પંજાબમાં મોટી દુર્ઘટના, ટ્રેનમાં વિસ્ફોટ થતાં અફરાતફરી, 20 લોકો ચાલુ ટ્રેનમાંથી કૂદયા, 4 ઘાયલ
AI Image |
Punjab Train Blast News | પંજાબમાં સરહિંદ રેલવે સ્ટેશને એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. શનિવારે રાતે લગભગ સાડા દસ વાગ્યે એક દોડતી ટ્રેનમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ અમૃતસરથી હાવડા જતી હાવડા મેલ ટ્રેનના જનરલ ડબામાં થયો હતો. વિસ્ફોટ થવા પાછળનું કારણ ડોલમાં ભરી રાખેલા ફટાકડાં ફૂટ્યાં હોવાનું જણાવાઈ રહ્યું છે.
20થી વધુ મુસાફરો ચાલુ ટ્રેનથી કૂદી ગયા...
આ વિસ્ફોટનો અવાજ સાંભળી લગભગ 20 જેટલાં મુસાફરો ચાલુ ટ્રેનમાંથી જ કૂદી ગયા હતા જેના કારણે લગભગ 4 લોકોને ગંભીર ઈજાઓ થઇ હતી. જીઆરપી અને આરપીએફને ઘટના વિશે જાણકારી મળતાં જ આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
અચાનક જ વિસ્ફોટ થતા ફફડી ગયા...
ઈજાગ્રસ્તોની ઓળખ બિહારના રહેવાશી અજયકુમાર, સંગીતા કુમારી, સોનુ અને યુપીના આશુતોષ પાલ તરીકે થઇ હતી. હાલમાં ઘાયલોની સારવાર ફતેહગઢ સાહિબમાં સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે. આ મામલે વધુ તપાસ શરૂ કરી દેવામાં આવી હતી. ઘટનાસ્થળે હાજર એક વ્યક્તિના જણાવ્યાનુસાર વિસ્ફોટ એટલો ભયંકર હતો કે લોકો ચાલુ ટ્રેનમાંથી પણ કૂદી જતા ડર્યા નહોતા. અચાનક જ વિસ્ફોટ થવાને કારણે અફરા તફરી મચી ગઇ હતી. લોકો છઠ પૂજા માટે બિહાર જઈ રહ્યા હતા.