‘તમારા ખરાબ દિવસો આવી રહ્યાં છે, વિચારી લેજો હવે તમારૂં શું થશે’: વધુ એક ભાજપ સાંસદે આપી ધમકી
‘ચૂંટણી પહેલા મત માટે નેતા તમારા શરણે અને જીત્યા બાદ નેતા રાજા અને તમે નેતાના સેવક છો’ આ પ્રકારની નીતિ લગભગ દરેક નેતાની હોય જ છે. ખાસ કરીને સત્તાનો ધમંડ રાખતા નેતાઓના ચૂંટણીમાં જીત બાદ બોલ બદાલાતા હોય જ છે. બિહારના સીતામઢીમાંથી નવા ચૂંટાયેલા જનતા દળ (યુનાઈટેડ) સાંસદ દેવેશ ચંદ્ર ઠાકુરે "મુસ્લિમ અને યાદવ સમુદાયો"ના કામ ન કરવાની ચેતવણી આપીને સૌ પહેલો વિવાદ સર્જ્યો હતો. બાદમાં ગુજરાત ભાજપના જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ દમ માર્યો હતો કે, ‘મને જે નડ્યા છે એને હું મૂકવાનો નથી’. ત્યારબાદ આ સીરિઝમાં હવે વધુ એક બીજેપી સાંસદનો ઉમેરો થયો છે.
હવે આંદામાન અને નિકોબાર ટાપુઓમાંથી પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. આંદામાન અને નિકોબારના નવા ચૂંટાયેલા ભાજપના સાંસદ બિષ્ણુ પદ રાયે મતદારોને જ ભયંકર પરિણામો ભોગવવા માટે તૈયાર રહેવાની ચેતવણી આપી છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયો તે નિકોબાર ટાપુના મતદારોને ભયંકર પરિણામોની ધમકી આપી રહ્યાં છે કારણકે તેમણે બિષ્ણુ પદ રાયને મત ન નથી આપ્યા. કેન્દ્રશાસિત પ્રદેશમાં જાહેર સભાને સંબોધતા તેમણે આ નિવેદન આપ્યું હતુ.
રિપોર્ટ અનુસાર બીજેપી સાંસદ કહે છે, "જનતાનું કામ પુરૂં થશે પરંતુ જે લોકોએ અમને વોટ નથી આપ્યા તેમનું શું થશે, વિચારી લેજો... વિચારજો... નિકોબાર ટાપુએ મને વોટ નથી આપ્યાં. ખાસ કરીને કાર નિકોબાર, વિચારી લેજો તમારૂં શું થશે. નિકોબારના નામે તમે પૈસા લેશો, દારૂ પીશો પરંતુ વોટ નહિ આપો. સંભાળીને રહો, સંભાળીને રહો, સંભાળીને રહો. મને વચન આપ્યું હતું કે તમે મને વોટ આપશો પરંતુ ન આપ્યા. હવે તમારા દિવસો ખરાબ થશે. તમે હવે આંદામાન અને નિકોબાર ટાપુઓને મૂર્ખ બનાવી શકશો નહીં. તમારા સારા દિવસો હવે નહિ રહે. હવે તમારૂં શું થશે, જરા વિચારી લેજો."
આ વીડિયો વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે અને આકરી ટીકા પણ થઈ રહી છે છતા ભાજપના સાંસદ તરફથી હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. રિપોર્ટ અનુસાર બાદમાં તેમણે આ ઘટના અંગે એક પ્રેસ નોટ મોકલી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે આ ઘટના બાદ, કાર નિકોબારના મુખ્ય આદિવાસી કેપ્ટનની આગેવાની હેઠળ નિકોબારના વરિષ્ઠો તેમને પોર્ટ બ્લેરમાં મળ્યા હતા અને ચૂંટણી જીતવા બદલ અભિનંદન પણ આપ્યા હતા.
પરિણામો પર એક નજર :
4 જૂને જાહેર થયેલા પરિણામોમાં ભાજપે આંદામાન અને નિકોબાર ટાપુઓની એકમાત્ર લોકસભા બેઠક જીતી હતી. ભાજપ ઉમેદવાર બિષ્ણુ પદ રાયે કોંગ્રેસના ઉમેદવાર કુલદીપ રાય શર્માને 24,087 મતોના માર્જિનથી હરાવ્યા હતા. ભાજપના ઉમેદવાર બિષ્ણુ પદ રાયને 1,01,919 વોટ મળ્યા જ્યારે શર્માને 77,832 વોટ મળ્યા હતા. આંદામાન નિકોબાર ડેમોક્રેટિક કોંગ્રેસના ઉમેદવાર મનોજ પૌલ 8239 મતો સાથે ત્રીજા ક્રમે હતા.