અમિત શાહને ઈતિહાસની ખબર નથી: રાહુલ ગાંધીનો અમિત શાહને પલટવાર
નવી મુંબઇ,તા. 12 ડિસેમ્બર 2023, મંગળવાર
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ-કાશ્મીર મુદ્દે સંસદમાં પૂર્વ વડાપ્રધાન જવાહર લાલ નેહરુ પર નિશાન સાધ્યું હતું. આ અંગે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પલટવાર કરતા કહ્યું કે, અમિત શાહને ઈતિહાસની ખબર નથી, તેઓ માત્ર મુદ્દાઓને વાળવા માટે આવું કરી રહ્યા છે. વાસ્તવિક મુદ્દો કેન્દ્રમાં જાતિની વસ્તી ગણતરી અને OBC અધિકારીનો મુદ્દો છે.
રાહુલ ગાંધીએ આગળ કહ્યું કે, "જવાહર લાલ નેહરુએ આ દેશ માટે પોતાનું જીવનનું બલિદાન આપ્યું. તેઓ વર્ષો સુધી જેલમાં રહ્યા. અમિત શાહને ઈતિહાસની ખબર નથી. હું તેમની પાસેથી અપેક્ષા પણ નથી રાખતો કે તેમને ઈતિહાસ ખબર હશે, કારણ કે તે ઈતિહાસનું પુનઃલેખન કરતા રહે છે. તેઓ મુદ્દાઓને વાળવાનો પ્રયાસ કરી રહ્યા છે. અસલી મુદ્દો તો, જ્ઞાતિની વસ્તી ગણતરીનો છે. પીએમ ઓબીસી છે પરંતુ કેન્દ્ર સરકારના 90 સચિવોમાંથી માત્ર ત્રણ જ ઓબીસી કેમ છે? અમે ઓબીસીની ભાગીદારી અને જાતિની વસ્તી ગણતરીના મુદ્દા પર રહીશું."
સોમવારે રાજ્યસભામાં અમિત શાહે જમ્મૂ કાશ્મીર અનામત સુધારા બિલ અને જમ્મુ કાશ્મીર પુનર્ગઠન બિલ પર થયેલી ચર્ચાનો જવાબ આપતા કહ્યું કે, જમ્મૂ કાશ્મીરને પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂની ભૂલોના કારણે નુકસાન સહન કરવુ પડ્યુ.