CAA ક્યારેય પરત નહીં લેવામાં આવે', ચૂંટણી પહેલા અમિત શાહનું મોટું નિવેદન
- અમિત શાહે વિપક્ષી નેતાઓ પર તુષ્ટિકરણની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો
Image Source: Twitter
નવી દિલ્હી, તા. 14 માર્ચ 2024, ગુરૂવાર
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક ઈન્ટરવ્યુમાં સ્પષ્ટ કરી દીધુ છે કે CAA કાયદો ક્યારેય પરત લેવામાં નહી આવશે. તેમણે કહ્યું કે દેશમાં ભારતીય નાગરિકતા સુનિશ્ચિત કરવી એ અમારો સાર્વભૌમ અધિકાર છે અને અમે તેની સાથે ક્યારેય સમાધાન નહીં કરીશું. શાહે કહ્યું કે CAA મોદી સરકાર દ્વારા લાવવામાં આવ્યો છે અને તેને પરત લેવો અસંભવ છે. તેમણે વિપક્ષી નેતાઓ પર તુષ્ટિકરણની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો હતો.
ભ્રષ્ટાચાર સામે આવ્યા બાદ અરવિંદ કેજરીવાલે પોતાનું ધૈર્ય ગુમાવી દીધુ છે: અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઈન્ટરવ્યૂમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના એ નિવેદન પર વાત કરી જેમાં તેમણે કહ્યું હતું કે, શરણાર્થીઓને નાગરિકતા આપવાથી ચોરી એને દુષ્કર્મમાં વધારો થશે. આ મુદ્દે ગૃહમંત્રીએ કહ્યું કે, ભ્રષ્ટાચાર સામે આવ્યા બાદ મુખ્યમંત્રીએ પોતાનું ધૈર્ય ગુમાવી દીધુ છે. તેમને નથી ખબર કે, આ લોકો પહેલાથી જ ભારતમાં આવી ચૂક્યા છે અને રહી રહ્યા છે.
જો તેમને એટલી જ ચિંતા છે તો તેઓ બાંગ્લાદેશી ઘૂસણખોરો વિશે કે રોહિંગ્યાઓના વિરોધ પર વાત કેમ નથી કરતા? તેઓ વોટ બેંકની રાજનીતિ કરી રહ્યા છે... તેઓ વિભાજનની પૃષ્ઠભૂમિ ભૂલી ગયા છે અને તેમણે શરણાર્થી પરિવારો સાથે મુલાકાત કરવી જોઈએ.
CAAમાં કોઈની પણ નાગરિકતા છીનવી લેવાની કોઈ જોગવાઈ નથી: અમિત શાહ
આ સાથે જ CAA લાગુ થવા પર અમિત શાહે કહ્યું કે, લઘુમતીઓએ કે અન્ય કોઈ વ્યક્તિઓએ ગભરાવાની જરૂર નથી કારણ કે, CAAમાં કોઈની પણ નાગરિકતા છીનવી લેવાની કોઈ જોગવાઈ નથી. અમિત શાહે કહ્યું કે, CAA માત્ર અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી આવેલા હિન્દુ, બૌદ્ધ, જૈન, સીખ, ખ્રિસ્તી અને પારસી શરણાર્થીઓને અધિકાર અને નાગરિકતા આપવા માટે છે.