બિહારમાં થયેલી જાતિ-જન-ગણના પર અમિત શાહે પ્રશ્નો ઉઠાવ્યા : તેજસ્વી યાદવ ભડકી ઉઠયા
- 'એ લોકોએ હંમેશા તુષ્ટીકરણ માટે જ કામ કર્યું છે' : જો તે રોકવામાં નહીં આવે તો બિહારના સીમાવર્તી વિસ્તારોમાં મુશ્કેલી વધશે
મુઝફ્ફરનગર : બિહારમાં જાતિ-જન-ગણના પર હજીએ રાજકારણ ખેલાઈ રહ્યું છે. રવિવારે સાંજે મુઝફ્ફરનગર જિલ્લામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જાતિ-જન-ગણનામાં ભારે ગડબડ થઈ હોવાની વાત કરી, અને નીતીશકુમાર સરકાર પર હુમલો કર્યો. તેઓએ કહ્યું કે તેઓ લાલુપ્રસાદ યાદવનાં દબાણમાં ઝુકી જઈ તુષ્ટીકરણ તરફ વળી રહ્યાં છે. આ અંગે બિહારના ઉપ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે ઉગ્ર પ્રતિભાવો આપ્યા હતા.
વાસ્તવમાં અમિત શાહે કહ્યું હતું કે બિહારમાં જાતિ-જન-ગણનામાં જાણી જોઈને મુસ્લીમો અને યાદવોની વસ્તી વધારે દેખાડવાનો પ્રયત્ન કરાયો છે. આ સાથે તે રેલીમાં કરેલા સંબોધનમાં કહ્યું હતું કે નીતીશકુમાર પોતાના સાથી લાલુપ્રસાદના દબાણમાં આવી ઝૂકી ગયા હતા. લાલુપ્રસાદ યાદવની પાર્ટી રાષ્ટ્રીય જનતા દળ મુખ્યત: મુસ્લીમ મતદાતાઓ પર જ વિશ્વાસ રાખે છે.
બિહારના ઉપ મુખ્યમંત્રી અને લાલુપ્રસાદ યાદવના પુત્ર તેજસ્વી યાદવ તેથી ભડકી ઉઠયા. તેમણે કહ્યું કે 'જો બિહારના તે વિષેના આંકડા ખોટા હોય તો કેન્દ્ર સરકાર સમગ્ર દેશના અને તમામ રાજ્યોના જન-જાતિ-ગણનાના આંકડા જાહેર કેમ નથી કરતા?' ભાજપ શાસિત રાજ્યોમાં ભાજપ જાતિગત ગણના શું કામ નથી કરાવતી ?
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આક્ષેપ કર્યો હતો કે મુસ્લીમ અને યાદવ સમુદાયની વસ્તીને વધારે દર્શાવી અતિ પછાત અને પછાત વર્ગો સાથે અન્યાય કરવાનું કામ કર્યું છે. આ સર્વેક્ષણ (બિહારનું સર્વેક્ષણ) એક છેતરપિંડી જ છે. એક સમયે અમે તેઓને (નીતીશને) સમર્થન પણ આપ્યું હતું ત્યારે અમોને ખ્યાલ ન હતો કે લાલુજીના દબાણમાં આવીને યાદવ અને મુસ્લીમોની સંખ્યા વધુ પડતી દર્શાવી પછાત વર્ગો સાથે અન્યાય કરવાનું કામ કરાશે.