ભારત તેની પ્રાચીન મૂર્તિઓ વિદેશોમાંથી લાવી રહ્યું છે : બીજી તરફ દેશમાં વિદેશી રોકાણ વધ્યું છે : મોદી
- ઉ.પ્ર.નાં સંભલમાં 'શ્રી કલ્કી ધામ મંદિર'નો શિલાન્યાસ કરતા વડાપ્રધાને કહ્યું : 'હવે કાલ ચક્ર ફરી રહ્યું છે'
સંભલ (ઉ.પ્ર.) : 'કાલ ચક્ર ફરી રહ્યું છે, તે સંપૂર્ણ આંટો કરવા ઉપર છે. ઉત્તર પ્રદેશનાં સંભલપૂરમાં 'શ્રી કલ્કી ધામ મંદિર'નો શિલાન્યાસ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું હતું કે, એક તરફ ભારત વિદેશોમાંથી તેની પ્રાચીન મૂર્તિઓ દેશમાં લાવી રહ્યું છે, તો બીજી તરફ ભારતમાં વિદેશી મૂડી રોકાણો પણ વધી રહ્યાં છે.
એક તરફ યાત્રાધામો પણ વિકસાવવામાં આવી રહ્યાં છે, બીજી તરફ અન્ય નગરો હાઇટેક ઇન્ફ્રાસ્ટ્રકચર્સ પણ પ્રાપ્ત કરી રહ્યાં છે.
ઉત્તર પ્રદેશનાં સંભલપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મંદિરનો શિલાન્યાસ કર્યો તે સમયે, દેશભરમાંથી અગ્રીમ સંન્યાસીઓ, વિદ્વાનો અને ધાર્મિક નેતાઓ પણ ઉપસ્થિત હતા.
આ શિલાન્યાસ સમયે આપેલા વક્તવ્યમાં વડાપ્રધાને કહ્યું હતું કે, આપણી પ્રાચીન મૂર્તિઓ વિદેશોમાંથી પાછી લાવવામાં આવે છે, પરંતુ દેશમાં વિદેશી મૂડી રોકાણ વધી રહ્યું છે. કાળનું ચક્ર હવે ફરી રહ્યું છે.
તે સર્વવિદિત છે કે ભગવાન વિષ્ણુના દસ અવતારો કલ્પવામાં આવ્યા છે જે પૈકી કલ્કી અવતાર હવે આવશે તેમ પુરાણોમાં લખવામાં આવ્યું છે. પરંતુ આ દસમા અવતારનું પણ અહીં (સંભલપુરમાં) એક મંદિર રચવામાં આવ્યું છે.
આ શિલાન્યાસ સમયે ઉ.પ્ર.ના મુ. મં. યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત હતા. સાથે કલ્કી ધામ પીઠાધીશ્વર આચાર્ય પ્રમોદકૃષ્ણમ પણ ઉપસ્થિત હતા. તેઓએ આ મંદિરના નમૂના (મોડલ)નું પણ વિમોચન કરી વડાપ્રધાન અને યોગી આદિત્યનાથને દર્શાવ્યું હતું.
આ 'શ્રી કલ્કી ધામ મંદિર', 'શ્રી કલ્કી ધામ નિર્માણ ટ્રસ્ટ' દ્વારા રચવામાં આવનાર છે. તે ટ્રસ્ટના અધ્યક્ષ આચાર્ય પ્રમોદ કૃષ્ણમ્ છે. વડાપ્રધાને તેઓનાં વક્તવ્યમાં વધુમાં કહ્યું હતું કે, છત્રપતિ શિવાજી મહારાજે આપણને આપણા સ્વત્વ અંગે ગૌરવ લેવા જણાવ્યું હતું.