જ્ઞાનવાપી મસ્જિદમાંથી સ્વસ્તિક સહિત મંદિરના ચિહ્નો દૂર કરાયાનો દાવો
જ્ઞાનવાપી વિવાદમાં મૂળ અરજદારોની પીછેહઠની શક્યતા
મુસ્લિમોના વિરોધના પગલે સરવે અટકાવાયો : સરવે કમિશનર બદલવાની અરજી પર કોર્ટમાં આજે સુનાવણી
નવી દિલ્હી, તા.૮
વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ અને કાશી વિશ્વનાથ શ્રૃંગાર ગૌરી વિવાદમાં નવો વળાંક આવ્યો છે. અહીં નિયમિત દર્શન, પૂજાની મંજૂરી માટે બે દિવસના સરવે પર કાશીમાં ઘર્ષણ થઈ રહ્યું છે. એવામાં પાંચ મહિલાઓની જે અરજી પર આ સરવેનો આદેશ કરવામાં આવ્યો હતો તે અરજીને જ હવે પાછી ખેંચવાની તૈયારી થઈ રહી છે. પરિણામે જ્ઞાાનવાપી મસ્જિદ-કાશી વિશ્વનાથ મંદિરને 'અયોધ્યા'નો બીજો અધ્યાય ગણાવતા રાજકીય દાવાઓ હમણાં શાંત પડી જવાની શક્યતા છે.
જ્ઞાનવાપી મસ્જિદમાં સરવેની કામગીરી દરમિયાન મસ્જિદમાંથી બે સ્વસ્તિક ચિહ્નો મળી આવ્યા પછી સ્થાનિક લોકોના વિરોધના પગલે સરવેની કામગીરી અટકાવી દેવાઈ છે. કોર્ટ કમિશનરની ટીમના વીડિયોગ્રાફર્સે જણાવ્યું કે તેઓ સર્વેક્ષણ કરી રહ્યા હતા ત્યારે તેમને મસ્જિદની બહાર બે ફીકા પરંતુ સારી રીતે જોઈ શકાય તેવા સ્વસ્તિક મળ્યા. તેમણે કહ્યું કે આ સ્વસ્તિક સંભવતઃ પ્રાચીનકાળમાં બનાવાયા હશે.
જ્ઞાાનવાપી મસ્જિદની બહાર કેટલાક વિસ્તારની વીડિયોગ્રાફી અને સરવે શનિવારે અટકાવી દેવાયા હતા, કારણ કે મુસ્લિમ સમાજના ભારે વિરોધના પગલે સરવેની ટીમ મસ્જિદની અંદર પ્રવેશ કરી શકી નહોતી. જ્ઞાનવાપી પરિસરમાં આ બીજી વખત સરવે થઈ રહ્યો છે. પહેલી વખત ૧૯૯૬માં થયો હતો અને તે સમય દરમિયાન કોર્ટના આદેશ છતાં સરવે પૂરો થઈ શક્યો નહોતો. અગાઉના સરવેમાં જેટલી વસ્તુઓ વિશેષરૂપે મંદિર સાથે સંકળાયેલા પ્રતિકો મળ્યા હતા, તે હવે ખતમ કરાઈ રહ્યા છે. ધીમે ધીમે હિન્દુ પ્રતિક ચિહ્નોને કથિત મસ્જિદમાંથી દૂર કરાઈ રહ્યા છે તેમ જ્ઞાાનવાપી કેસમાં સીનિયર વકીલ હરિશંકર જૈને જણાવ્યું હતું. મુસ્લિમ પક્ષે સરવેની કામગીરીમાં પક્ષપાતનો આક્ષેપ કરીને સરવે કમિશનર બદલવા કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે આ અંગે સુનાવણી ૯મી મે પર મુલતવી રાખી હતી.
દરમિયાન ઑગસ્ટ ૨૦૨૧માં પાંચ મહિલાઓએ જ્ઞાનવાપી મસ્જિદ-શ્રૃંગાર ગૌરી વિવાદમાં કોર્ટમાં અરજી કરી હતી. જોકે, તેમની પાછળ વિશ્વ વૈદિક સનાતન સંસ્થા હોવાનું મનાય છે. કોર્ટના આદેશના પગલે જ્ઞાનવાપી મસ્જિદમાં સરવેની કામગીરી હાથ ધરાઈ છે ત્યારે શનિવારે વિશ્વ વૈદિક સનાતન સંઘના અધ્યક્ષ જિતેન્દ્ર સિંહ બિસેને જાહેરાત કરી હતી કે તે મંદિર પક્ષ તરફથી આ કેસમાં કરેલી અરજી પાછી ખેંચશે અને તેમણે તેમની લીગલ ટીમને વિખેરી નાંખવાની જાહેરાત કરી હતી. આ લડાઈની શરૂઆત કરનારી સંસ્થાને ક્રેડિટ ન મળવાના કારણે અરજી પાછી ખેંચવાનો નિર્ણય લેવાયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
જોકે, વારાણસી કોર્ટમાં અરજી કરનારી પાંચ મહિલાઓ રાખી સિંહ, સીતા સાહુ, મંજુ વ્યાસ, રેખા પાઠક અને લક્ષ્મી દેવીમાંથી મુખ્ય પક્ષકાર રાખી સિંહ સોમવારે તેમની અરજી પાછી ખેંચશે તેમ મનાય છે. પરંતુ અન્ય ચાર મહિલાઓએ કેસ ચાલુ રાખવાનું જણાવ્યું છે. કોર્ટના આદેશના પગલે સરવેની કામગીરી માટે ટીમ બે દિવસ જ્ઞાનવાપી મસ્જિદ પહોંચી ત્યારે રાખી સિંહ ત્યાં હાજર નહોતી રહી.