ભરતી શરૂ થયા બાદ નિયમો બદલશો તો ગેરકાયદે ગણાશે, સરકારી નોકરી અંગે સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો
Government Jobs Recruitment: સરકારી નોકરીઓની ભરતી પ્રક્રિયામાં સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે મહત્ત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો છે. ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડની આગેવાની હેઠળની પાંચ જજોની બેન્ચે ચુકાદો આપ્યો છે કે ‘એકવાર ભરતી પ્રક્રિયા શરૂ થઈ જાય પછી નિયમોમાં ફેરફાર કરવો ગેરકાયદે ગણાશે. આ પ્રકારના નિયમોમાં ફેરફારની અસર આવનારી ભરતીઓ પર પડી શકે છે, તેની ચાલુ ભરતી પર કોઈ અસર ન થવી જોઈએ.’
મામલો રાજસ્થાન હાઈકોર્ટ સાથે સંકળાયેલો છે
આ ચુકાદા પાછળનો મામલો રાજસ્થાન હાઈકોર્ટ સાથે સંબંધિત છે. 2013માં હાઈકોર્ટમાં અનુવાદકોની જગ્યા પર ભરતી દરમિયાન રાજ્ય સરકારે અધવચ્ચે કેટલાક નિયમોમાં ફેરફાર કર્યા હતા. તેમાં કહેવાયું હતું કે, હવે માત્ર એવા ઉમેદવારો જ નિમણૂક માટે લાયક ગણાશે, જેમણે લેખિત અને મૌખિકમાં 75 ટકાથી વધુ ગુણ મેળવ્યા હોય. આ પરીક્ષા 21 ઉમેદવારી આપી હતી, જે પૈકી ફક્ત ત્રણ ઉમેદવારની પસંદગી કરાઈ હતી. રાજસ્થાન સરકારના આ નિર્ણયથી ભારે મૂંઝવણ અને રોષ ફેલાયો હતો. આ ફેરફારો પછી કેટલાક ઉમેદવારોએ હાઈકોર્ટમાં અરજી કરીને હાઈકોર્ટના નિર્ણયો પડકાર્યા હતા, જે ફગાવી દેવાઈ હતી. બાદમાં આ ઉમેદવારોએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા.
આ પણ વાંચો: સરકાર દરેક ખાનગી સંપત્તિ જાહેર હિતો માટે હસ્તગત કરી શકે નહીં
ભરતી પ્રક્રિયા ન્યાયી હોવી જોઈએ
સુપ્રીમ કોર્ટે તેના ચુકાદામાં સ્પષ્ટ કર્યું કે ભરતી પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક અને ન્યાયી હોવી જોઈએ, જેથી તમામ ઉમેદવારોને સમાન તકો મળે. સીજેઆઈ ચંદ્રચૂડ, જસ્ટિસ હૃષિકેશ રોય, જસ્ટિસ પમિદીઘંટમ શ્રી નરસિમ્હા, જસ્ટિસ પંકજ મિત્તલ અને જસ્ટિસ મનોજ કુમાર મિશ્રાની બંધારણીય બેન્ચે કહ્યું હતું કે કોઈપણ ભરતી પ્રક્રિયામાં અધવચ્ચેથી ઉમેદવારોની લાયકાત કે કોઈ અન્ય નિયમમાં ફેરફાર કરવો વાજબી નથી.
ચુકાદાથી શું સમજાયું?
આ નિર્ણયથી એ પણ સ્પષ્ટ થયું છે કે કોઈપણ ભરતી પ્રક્રિયામાં સરકારોએ ફક્ત એ જ નિયમોનું પાલન કરવું જોઈએ જે પ્રક્રિયાની શરૂઆત પહેલા અમલમાં હતા. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને ઉમેદવારોના અધિકારો અને નિષ્પક્ષતાના રક્ષણ માટે એક ઉદાહરણ તરીકે જોવામાં આવી રહ્યો છે. કોર્ટે એમ પણ કહ્યું કે ભરતીમાં પારદર્શકતા હોવી જોઈએ જેથી કરીને પક્ષપાત કે ગેરરીતિ ન થાય.