Get The App

વાયુ સેનાની 'પાંખો' સતત કપાઈ રહી છે, ચીન અને પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે ફાઇટર જેટનો કાફલો અપૂરતો

Updated: Oct 7th, 2024


Google NewsGoogle News
વાયુ સેનાની 'પાંખો' સતત કપાઈ રહી છે, ચીન અને પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે ફાઇટર જેટનો કાફલો અપૂરતો 1 - image


Shortage of fighter jets in 'Indian Air Force' : ભારતીય વાયુસેના ‘ઇન્ડિયન એરફૉર્સ’ (IAF) લડાકુ વિમાનોની અછતનો સામનો કરી રહી છે. દેશના સરહદી સીમાડાની સુરક્ષા માટે જરૂરી 42 સ્ક્વોડ્રનની સામે હાલમાં ફક્ત 31 સ્ક્વોડ્રન ઉપલબ્ધ છે. બિનભરોસાપાત્ર પડોશી દેશોથી ઘેરાયેલા ભારત માટે આ ગંભીર બાબત છે. 

કાગળ પર 31, પણ ખરેખર તો 29 જ

IAF પાસે ઔપચારિક રીતે 31 સ્ક્વોડ્રન છે, પણ કાફલાની અસરકારક તાકાત ફક્ત 29 સ્ક્વોડ્રનની છે, કેમ કે 31 સ્ક્વોડ્રનમાંથી 2 સ્ક્વોડ્રન તો ‘મિગ-21 ફાઇટર પ્લેન્સ’ની છે, જે ‘ઘરડાં’ થઈ ચૂક્યા છે. છેક 1971ના યુદ્ધમાં ભાગ લેનાર આ વિમાનોને રિટાયર કરી દેવાની ‘વય’ ક્યારની વટી ગઈ હોવા છતાં વાયુસેનામાં નવા વિમાનોની ભરતીને અભાવે ઘરડાં વિમાનોનો નિવૃત્તિકાળ લંબાવાયા કરાય છે. આ બન્ને સ્ક્વોડ્રન પાસે વખત આવ્યે ઝાઝું કામ લઈ શકાય એમ નથી. આમ, ઇચ્છિત કરતાં 13 સ્ક્વોડ્રનની કમી એ ચિંતાનો વિષય તો ખરો. 

વિશ્વયુદ્ધના ભણકારા વચ્ચે ઘટતી તાકાત   

જગત હાલ વૉર-મોડમાં છે. રશિયા-યુક્રેન યુદ્ધ ખતમ થયું નથી, ત્યાં તો મધ્યપૂર્વમાં યુદ્ધનો પલીતો ચંપાઈ ગયો છે. ન કરે નારાયણને યુદ્ધ વકરે અને ભારતે એમાં ધરાર ઝુકાવવું પડે તો દેશ પાસે પૂરતા લડાકુ વિમાનો જ ન હોવાની વાત ચિંતાજનક છે. ખાસ તો એટલા માટે પણ કેમ કે આપણે ખંધા ચીન અને પાકિસ્તાન જેવા જૂના દુશ્મનોથી ઘેરાયેલા છીએ. ચીનની શક્તિશાળી વાયુસેનામાં ચીન-પાકિસ્તાનનું ગઠબંધન ભળે એટલે ભારત માટે અણધાર્યુ જોખમ સર્જાય એમ છે. આવી જોખમી સ્થિતિમાં પણ ભારતનો યુદ્ધ વિમાનોનો કાફલો સતત ઘટી રહ્યો છે, એ ચિંતાનો વિષય છે.

આ કારણસર થઈ આવી સ્થિતિ

છેલ્લા ઘણાં વર્ષોથી ભારતના જૂના (મોટાભાગે સોવિયેત યુગના) ‘મિગ’ અને ‘જેગુઆર’ જેવા ફાઇટર પ્લેન સતત નિવૃત્ત થઈ રહ્યા છે. એની સામે નવા પ્લેનની ભરતી નથી કરાઈ રહી, જેને કારણે આ સ્થિતિ સર્જાઈ છે. દેશની વાયુસેના LCA તેજસ Mk1Aની ડિલિવરીની રાહ જોઈ રહ્યું છે. ‘હિન્દુસ્તાન ઍરોનોટિક્સ લિમિટેડ’ દ્વારા બનાવાઈ રહેલા આ સ્વદેશી વિમાનનું કામકાજ સમયપત્રકથી પાછળ ચાલી રહ્યું છે. Mk1A ઉપરાંત વાયુસેનાએ વર્ષ 2018માં 114 મલ્ટીરોલ ફાઇટર પ્લેન ખરીદવાની પ્રક્રિયા શરુ કરી હતી, પરંતુ છેલ્લા છ વર્ષથી આ દિશામાં કોઈ ખાસ પ્રગતિ થઈ નથી.

