Get The App

તમિલનાડુમાં અમૂલ દૂધ ખરીદવાનું બંધ કરે, સ્ટાલિને અમિત શાહને લખ્યો પત્ર

સ્ટાલિને કહ્યું કે, તમિલનાડુ ક્ષેત્ર સહકારી દૂધ કંપની આવિનનું છે અને અહીં અમૂલ દ્વારા મોટા પાયે દૂધ ખરીદવું યોગ્ય નથી

ભારતમાં એવો નિયમ રહ્યો છે કે સહકારી સંસ્થાઓએ એકબીજાના ક્ષેત્રમાં દખલ કર્યા વિના કામ કરવું જોઈએ : એમકે સ્ટાલિન

Updated: May 25th, 2023


Google NewsGoogle News
તમિલનાડુમાં અમૂલ દૂધ ખરીદવાનું બંધ કરે, સ્ટાલિને અમિત શાહને લખ્યો પત્ર 1 - image

બેંગલુરુ, તા.25 મે-2023, ગુરુવાર

કર્ણાટક વિધાનસભા ચૂંટણી દરમિયાન અમૂલ વિ. નંદિની બ્રાન્ડના દૂધ અંગે વિવાદ ઉભો થયો હતો. હવે આવો જ મામલો તમિલનાડુમાં સામે આવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો છે, જેમાં તેમણે અમૂલને તમિલનાડુમાં દૂધ ખરીદી કરવાથી રોકવાની માંગ કરાઈ છે. સ્ટાલિને કહ્યું કે, તમિલનાડુ ક્ષેત્ર સહકારી દૂધ કંપની આવિનનું છે અને અહીં અમૂલ દ્વારા મોટા પાયે દૂધ ખરીદવું યોગ્ય નથી. સ્ટાલિને કહ્યું કે, આનંદ મિલ્ક યુનિયન એટલે કે અમૂલને તમિલનાડુમાં એન્ટ્રી કરવાથી અટકાવવી પડશે. જો આમ નહીં થાય તો રાજ્યમાં 1981થી કાર્યરત સહકારી મંડળી આવિનને નુકસાન થશે.

અમૂલની જ સહાયક સંસ્થાએ અહીં પ્લાન્ટ સ્થાપ્યો : સ્ટાલિન

સ્ટાલિને અમિત શાહને લખેલા પત્રમાં જણાવાયું છે કે, અત્યાર સુધી અમૂલ તેના ઉત્પાદનો માત્ર આઉટલેટ્સ દ્વારા વેચતું હતું. જોકે તાજેતરમાં જ અમને જાણવા મળ્યું છે કે, અમૂલની જ સહાયક સંસ્થા કૈરા ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ મિલ્ક પ્રોડ્યૂસર્સે કૃષ્ણાગિરી જિલ્લામાં પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપ્યો છે અને રાનીપેટ, કૃષ્ણાગિરી, ધર્મપુરી, વેલ્લોર જેવા વિસ્તારોમાંથી મોટાપાયે દૂધની ખરીદી કરવામાં આવી રહી છે. સ્ટાલિને કહ્યું કે ભારતમાં એવો નિયમ રહ્યો છે કે સહકારી સંસ્થાઓએ એકબીજાના ક્ષેત્રમાં દખલ કર્યા વિના કામ કરવું જોઈએ. જો આમ ન થાય તો તે ઓપરેશન વ્હાઇટ ફ્લડની ભાવનાની વિરુદ્ધ છે, જે દૂધ ઉત્પાદન વધારવા શરૂ કરાયું હતું.

સ્ટાલિને કહ્યું, અમૂલે નિયમોનું ઉલ્લંઘન કર્યું

સ્ટાલિને કહ્યું કે, આમ કરવાથી સમસ્યાઓમાં વધારો થશે. ઉપરાંત દેશમાં દૂધની અછતની સ્થિતિ પણ આવી શકે છે. સ્ટાલિને કહ્યું કે અમૂલનું નવું પગલું આવિન મિલ્ક શેડ વિસ્તારનું ઉલ્લંઘન કરે છે. દાયકાઓના પ્રયાસો બાદ રાજ્યમાં આવિનની આ સ્થિતિ છે અને જો અમૂલ નિયમોનું ઉલ્લંઘન કરી ખરીદી કરવાનું યથાવત્ રાખશે તો તે સારું નહીં થાય. તેમણે કહ્યું કે, અમૂલ દ્વારા દૂધની ખરીદી કરવાથી બિનજરૂરી સ્પર્ધાની સ્થિતિ સર્જાશે. તેમણે કહ્યું કે, દેશના તમામ રાજ્યોમાં ડેરી વિકાસમાં પ્રાદેશિક સહકારી સંસ્થાઓ મહત્વની ભૂમિકા ભજવી રહી છે. તેથી દરેક વ્યક્તિ પોતપોતાના ક્ષેત્રમાં સંપૂર્ણ ક્ષમતા સાથે કામ કરે તે જરૂરી છે. તેમણે અમિત શાહને વિનંતી કરતા કહ્યું કે, તમે અમૂલને આદેશ આપો કે, તે તાત્કાલિક તામિલનાડુમાં દૂધની ખરીદી બંધ કરે.


Google NewsGoogle News