માયાવતીની પાર્ટી બસપામાંથી સસ્પેન્ડ કરાયેલા સાંસદ દાનિશ અલી કોંગ્રેસમાં જોડાયા
- દાનિશ અલીને BSPએ ગત વર્ષે પાર્ટી વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાના આરોપમાં સસ્પેન્ડ કરી દીધા હતા
Image Source: Twitter
નવી દિલ્હી, તા. 20 માર્ચ 2024, બુધવાર
લોકસભા ચૂંટણી પહેલા પાર્ટીઓમાં ઉથલ-પાથલ મચી ગઈ છે. અમરોહા લોકસભા સાંસદ દાનિશ અલી કોંગ્રેસમાં સામેલ થઈ ગયા છે. દાનિશ અલીને બહુજન સમાજ પાર્ટી (BSP)એ ગત વર્ષે પાર્ટી વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાના આરોપમાં સસ્પેન્ડ કરી દીધા હતા. દાનિશ અલીની કોંગ્રેસ સાથે નિકટતા સતત વધતી જઈ રહી હતી. આ જ કારણોસર તેમને બસપાએ સસ્પેન્ડ કરી દીધા હતા.
દાનિશ અલીએ કોંગ્રેસમાં સામેલ થયા બાદ કહ્યું કે, આજે દેશની જે સ્થિતિ છે તે કોઈનાથી છુપાયેલી નથી. એક બાજુ વિભાજનકારી શક્તિઓ છે જ્યારે બીજી તરફ દેશના ગરીબ, વંચિત, પીડિત લોકોને ન્યાય અપાવવા માટે સંઘર્ષ કરનારા લોકો છે. આજે નિર્ણય લેવાનો સમય આવી ગયો છે. અમારે વિભાજનકારી શક્તિઓ સાથે લડવાનું છે. પરંતુ તેની સાથે લડવા માટે કેટલીક અડચણો આવી રહી હતી. એટલા માટે મેં આ નિર્ણય લીધો છે અને કોંગ્રેસમાં સામેલ થયો છું. તેમણે કહ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે સતત વાત થઈ રહી હતી.
ભારત જોડો ન્યાય યાત્રામાં પણ સામેલ થયા હતા
એટલું જ નહીં દાનિશ અલી રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં પણ સામેલ થયા હતા. તેમણે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે, મેં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં સામેલ થવાનો નિર્ણય કરી લીધો છે. આ મારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ ક્ષણ છે. હું ખૂબ ઊંડા ચિંતન પછી આ નિષ્કર્ષ પર આવ્યો છું. દેશની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા મારી પાસે બે વિકલ્પ હતા.
શું હતો રમેશ બિધૂડી સાથે વિવાદ?
દાનિશ અલી એ સમયે ચર્ચામાં આવ્યા હતા જ્યારે બીજેપી સાંસદ રમેશ બિધુડીએ લોકસભામાં ચંદ્રયાન-3 પર ચર્ચા દરમિયાન બસપા સાંસદ કુંવર દાનિશ અલી વિરુદ્ધ વાંધાજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. દાનિશ અલીએ લોકસભા સ્પીકરને પત્ર લખીને રમેશ બિધૂડીની સદસ્યતા રદ કરવાની માગ કરી હતી. કોંગ્રેસે માગ કરી હતી કે બિધૂડી સામે કડક કાર્યવાહી કરવામાં આવે. આ ઘટના બાદ રાહુલ ગાંધીએ દાનિશ અલીના આવાસ પર જઈને તેમની સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમની સાથે કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલ અને સાંસદ ઈમરાન પ્રતાપગઢી પણ હતા.