બાંગ્લાદેશમાં હિંસામાં 133નાં મોત વચ્ચે શહીદોના પરિવારની અનામત રદ
૧૯૭૧ના શહીદોના પરિવારને અનામતના હાઇકોર્ટના આદેશને સુપ્રીમે ફગાવ્યો
બાંગ્લાદેશી શરણાર્થી માટે દ્વાર ખુલ્લા છે ઃ મમતા રાજ્યોને આવા નિર્ણય લેવાનો અધિકાર નથી ઃ કેન્દ્ર
બાંગ્લાદેશમાં હિંસાને પગલે ભારતની અનેક ટ્રક પોર્ટ પર
અટવાઇ, બન્ને
દેશોના વેપાર પર માઠી અસર
કોલકાતા: બાંગ્લાદેશમાં ૧૯૭૧ના યુદ્ધમાં શહીદ થયેલાના પરિવારને અનામત આપવાના હાઇકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટે રદ કરી દીધો છે. અનામત આપવાના હાઇકોર્ટના આદેશ બાદ દેશભરમાં હિંસા ફાટી નીકળેલી હતી જેને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપ્યો હોવાના અહેવાલો છે. એક મહિનાથી ચાલી રહેલી હિંસામાં ૧૩૩ના મૃત્યુ થયા હતા. બાંગ્લાદેશની હાઈકોર્ટે 'ક્વોટા' અંગે આપેલો ચુકાદો સુપ્રીમ કોર્ટે પલટી નાખ્યો હતો.
બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારે ૨૦૧૮માં ક્વોટા સીસ્ટમ રદ કરી હતી. પરંતુ હાઇકોર્ટે ગયા મહિને તે ફરી પાછી અમલી કરવા આદેશ આપ્યો હતો. તેથી દેશભરમાં અને વિશેષ તો ઢાકામાં વ્યાપક હિંસા ફાટી નીકળી હતી.જેમાં ૧૩૩ લોકોનાં મૃત્યુ થયા હતા. હિંસા વચ્ચે સુપ્રીમ કોર્ટે નીચલી કોર્ટના ચુકાદાને પલટી નાખ્યો છે અને અગાઉની સ્થિતિ મુજબ જ ચાલવા સરકારને કહ્યું છે.
બાંગ્લાદેશના ૧૯૭૧ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લેનારા સ્વાતંત્ર્ય સેનાનીઓના કુટુમ્બીજનોને ૩૦% અનામત આપવામાં આવી હતીજેને વર્તમાન શેખ હસીના સરકારે રદ કરી હતી. જેની સામે અપીલ થતા હાઇકોર્ટે અનામત ફરી લાગુ કરવા કહ્યું હતું. દેશમાં ૫૬% જેટલી અનામત જગ્યાઓ સરકારી કે અર્ધસરકારી નોકરીઓમાં રાખવામાં આવી હતી. જે પૈકી ૩૦ ટકા બાંગ્લાદેશના મુક્તિ સંગ્રામમાં ભાગ લેનારાઓના કુટુમ્બીજનો માટે અનામત રખાઈ હતી. ૧૦ ટકા નોકરીઓ મહિલાઓ અને પછાત જિલ્લાઓના વતનીઓ માટે, પાંચ ટકા આદિવાસીઓ માટે અને ૧૧ ટકા અનામત જગ્યાઓ દિવ્યાંગો માટે રાખવામાં આવી હતી. તે પૈકી માત્ર આદિવાસીઓ માટેની પાંચ ટકા અને વિકલાંગો માટે ૧૧ ટકા અનામત બેઠકને જ સુપ્રીમ કોર્ટે મંજુર કરી છે. તે સિવાયની તમામ બેઠકો આજના આ ચુકાદાથી રદ જાહેર કરવામાં આવી છે.
દરમિયાન બાંગ્લાદેશમાં હિંસા વચ્ચે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું હતું કે બાંગ્લાદેશમાં વર્તમાન હિંસાની સ્થિતિમાં જે પણ પીડિત લોકો હશે તેને બંગાળમાં શરણ આપવામાં આવશે. કોલકાતામાં રેલીને સંબોધતા મમતા બેનરજીએ કહ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્રના ઠરાવ મુજબ પાડોશી દેશોમાં અરાજક્તા કે હિંસા વ્યાપક પ્રમાણમાં ફાટી નીકળે તો નજીકના દેશોએ શરણ આપવી જોઇએ, તેને ધ્યાનમાં રાખીને હું કહી રહી છું. જોકે મમતા બેનરજીની આ અપીલ વચ્ચે કેન્દ્ર સરકારના સુત્રોએ જણાવ્યું હતું કે રાજ્ય કોઇ પણ દેશના નાગરિકોને શરણ આપવાનો અધિકાર નથી ધરાવતું માટે આવો કોઇ નિર્ણય મમતા સરકાર ના લઇ શકે. દરમિયાન બાંગ્લાદેશમાં હિંસાની અસર ભારત સાથેના વેપાર પર પડી રહી છે. બન્ને દેશો વચ્ચે માલસામાન લઇને આવતા-જતા ટ્રક પોર્ટ પર ફસાયા હતા. જોકે તમામ ટ્રક સુરક્ષીત હોવાનો દાવો અધિકારીઓએ કર્યો છે.