હરિયાણામાં જીત બાદ પણ ભાજપમાં ભારે બબાલના એંધાણ! ખુદ અમિત શાહે મેદાનમાં ઉતરવું પડ્યું
Haryana Politics News : હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જીત થયા બાદ હવે મુખ્યમંત્રી પદના ચહેરાને લઈ ભારે રાજકીય ગરમાગરમી ચાલી રહી છે. આ ઉપરાંત ભાજપના વિધાયક દળના નેતાની પસંદગી કરવા માટે ખુદ ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) મેદાનમાં ઉતરવું પડ્યું છે. ભાજપ હાઈકમાન્ડે વિધાયક દળના નેતા પસંદ કરવાની જવાબદારી અમિત શાહ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ (Mohan Yadav)ને સોંપી છે. વિધાનસભાની ચૂંટણીમાં જીત થયા બાદ ભાજપ (BJP)ના નવા ધારાસભ્યોની 16 ઓક્ટોબરે બેઠક યોજાવાની છે, જેમાં અમિત શાહ અને મોહન યાદવ સહિતના નેતાઓ ઉપસ્થિત રહેશે. ભાજપે રાજ્યની 90 બેઠકોમાંથી 48 બેઠકો જીતી છે. ભાજપે નાયબ સિંહ સૈનીના દમ પર આ ચૂંટણી લડી છે, તેમ અમિત શાહે પંચકૂલાની એક ચૂંટણી સભામાં કહ્યું હતું. આવી સ્થિતિમાં સૈનીને મુખ્યમંત્રી બનાવવાની સંભાવના વધુ છે.
હરિયાણા ભાજપમાં મુખ્યમંત્રી પદના દાવેદાર
હરિયાણા ચૂંટણીની પરિણામો જાહેર થયા પહેલાથી જ ભાજપના ઘણાં નેતાઓ મુખ્યમંત્રી બનવા મથામણ કરી રહ્યા છે. દાવેદારોમાં અંબાલા કેન્ટથી સાતમી વખત ધારાસભ્ય બનેલા અનિલ વિજ (Anil Vij) અને કેન્દ્રીય મંત્રી રાવ ઈન્દ્રજીત સિંહ (Rao Inderjit Singh)નો પણ સમાવેશ થાય છે અને આ બંને નેતાઓ વરિષ્ઠતાના આધારે મુખ્યમંત્રી પદ પર દાવો કરી રહ્યા છે. આ તમામ બાબતોને ધ્યાને રાખી 16મી ઓક્ટોબરે યોજાનાર ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં હંગામો થવાની સંભાવના છે. બેઠકમાં સૈનીના નામનો વિરોધ પણ થઈ શકે છે.
અનિલ વિજ ભાજપની વધારી શકે છે મુશ્કેલી
વાસ્તવમાં ભાજપને ડર છે કે, અનિલ વિજ સૈનીના નામનો વિરોધ કરી શકે છે. આ પહેલા મનોહરલાલ ખટ્ટરને મુખ્યમંત્રી પદેથી હટાવી નાયબ સિંહ સૈનીને મુખ્યમંત્રી બનાવાતા વિજે વાંધો ઉઠાવ્યો હતો. તે વખતે વીજ ધારાસભ્ય દળની બેઠક અધવચ્ચે છોડીને જતા રહ્યા હતા. આ ઉપરાંત તેઓ સૈનીના મંત્રીમંડળમાં પણ સામેલ થયા ન હતા. થોડા દિવસો પહેલા વિજે ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ એવા અહેવાલો સામે આવ્યા હતા કે, વીજે મુખ્યમંત્રપી પદ માટે દાવો કર્યો છે.
રાવ ઈન્દ્રજીત સિંહે પણ સીએમ પદે કર્યો દાવો
કેન્દ્રીય મંત્રી રાવ ઈન્દ્રજીત સિંહે પણ મુખ્યમંત્રી પદ પર દાવો કર્યો છે. સિંહે દાવો કર્યો છે કે, અહીરવાલ બેલ્ટના કારણે જ રાજ્યમાં ભાજપની સરકાર બને છે. આ વખતે પણ અહીરવાલમાં ભાજપે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. ભાજપે અહીની કુલ 11 બેઠકોમાંથી 10 બેઠકો જીતી છે. આ પહેલા વર્ષ 2019ની ચૂંટણીમાં ભાજપે માત્ર આઠ બેઠકો જીતી હતી. જેના કારણે ભાજપે જેજેપીની મદદથી સરકાર બનાવવી પડી હતી. આ વખતે અહીરવાલમાં જીતેલા ધારાસભ્યો ઈન્દ્રજીત સિંહના નજીકના હોવાનું કહેવાય છે. થોડા દિવસે પહેલા એવા અહેવાલ સામે આવ્યા હતા કે, ઈન્દ્રજીત સિંહ સાથે નવ ધારાસભ્યો છે અને તેઓ મુખ્યમંત્રી પદની માંગ કરી રહ્યા છે. તેમણે પણ કહ્યું હતું કે, ‘મુખ્યમંત્રી બનવાની મારી નહીં, પરંતુ લોકોની ઈચ્છા છે. આજે પણ લોકો ઈચ્છે છે કે, હું મુખ્યમંત્રી બનું.’
દાવેદારોને મનાવવા અમિત શાહ મેદાનમાં
ભાજપે હરિયાણા માટે કેન્દ્રીય નિરીક્ષક તરીકે અમિત શાહ જેવા વરિષ્ઠ નેતાની નિમણૂક મુખ્યમંત્રી પદના દાવાઓ પર દેખરેખ રાખવા અને દાવેદારોને મનાવવા માટે કરી છે. મુખ્યમંત્રી પદના દાવેદારોને સંતુષ્ટ કરવાની સાથે સાથે મંત્રીમંડળમાં સ્થાનની માંગ કરી રહેલા નેતાઓને મનાવવા પણ ભાજપ માટે મોટો પડકાર હશે. હાલ હરિયાણા ભાજપમાં ઘણા જૂથો કામ કરી રહ્યા છે. દરેક જૂથ કેબિનેટમાં જગ્યા મેળવવા ધમપછાળા કરી રહ્યા છે, તેથી ભાજપ માટે હરિયાણાનું મેદાન પડકારજનક બની શકે છે.