આનંદ મહિન્દ્રા પર થયો કેસ; એક્સિડેન્ટ સમયે કારની એરબેગ ના ખુલી, ફરિયાદીના દીકરાનું થયું હતું મોત

કાનપુરમાં વ્યક્તિએ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના ચેરમેન અને તેમની કંપનીના 13 કર્મચારીઓ વિરુદ્ધ કેસ કર્યો

ફરિયાદીએ અકસ્માત દરમિયાન ખામીવાળી એરબેગ ન ખુલવાથી પુત્રનું મોત થયું હોવાનો આરોપ લગાવ્યો

Updated: Sep 25th, 2023


Google NewsGoogle News
આનંદ મહિન્દ્રા પર થયો કેસ; એક્સિડેન્ટ સમયે કારની એરબેગ ના ખુલી, ફરિયાદીના દીકરાનું થયું હતું મોત 1 - image

કાનપુર, તા.25 સપ્ટેમ્બર-2023, સોમવાર

ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક વ્યક્તિએ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના ચેરમેન આનંદ મહિન્દ્રા અને તેમની કંપનીના 13 કર્મચારીઓ વિરુદ્ધ કેસ કર્યો છે. પીડિત વ્યક્તિએ એવો આરોપ લગાવ્યો છે કે, આરોપીઓએ તેની સાથે છેતરપિંડી કરી છે. ફરિયાદ બાદ કાનપુરની રાયપુરવા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.

પિતાએ ભેટમાં આપેલ સ્કોર્પિયામાં પુત્રનું મોત થવાનો મામલો

પોલીસના જણાવ્યા મુજબ પીડિત રાજેશે ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમણે એકના એક પુત્ર અપૂર્વ મિશ્રાને સ્કોર્પિયો ગાડી ભેટ આપી હતી. 14 જાન્યુઆરી-2022ના રોજ આ જ ગાડીમાં તેમનો પુત્ર અપૂર્વ મિત્રો સાથે લખનઉથી કાનપુર પરત ફરી રહ્યો હતો... ત્યારે ધુમ્મસના કારણે વાહન ડિવાઈડર સાથે અથડાયું હતું અને ઘટનામાં અપૂર્વનું મોત નિપજ્યું હતું.

સીટ બેલ્ટ બાંધી હોવા છતાં ન ખુલ્યા એરબેગ

ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમણે તિરુપતિ ઓટોમોબાઈલ્સમાંથી કાર ખરીદી હતી, ત્યારબાદ તેઓ 29 જાન્યુઆરીએ વાહન લઈને શોરૂમ પહોંચ્યા અને કારમાં ખામી અંગે જણાવ્યું... તેમણે આરોપ લગાવ્યો કે, સીટ બેલ્ટ બાંધી હોવા છતાં એરબેગ ન ખુલી અને છેતરપિંડી કરી મને કાર વેંચવામાં આવી... પીડિત રાજેશે કહ્યું કે, જો વાહનનું યોગ્ય તપાસ કરાઈ હતો તો તેમના પુત્રનું મોત ન થયું હોત...

ફરિયાદ કરતા માર માર્યો, હત્યાની ધમકી આપી

પીડિતે એવો આરોપ લગાવ્યો છે કે, આ ખામી મામલે વાત કરતી વખતે કંપનીના કર્મચારીઓએ તેની સાથે બોલાચાલી કરી... પીડિતનો આરોપ છે કે, કંપનીના મેનેજર અને કર્મચારીઓએ નિદેશકોના ઈશારે તેમની અને તેમના પરિવાર સાથે અભદ્ર વર્તન કર્યું અને જાનથી મારવાની ધમકી આપી... ત્યારબાદ સ્કોર્પિયોને ઉઠાવી મહિન્દ્રા કંપનીના શોરૂમની સામે ઉભી કરી દીધી... રાજેશનો દાવો છે કે, કંપનીએ ગાડીમાં એરબેગ લગાવ્યા નથી...

કારની તપાસ કરવામાં આવશે : પોલીસ

પીડિતે કોર્ટ દ્વારા આનંદ ગોપાલ મહિન્દ્રા સહિત 13 લોકો વિરુદ્ધ રાયપુર પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી છે. કાનપુર પોલીસનું કહેવું છે કે, કારની તપાસ કરવામાં આવશે અને યોગ્ય પ્રક્રિયા અપનાવી કાર્યવાહી કરવામાં આવશે.


Google NewsGoogle News