'આંબેડકર સમગ્ર દેશ માટે પૂજનીય, ભાજપ બંધારણને નથી માનતી...', અમિત શાહના નિવેદન પર ખડગેના આકરા પ્રહાર
Mallikarjun Blames On Amit Shah: સંસદમાં બંધારણ પર છેડાયેલો વિવાદ સતત વકરી રહ્યો છે. આજે સંસદમાં ભીમરાવ આંબેડકર પર ટિપ્પણી કરવા બદલ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગૃહ મંત્રી અમિત શાહ પર નિશાન સાધ્યું હતું. ખડગેએ અમિત શાહની આંબેડકર મુદ્દે કરવામાં આવેલી ટિપ્પણીને ટાંકી વડાપ્રધાન સમક્ષ આજે રાત્રે 12 વાગ્યા સુધી ગૃહ મંત્રીનું રાજીનામું લેવા માગ કરી હતી. ઉલ્લેખનીય છે, અમિત શાહે મંગળવારે સંસદમાં આંબેડકરનો ઉલ્લેખ કર્યો હતો, ત્યારબાદ વિપક્ષ રોષે ભરાયું હતું.
કોંગ્રેસના તમામ નેતાઓએ એક વીડિયો રજૂ કર્યો હતો, જેમાં ગૃહ મંત્રી વિપક્ષ પર કટાક્ષ કરતાં કહી રહ્યા છે કે, હાલ એક ફેશન બની ગઈ છે - આંબેડકર, આંબેડકર...આટલું નામ જો ભગવાનનું લો તો સાત જન્મ સુધી સ્વર્ગ પ્રાપ્ત થઈ ગયું હોત. સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ ગૃહ મંત્રીની વાતોને તોડી-મરોડી આ વીડિયો રજૂ કરાયો હોવાનો દાવો કર્યો હતો.
મલ્લિકાર્જુને અમિત શાહનું રાજીનામું માંગ્યું
પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતાં મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે, 'ગઈકાલે અમિત શાહે એક વાત કરી હતી, જે અત્યંત નિંદનીય છે. મારે મજબૂરીમાં કહેવું પડે છે કે, આ લોકો બંધારણને જ માનતા જ નથી. તેઓ સ્વર્ગ-નર્કની વાતો કરે છે, તેઓ મનુસ્મૃતિની વાતો કરે છે. તેમાં લખ્યું હતું કે, સ્વર્ગ શું છે અને નર્ક શું છે. આ વિચારધારા આંબેડકર માનતા જ નથી. વડાપ્રધાન મોદી પણ અમિત શાહનો બચાવ કરી રહ્યા છે. તેમણે બચાવમાં ઉપરાછાપરી છ ટ્વિટ કર્યા હતા. શું તેની જરૂરિયાત હતી ? જો તમે બાબા સાહેબ વિશે કંઈક ખોટુ બોલતાં તો તમને કેબિનેટની બહાર કરી દેવામાં આવ્યા હોત. પરંતુ આ બંને ગાઢ મિત્રો એક-બીજાના પાપમાં પણ ભાગીદાર બને છે.'
ખડગેએ આકરા પ્રહારો કર્યા
અમિત શાહ પર આકરા પ્રહારો કરતાં ખડગેએ વધુમાં જણાવ્યું કે, 'અમિત શાહે આંબેડકર પર આ ટિપ્પણી કરવા બદલ માફી માગવી જોઈએ. વડાપ્રધાન મોદી પણ આંબેડકરમાં વિશ્વાસ કરે છે. તેમણે શાહને માફી માગવા કહેવું જોઈએ. નહીં તો રાત્રે 12 વાગ્યા સુધી બરતરફ કરવાનો આદેશ આપવો જોઈએ. જે વ્યક્તિ બંધારણની શપથ લઈ સંસદ પહોંચે છે, તેઓ બંધારણનું અપમાન કરી રહ્યા હોય તો તેમને કેબિનેટમાં રહેવાનો કોઈ હક નથી. તેમને તાત્કાલિક બરતરફ કરી દેવા જોઈએ. ત્યારે જ આ દેશમાં લોકો શાંત રહેશે, નહીં તો દરેક જગ્યાએ બાબા સાહેબનો સૂત્રોચ્ચાર કરીશું અને અમે તેમના માટે જીવ આપવા તૈયાર છીએ.'