Get The App

આણંદ કલેક્ટર ગઢવીની ચેમ્બરમાં સ્પાય કેમેરા લગાડવા મુદ્દે FIR, મહિલા એડિ.કલેક્ટર સહિત 3ની ધરપકડ

આણંદ જિલ્લાના કલેક્ટરનો મહિલા સાથે આપત્તિજનક વીડિયો મામલે ગુજરાત ATSએ સ્પાય કેમેરો લગાડવા મુદ્દે FIR નોંધી

સ્પાય કેમેરો લગાડનાર સાણંદ Dy.SP ભાસ્કર વ્યાસના પત્ની મહિલા એડિશનલ કલેક્ટર કેતકી વ્યાસ સહિત 3ની ધરપકડ

Updated: Aug 19th, 2023


Google NewsGoogle News
આણંદ કલેક્ટર ગઢવીની ચેમ્બરમાં સ્પાય કેમેરા લગાડવા મુદ્દે FIR, મહિલા એડિ.કલેક્ટર સહિત 3ની ધરપકડ 1 - image

આણંદ, તા.19 ઓગસ્ટ-2023, શનિવાર

આણંદ જિલ્લાના કલેક્ટર ડી.એસ.ગઢવીનો મહિલા સાથેનો આપત્તિજનક વીડિયો બહાર આવ્યા બાદ એક પછી એક નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. ડી.એસ.ગઢવીનો તેઓની ચેમ્બરમાં મહિલા સાથેનો એક આપત્તિજનક વિડીયો બહાર આવ્યા બાદ સરકાર દ્વારા સસ્પેન્ડ કરાયા હતા. જોકે હવે આ મામલે વધુ એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. કલેક્ટરની ચેમ્બરમાં સ્પાય કેમેરો લગાડવા મામલે ગુજરાત એટીએસે એફઆઈઆર નોંધી છે. સ્પાય કેમેરા મામલે આણંદથી બદલાયેલા મહિલા એડિશનલ કલેક્ટર કેતકી વ્યાસ સહિત ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. કેતકી વ્યાસ સાણંદ ડિવાયએસપી ભાસ્કર વ્યાસની પત્ની હોવાનું પણ સામે આવ્યું છે. ગુજરાત એટીએસે આઈટી એક્ટ અને પૈસા પડાવવાના પ્રયાસો સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો છે.

સાણંદ ડીવાયએસપી ભાસ્કર વ્યાસના પત્ની મહિલા એડિશનલ કલેક્ટર કેતકી વ્યાસ સહિત 3ની ધરપકડ

પ્રાપ્ત થતી વિગતો અનુસાર 'નૈતિક અધઃપતન' ગેરવર્તણૂકના આરોપસર આણંદ કલેક્ટર ડી.એસ.ગઢવીને સસ્પેન્ડ તો કરી દેવાયા છે. જોકે આ મામલે હજુ પણ તપાસ અને કાર્યવાહીનો દોર યથાવત્ છે. આણંદ જિલ્લા કલેક્ટર ડી.એસ.ગઢવીની ચેમ્બરમાં સ્પાય કેમેરો લગાડ્યા બાદ તેમનો ભાંડો ફુટ્યો હતો, ત્યાર બાદ તેમને સરકારે સસ્પેન્ડ કરી દીધા હતા. આ કાંડમાં એવા સવાલો ઉઠતા હતા કે આખરે ચેમ્બરમાં સ્પાય કેમેરો લગાડ્યો કોણે.... ત્યારે ગુજરાત એટીએસે કેમેરા લગાડવા મામલે એફઆરઆર નોંધી છે અને ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં (1) સાણંદ ડીવાયએસપી ભાસ્કર વ્યાસના પત્ની મહિલા એડિશનલ કલેક્ટર કેતકી વ્યાસ (2) નાયબ મામલતદાર જે. ડી. પટેલ અને (3) હરેશ ચાવડા નામના વ્યક્તિની ધરકડ કરવામાં આવી છે. આ મામલે તપાસ દરમિયાન મહિલા મુખ્ય સૂત્રધાર કેતકી વ્યાસ હોવાનું તેમજ જે.ડી.પટેલની પણ મુખ્ય ભૂમિકા હોવાનો ખુલાસો થયો છે. આ મામલે ગુજરાત એટીએસે આઈટી એક્ટ અને પૈસા પડાવવાના પ્રયાસો સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો છે.

અગાઉ પણ કલેક્ટરને ફસાવવા લગાવાયા હતા કેમેરા

સૂત્રોના જણાવ્યા અનુસાર કલેક્ટરની ચેમ્બરની સાથે એન્ટી ચેમ્બરમાં પણ સ્પાય કેમેરો લગાડ્યો હોવાનો ખુલાસો થયો છે. કલેક્ટરને ફસાવવા અગાઉ પણ 2 યુવતીઓને ચેમ્બરમાં મોકલાઈ હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. કલેક્ટરને ફસાવવા અગાઉ પણ અનેક પ્રયાસો કરાયા હતા. એવું કહેવાય છે કે, ફાઈલોની ખટપટના કારણે કલેક્ટરનો ભોગ લેવાયો છે.

ત્રીજા આરોપીએ યુવતીઓની વ્યવસ્થા કરી હોવાનો આરોપ

જ્યારે આ કેસમાં ત્રીજો આરોપી હરેશ ચાવડા સામે પણ ગંભીર આક્ષેપો લાગ્યા છે. હરેશ ચાવડા પર કેમેરા ખરીદવાથી લઈ યુવતીઓની વ્યવસ્થા કરવાનું કામ કર્યાનો આરોપ લાગ્યો છે. જોકે કેમેરેમાં કેદ થયેલી યુવતી અંગે હજુ પણ કોઈ ખુલાસો થયો નથી.


Google NewsGoogle News