મધ્ય-પૂર્વમાં વિમાનોના જીપીએસ સિગ્નલો ગાયબ થવાની ઘટનામાં વધારો
- ડીજીસીએની દેશની એરલાઈન્સને ચેતવણી
- જીપીએસ સિગ્નલો ગાયબ થવાની ઘટનાઓ બે મહિનાથી થાય છે છતાં હજુ સુધી દોષિત પકડાયા નથી
- તૂર્કીના અંકારામાં સોમવારે જીપીએસ સિગ્નલોના જામિંગ અથવા સ્પૂફિંગના અહેવાલોથી તંત્ર ચિંતિત
નવી દિલ્હી : મધ્ય-પૂર્વમાં ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ગયા મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી મધ્ય-પૂર્વના આકાશમાં ગ્લોબલ નેવિગેશન સેટેલાઈટ સિસ્ટમના જામ થવા અને સ્પૂફિંગના કિસ્સાઓમાં વધારો થયો છે. આ અહેવાલોથી ચિંતિત ભારતના નાગરિક ઉડ્ડયન નિયામક (ડીજીસીએ)એ બધી જ ભારતીય એરલાઈન્સને એક સર્ક્યુલર જારી કરી આ અંગે ચેતવણી આપી છે. ડીજીસીએના સર્ક્યુલરનો આશય એરલાઈન્સને જોખમની પ્રકૃતિ અને તેના પર પ્રતિક્રિયા આપવા એલર્ટ કરવાનો છે.
ડીજીસીએના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે મધ્ય-પૂર્વના હવાઈ ક્ષેત્રમાં ગ્લોબલ નેવિગેશન સેટેલાઈટ સિસ્ટમમાં દખલના વધતા અહેવાલોને ધ્યાનમાં રાખી ૪ ઑક્ટોબરે એક આંતરિક સમિતિ બનાવ્યા પછી સર્ક્યુલર જારી કરવામાં આવ્યો હતો. આ સર્ક્યુલરમાં સુરક્ષા સંબંધિત જોખમો ઘટાડવા પર ભાર મૂકાયો છે. વિશેષરૂપે ફ્લાઈટ દરમિયાન જીએનએસએસને જામિંગથી બચાવવા અને સ્પૂફિંગના જોખમથી બચવાની કવાયત કરાઈ છે.
ડીજીસીએના અધિકારીએ કહ્યું, આ બાબતમાં સર્વોત્તમ પ્રથાઓ, લેટેસ્ટ ડેવલપમેન્ટ અને આઈસીએઓ માર્ગદર્શન પર વિચાર કરતા ઊભા થતા જોખમ અંગે સમિતિની ભલામણોના પગલે સર્ક્યુલર જારી કરાયો છે. આ સર્ક્યુલર મારફત બધા જ એરક્રાફ્ટ ઓપરેટરો, પાયલટો, એર નેવિગેશન સેવા પૂરી પાડનાર કંપની સાથે એર ટ્રાફિક કંટ્રોલર્સને કોઈ પણ પડકારનો સામનો કરવા માટે સાવધ રહેવા જણાવાયું છે.
સપ્ટેમ્બરના અંત અને ઑક્ટોબરના પ્રારંભમાં ઈરાન પાસે અનેક કમર્શિયલ ફ્લાઈટ્સ તેમની નેવિગેશન સિસ્ટમ જામ થઈ ગયા પછી બંધ થઈ ગઈ હતી. તેમાંથી એક ફ્લાઈટ સ્પૂફિંગનો ભોગ બની હતી અને લગભગ મંજૂરી વિના જ ઈરાનના હવાઈ ક્ષેત્રમાં ઊડી હતી. ઓપ્સગૂ્રપ મુજબ પ્રોફેશનલ પાયલટ્સ, ફ્લાઈટ ડિસ્પેચર્સ, શેડયુલર્સ અને કંટ્રોલરના એક ગૂ્રપે ડીજીસીએ સમક્ષ આ મુદ્દો ઊઠાવ્યો હતો.
મધ્ય-પૂર્વના કેટલાક ભાગમાં ઉડ્ડયન કરતા વિમાનોને શરૂઆતમાં ફેક જીપીએસ સિગ્નલ મળે છે. આ સિગ્નલનો આશય વિમાનમાં ઈન-બિલ્ડ સિસ્ટમને ખોટો સંદેશો આપવાનો છે. સિગ્નલ મોટાભાગે એટલા મજબૂત હોય છે કે વિમાનની સિસ્ટમ તેને સાચા સમજવા લાગે છે. તેનું પરિણામ એ આવે છે કે થોડીક જ મિનિટોમાં ઈનર્શિયલ રેફરન્સ સિસ્ટમ (આઈઆરએસ) અસ્થિર થઈ જાય છે. અનેક કિસ્સામાં વિમાનો તેની નેવિગેશન ક્ષમતા ગુમાવી દે છે.
ડીજીસીએની ચિંતાની પ્રાથમિક બાબત ઉત્તરીય ઈરાક અને અઝરબૈજાનમાં એક વ્યસ્ત એરસ્પેસ છે. એરબિલ પાસે આવી અનેક ઘટનાઓ થઈ છે. આ વર્ષે સપ્ટેમ્બર સુધીમાં ૧૨ અલગ અલગ ઘટનાઓ નોંધાઈ હતી, જેમાંથી લેટેસ્ટ ઘટના ૨૦ નવેમ્બરે તુર્કી પાસે અંકારામાં નોંધાઈ હતી. જોકે, હજુ સુધી આ માટે દોષિતની ઓળખ થઈ શકી નથી. માનવામાં આવે છે કે જ્યાં યુદ્ધ કે સંઘર્ષનો તણાવ છે ત્યાં લશ્કરી ઈલેક્ટ્રોનિક વોરફેર સિસ્ટમની તૈનાતીના કારણે જામિંગ અને સ્પૂફિંગ થઈ રહ્યું છે.