'તે દિવસે ઈન્દિરા ગાંધીનો જન્મદિવસ હતો': 'પનોતી' વિવાદ પર CM હિમંત બિસ્વા સરમાનો રાહુલ ગાંધી પર પલટવાર
Image Source: Twitter
- કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે પનોતીને કારણે ભારત ફાઈનલમાં હારી ગયું
નવી દિલ્હી, તા. 23 નવેમ્બર 2023, ગુરૂવાર
India VS Australia Final Match: ગત 19 નવેમ્બરના રોજ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ICC વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાએ હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ અનેક પ્રકારની વાતો સામે આવી અને રાજનીતિ થવા લાગી. ત્યારે હવે આસામના CM હિમંત બિસ્વા સરમાએ તેને પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી સાથે જોડતા કહ્યું કે, ભારત ફાઈનલ મેચ એટલા માટે હાર્યું કારણ કે, તે દિવસે ઈન્દિરા ગાંધીનો જન્મદિવસ હતો.
આ સાથે જ આસામના સીએમ એ BCCIને એ પણ અનુરોધ કર્યો કે, તેમણે નક્કી કરવું જોઈએ કે, ભારતની ફાઈનલ મેચનું એ દિવસે બિલકુલ આયોજન ન કરવું જોઈએ જે દિવસે નેહરુ-ગાંધી પરિવારના કોઈ પણ સદસ્યનો જન્મદિવસ હોય. તેમણે એ પણ આરોપ લગાવ્યો કે, વિપક્ષી પાર્ટીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિરોધ કરનારા સાથે મળેલી છે.
શું કહ્યું હિમંત બિસ્વા સરમાએ?
આસામના CMએ કહ્યું કે, આપણે બધી મેચો જીતી ગયા અને ફાઈનલમાં હારી ગયા. પછી મેં જોયું કે, આપણે મેચ કેમ હારી ગયા? પછી મને ખબર પડી કે, વર્લ્ડ કપ ફાઈનલ ઈન્દિરા ગાંધીના જન્મદિવસે હતો. આપણે વર્લ્ડ કપની ફાઈનલ મેચ ઈન્દિરા ગાંધીના જન્મદિવસે રમ્યા અને ભારત મેચ હારી ગયું. ગાંધી પરિવાર પર પ્રહાર કરતા તેમણે આગળ કહ્યું કે, હું BCCIને અનુરોધ કરવા માંગુ છું કે, કૃપા કરી ભારતની મેચ એ દિવસે આયોજિત ન કરવી જે દિવસે ગાંધી પરિવારના કોઈ પણ સદસ્યનો જન્મદિવસ હોય. આ હું વર્લ્ડ કપની ફાઈનલ મેચથી શીખ્યો છું.
વર્લ્ડ કપની ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મેચ જોવા સ્ટેડિયમમાં પહોંચ્યા હતા. જ્યારે ટીમ ઈન્ડિયા હારી ગઈ તો કોંગ્રેસે તેમને 'પનોતી' કહેવાનું શરૂ કર્યું. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે પનોતીને કારણે આપણે ફાઈનલમાં હારી ગયા. ત્યારબાદ આ નિવેદન ખૂબ વાયરલ થયું હતું.