અમિત શાહ પરિવાર સાથે કુંભ પહોંચ્યા સંતોની સાથે ગંગામાં ડુબકી લગાવી
- રાજનાથ, યોગી, અખિલેશ બાદ હવે ગૃહ મંત્રીનું ગંગામાં સ્નાન
- આગામી દિવસોમાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ કુંભ મેળામાં પહોંચે તેવી શક્યતાઓ
પ્રયાગરાજ : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પ્રયાગરાજ મહાકુંભમાં ગંગામાં ડુબકી લગાવી હતી. આ પહેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, સપાના વડા અખિલેશ યાદવે પણ ડુબકી લગાવી હતી જ્યારે આગામી દિવસોમાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ડુબકી લગાવવા પ્રયાગરાજ આવી શકે છે. દરમિયાન હાલ અમિત શાહ અને અન્ય નેતાઓ, સંતોની ગંગામાં ડુબકીની તસવીરો સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવી હતી.
સંગમ સ્નાન અને પૂજાપાઠ બાદ ગૃહ મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અક્ષયવડના દર્શને પહોંચ્યા હતા, જે બાદ મુખ્ય પૂજારીએ વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા અર્ચના કરાવી, ગૃહ મંત્રી અમિત શાહે અક્ષયવડની આરતી ઉતારી હતી અને મુખ્યમંત્રી યોગી સાથે પુષ્પ અર્પિત કર્યા હતા. સંતોની સાથે બન્ને નેતાઓએ અક્ષયવડની પરિક્રમા કરી હતી. અમિત શાહે પરિવાર સાથે અક્ષયવડની પૂજા કરી હતી. આ દરમિયાન અમિત શાહે સંતોની સાથે મહાકુંભના આયોજન પર પણ ચર્ચા કરી હતી.
આ પહેલા પણ મુખ્યમંત્રી યોગી ૨૨ જાન્યુઆરીએ મહાકુંભ પહોંચ્યા હતા, અને કેબિનેટ મંત્રીઓની સાથે આસ્થાની ડુબકી લગાવી હતી. સ્નાન પહેલા યોગી કેબિનેટે ત્રિવેણી સંકુલમાં બેઠક યોજી હતી. યોગીએ કહ્યું હતું કે પ્રથમ વખત મહાકુંભમાં પુરુ મંત્રીમંડળ હાજર છે. જ્યારે ૧૮મીએ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે સંગમ તટ પર પહોંચીને ગંગામાં ડુબકી લગાવી સ્નાન કર્યું હતું. આગામી દિવસોમાં અન્ય નેતાઓ, મંત્રીઓ પણ ગંગામાં ડુબકી લગાવવા પહોંચે તેવી શક્યતાઓ છે.