બિહારમાં 60 ફૂટ લાંબા પુલ અને ટ્રેનના એન્જિન પછી ચોરાયું આખેઆખું એક તળાવ
Image Source: Freepik
પટના, તા. 01 જાન્યુઆરી 2024 સોમવાર
બિહારના દરભંગાથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે જ્યાં દરભંગા યુનિવર્સિટી વિસ્તારના વોર્ડ નંબર ચાર સ્થિત નીમ પોખર વિસ્તારમાં ભૂમાફિયાઓએ એક તળાવને રાતના અંધારામાં માટી ભરીને તેને સમતળ કરી દીધુ અને પોતાનો કબ્જો જમાવવા માટે ત્યાં એક ઝૂંપડી પણ બનાવી દીધી.
લોકોએ આ અંગેની માહિતી દરભંગાના એસડીપીઓને આપી. જે બાદ ઘટના સ્થળે પોલીસની સાથે પોતે એસડીપીઓ પણ પહોંચ્યા, પરંતુ ત્યાં સુધી ભૂમાફિયા ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. પોતે એસડીપીઓએ મોહલ્લાના લોકોની પૂછપરછ કરી, જેમાં એ વાત સામે આવી છે કે આ તળાવ સરકારી છે અને તેનું ધ્યાન પણ રાખવામાં આવે છે પરંતુ દરભંગામાં વધતી જમીનની કિંમતને જોતા ભૂમાફિયાની નજર અહીં પડી.
લોકોએ જણાવ્યુ કે આ તળાવ સરકારી છે અને તેનું ધ્યાન પણ રાખવામાં આવતુ હતુ. અહીં મત્સ્ય પાલનથી લઈને પાણીફલ સુધીની ખેતી કરવામાં આવતી હતી પરંતુ હવે ભૂમાફિયા આ તળાવમાં માટી ભરવા લાગ્યા. આ બધુ કોના આદેશથી થયુ તેની જાણકારી નથી.
રાતના અંધારામાં માટી ભરવાનું કામ કર્યું
એવુ નથી કે આ કામ એક દિવસમાં થઈ ગયુ. જેમ કે તળાવમાં માટી ભરાવાનું કામ ગેરકાયદેસરરીતે ભૂમાફિયાએ શરૂ કર્યું હતુ ત્યારે લોકોએ તેની ફરિયાદ પણ કરી હતી. ઘટના સ્થળે પોલીસ દળની સાથે અંચલના અધિકારી પણ પહોંચ્યા હતા અને માટી ભરવાને રોકીને અમુક સામાનને પણ જપ્ત કરવામાં આવ્યો હતો, લગભગ એક અઠવાડિયાની અંદર ભૂમાફિયાઓએ સતત રાતના અંધારામાં માટી ભરીને તળાવને સમતળ જમીન બનાવી દીધુ.