'કોંગ્રેસ તથ્યોને તોડી મરોડી રજૂ કરે છે, તે અનામત અને બંધારણ વિરોધી પાર્ટી', અમિત શાહનું નિવેદન
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તરફથી સંસદમાં બંધારણ નિર્માતા બાબા સાહેબ ભીમરાવ આંબેડકર પર આપવામાં આવેલા નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ, ટીએમસી, સપા, બસપા, આપ અને શિવસેના સહિતની તમામ વિપક્ષી પાર્ટીઓએ અમિત શાહ પર આંબેડકરના અપમાનનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસે ભાજપ પર બંધારણને ન માનવાનો આરોપ લગાવ્યો છે. ત્યારે હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાની પ્રતિક્રિયા આપી છે.
અમિત શાહ ભાજપ હેડક્વાર્ટર પહોંચ્યા હતા. તેમની સાથે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર રહ્યા હતા. અમિત શાહે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, 'સંસદમાં 75 વર્ષની ગૌરવ યાત્રા પર ચર્ચા થઈ. જે પ્રકારે કોંગ્રેસે તથ્યોનો તોડી મરોડીને રજૂ કરવાનું કામ કર્યું છે તેની હું નિંદા કરું છું. હું સપનામાં પણ આંબેડકરનું અપમાન ન કરી શકું. કોંગ્રેસ ખોટા સમાચાર ફેલાવે છે. હવે તેઓ મારા ભાષણને એડિટ કરીને ખોટી રીતે ફેલાવી રહ્યા છે.'
અમિત શાહે શું આપી પ્રતિક્રિયા?
- કોંગ્રેસ બંધારણ વિરોધી પાર્ટી છે. કોંગ્રેસે સાવરકરનું અપમાન કર્યું. કોંગ્રેસે ઇમરજન્સી લગાવીને લોકશાહીનું અપમાન કર્યું. સેનાનું અપમાન કર્યું. ભારતની બોર્ડર તોડીને વિદેશને આપવાનું દુ:સાહસ કર્યું.
- 1951-52ની ચૂંટણીમાં કોંગ્રેસે બાબા સાહેબને હરાવવાના પ્રયાસ કર્યા. તે માટે કોંગ્રેસે વિશેષ પ્રયાસ કર્યા. કોંગ્રેસે ખુદને ભારત રત્ન આપ્યો, પરંતુ બાબા સાહેબને ન આપ્યો. કોંગ્રેસ બાબા સાહેબને ભારત રત્ન આપવાના વિરોધમાં હતી. કોંગ્રેસ બંધારણ વિરોધી છે અને બાબા સાહેબનો વિરોધ કરતી રહી. નેહરુ, ઇન્દિરા, રાજીવના કેટલાક સ્મારક દેશમાં બનાવવામાં આવ્યા, પરંતુ આંબેડકરજીનું સ્મારક ન બનાવાયું.
- વડાપ્રધાન મોદીની સરકારે બાબા સાહેબ પંચતંત્રનો વિકાસ કર્યો. નાગપુરમાં દીક્ષા ભૂમિનો વિકાસ કર્યો. 19 નવેમ્બર 2015ને વડાપ્રધાને બંધારણ દિવસ જાહેર કર્યો.
- ચૂંટણીના સમયે મારા વીડિયો એડિટ કરીને ફેલાવ્યા. હવે આંબેડકરજીને લઈને ભ્રમ ફેલાવી રહી છે. હું તે પાર્ટીથી આવું છું જે બાબા સાહેબનું અપમાન ન કરી શકે. અમે આંબેડકરજીનું કામ આગળ વધરવાનું કામ કર્યું છે. અમે અનામતને આગળ વધારવાનું કામ કર્યું.
- રાજીવ ગાંધીએ પોતાના જીવનનું લાંબુ ભાષણ અનામતના વિરોધમાં આપ્યું છે. કોંગ્રેસ પાર્ટીએ તથ્યોને તોડી મરોડીને રજૂ કર્યા. કોંગ્રેસ પાર્ટી બંધારણ વિરોધી પાર્ટી છે.
- ખડગેજીએ તો જવાબદારી સમજવી જોઈતી હતી... તમારે તો કોંગ્રેસને સપોર્ટ નહોતો કરવો. તમે રાહુલ ગાંધીના પ્રેશરમાં વિરોધ કરવામાં સામેલ થયા. હું હંમેશા આંબેડકરના રસ્તે ચાલનારો છું. મારી વિનંતી છે કે મારું સંપૂર્ણ નિવેદન બતાવવામાં આવે. કોંગ્રેસે જૂઠ ફેલાવ્યું છે.
- તમામ કાયદાકીય વિકલ્પ ભાજપ શોધશે. ખડગેજી મારું રાજીનામું માગી રહ્યા છે. કદાચ હું આપી પણ દઉં. પરંતુ હજુ તેમને 15 વર્ષ ત્યાં (વિપક્ષ) બેસવાનું છે.
- આજે એટલા માટે આવ્યો છું, કારણ કે દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય. સત્ય પર ચેલેન્જ આપવા માટે તેમની પાસે કંઈ નથી. હવે તેઓ મારા ભાષણને એડિટ કરીને ખોટી રીતે ફેલાવી રહ્યા છે.