંદામાન અને નિકોબાર ટાપુ કોંગ્રેસનો દબદબો
વર્ષ 1967માં આંદામાન અને નિકોબાર ટાપુમાં પહેલીવાર લોકસભાની ચૂંટણી યોજાઈ હતી. આ લોકસભા બેઠક પર શરૂઆતથી જ કોંગ્રેસનો દબદબો રહ્યો છે. રાજકીય આંકડા પર નજર કરીએ તો 1967થી 1999 સુધી કોંગ્રેસનું અહીં સતત શાસન રહ્યું છે. કોંગ્રેસના મનરંજન ભક્ત લાંબા સમયથી અહીંથી સાંસદ છે. મનોરંજન ભક્ત કોંગ્રેસની ટિકિટ પર લોકસભાની ચૂંટણીમાં આઠ વખત આ બેઠક જીતી ચૂક્યા છે. આંદામાન અને નિકોબાર ટાપુઓમાં અત્યાર સુધીમાં 14 લોકસભા ચૂંટણી થઈ છે, જેમાંથી કોંગ્રેસ 11 વખત જીતી છે. વર્ષ 1967 પહેલા અહીં સાંસદ ચૂંટાતા ન હતા. આ લોકસભા બેઠક પરના સાંસદની નિમણૂક સીધી ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવી હતી.
આંદામાન અને નિકોબાર ટાપુનો ઈતિહાસ
આંદામાન અને નિકોબાર ટાપુઓ ભારતના દક્ષિણ-પૂર્વ કિનારે સ્થિત છે. અહીંનો ઈતિહાસ ઘણો જૂનો છે અને તે વિવિધ રાજકીય, સાંસ્કૃતિક અને ઐતિહાસિક ઘટનાઓનો સંગમ છે. અહીંની આદિવાસી જાતિઓ, જેમ કે ઓંગે અને જારાવાની પ્રદેશના ઈતિહાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. અહીંની રાજધાની પોર્ટ બ્લેર છે. આંદામાન અને નિકોબાર કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી એક, હિંદ મહાસાગરમાં સ્થિત છે. આ દ્વીપસમૂહની પશ્ચિમમાં બંગાળની ખાડી છે જ્યારે પૂર્વમાં આંદામાન સમુદ્ર આવેલો છે.