Parliament Session : કેન્દ્રએ લોકસભામાંથી ક્રિમિનલ સંબંધિત 3 બિલો પરત ખેંચ્યા, સુધારાઓ કરી ફરી રજુ કરાશે
ત્રણેય બિલો સંસદની સ્થાયી સમિતિએ ભલામણ કરેલા સુધારા બાદ રજુ કરાશે
ત્રણેય બિલોની કુલ 1059 કલમોમાંથી 348માં સુધારો, 49 દુર કરાઈ, 18 ઉમેરાઈ
નવી દિલ્હી, તા.12 નવેમ્બર-2023, મંગળવાર
કેન્દ્ર સરકારે લોકસભામાં રજુ કરેલા ક્રિમિનલ સંબંધીત ત્રણ બિલોને પરત ખેંચી લીધા છે, જેમાં ભારતીય ન્યાયિક સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય પુરાવા બિલ, 2023નો સમાવેશ થાય છે. સરકારના સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે, સંસદની સ્થાયી સમિતિ દ્વારા સૂચવવામાં આવેલા સુધારા બાદ આ બિલો ફરી રજુ કરાશે. 1860ની ભારતીય દંડ સંહિતા (IPC), 1973ની ક્રિમિનલ પ્રોસિજર (CRPC) અને 1872ના ભારતીય પુરાવા અધિનિયમમાં ફેરફાર કરવા માટે ઓગસ્ટમાં સંસદના ચોમાસુ સત્રમાં નવા ક્રિમિનલ કાયદાના બિલો રજૂ કરાયા હતા.
ત્રણેય બિલોનો ડ્રાફ્ટ તૈયાર કરવા 4 વર્ષ કામગીરી ચાલી
લોકસભામાં સંબોધન દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે, ત્રણેય બિલોનો ડ્રાફ્ટ તૈયાર કરવાની પ્રક્રિયામાં 18 રાજ્યો, 7 કેન્દ્ર શાસિત પ્રદેશો, સુપ્રીમ કોર્ટ અને સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો, 22 યુનિવર્સિટીઓ, 142 સાંસદો, 270 ધારાસભ્યો અને પ્રજાના ઘણા સભ્યો સાથેની ચર્ચા સામેલ હતી. આ કામગીરી 4 વર્ષ સુધી ચાલી અને 158 બેઠકો પણ યોજવામાં આવી હતી.
ક્રિમિનલ સંબંધીત 3 બિલો કયા કયા છે ?
- ભારતીય ન્યાયિક સંહિતામાં 356 કલમો સામેલ છે, જેમાં આઈપીસીમાંથી સામેલ કરાયેલી 175 કલમોમાં સુધારા કરાયા છે, જ્યારે 22 નાબુદ કરવામાં આવી છે અને 8 નવી કલમો ઉમેરવામાં આવી છે.
- ભારતીય નાગરિક સુરક્ષા સંહિતામાં 533 કલમોનો સમાવેશ થાય છે, જેમાં સીઆરપીસીની સામેલ કરાયેલી 150 કલમોમાં સુધારા કરાયા છે અને 22 કલમોને દુર કરાઈ છે, ઉપરાંત આમાં 12 કલમોનો ઉમેરો પણ કરવામાં આવ્યો છે.
- ભારતીય પુરાવા બિલમાં કુલ 170 કલમો સામેલ છે. આમાંથી એવિડન્સ એક્ટમાંથી સામેલ કરાયેલી 23 કલમોમાં સુધારા કરવામાં આવ્યા છે. આ બિલમાં 1 નવી કલનો ઉમેરો કરાયો છે, જ્યારે 5 કલમોને દુર કરાઈ છે.