ફાઇટર પ્લેન રાતોરાત ખરીદી શકાતા નથી

કોઈપણ દેશ શસ્ત્રનો સોદો રાતોરાત પાર પાડી શકતો નથી. આ કંઈ શોપિંગ મોલમાં જઈને રેક પર મૂકેલ ચીજ ઉઠાવીને બાસ્કેટમાં નાંખી દેવા જેવું સહેલું કામ નથી. વિદેશી શસ્ત્રો કે વિમાનોની ખરીદીમાં પણ સમય લાગતો હોય છે. ઑર્ડર આપ્યા પછી વિમાનો બનતા હોય છે, જેની ડિલિવરી મળતાં વર્ષો લાગી જતા હોય છે. એ જ પ્રમાણે સેનાના જવાનોને નવા વિમાનો ઉડાડવાની ટ્રેનિગ આપવામાં, એની ટ્રાયલ્સ લેવામાં પણ મહિનાઓ લાગી જતા હોય છે. દેશમાં જ શસ્ત્રો/વિમાનો બનાવવા હોય તોય એના નિર્માણ, પરીક્ષણ વગેરેમાં ખાસ્સો લાંબો સમય વીતી જતો હોય છે. આમ, આ એક ધીમી પ્રક્રિયા છે જેને લીધે દેશની વાયુસેનાની તાકાત હાલ ઓછી થઈ ગઈ છે.   

આ વર્ષે હતી વાયુસેના ફૂલ ફોર્મમાં 

1965ના યુદ્ધમાં પાકિસ્તાનને પરાસ્ત કર્યા બાદ ભારતની વાયુસેનાની તાકાત સતત વધતી રહી હતી. 1996માં આપણી પાસે પૂરી 41 સ્ક્વોડ્રન હતી. એ પછી જૂના વિમાનો ઝડપથી રિટાયર થતાં ગયા અને 2013માં સ્ક્વોડ્રનની સંખ્યા ઘટીને 35 થઈ ગઈ હતી. ઘટાડો હજુ ચાલુ જ છે. 

એરફૉર્સ ચીફે આપી ‘ખરાબ પરિસ્થિતિ’ની ચેતવણી

ભારતના તાજી નિમણૂક પામેલા એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહે ચેતવણીના સૂરમાં કહ્યું છે કે, ‘અમારી પાસે જરૂર કરતાં ઓછા વિમાનો છે. અમે જે પણ છે તેનાથી લડવા માટે પ્રતિબદ્ધ છીએ. અમારું ધ્યાન હાલ જે કંઈ છે એ સાચવવા પર અને સેનાના જવાનોને એના ઉપયોગની તાલીમ આપવા પર છે.’ ચીફ માર્શલે નવા એરક્રાફ્ટની તીવ્ર જરૂરિયાત પર ભાર મૂક્યો છે.

નિષ્ણાતોનો મત

નિષ્ણાતો કહે છે કે, અમેરિકાની જેમ ભારતે પણ હવે જેટ એરક્રાફ્ટના ઉત્પાદનમાં ખાનગી ક્ષેત્રને મોટા પાયે સામેલ કરવાની જરૂર છે, જેથી આ ક્ષેત્રે ઝડપ આવે. બાકી અત્યારે ચાલે છે એ જ ગતિએ કામ ચાલતું રહ્યું તો ભારતીય વાયુસેનાની સ્થિતિ વધુ ખરાબ થઈ જશે. 

ચૂંટણીઓ જીતવામાં વ્યસ્ત અને જાતભાતના તાયફા કરવામાં મસ્ત રહેતી દેશની સરકારને કાને આ ચેતવણી અને ચિંતા પડે, અને એ દિશામાં ઘટતું કામ થાય એ ઇચ્છનીય છે.


Google NewsGoogle News