દેશમાં ડેન્ગ્યુ-મેલેરિયાના વધતા કેસ વચ્ચે ડૉક્ટરોની હડતાળથી સ્વાસ્થ્ય સેવા ઠપ
- કોલકાતા રેપ-હત્યા કેસ સુપ્રીમમાં, સીજેઆઈને સુઓમોટો નોંધ લેવા માગ
- કોલકાતામાં સરકારી હોસ્પિટલોમાં 42 પ્રોફેસર્સ-ડૉક્ટરોની બદલીથી હોબાળો થતાં મુખ્યમંત્રી મમતાએ આદેશ રદ કર્યો
નવી દિલ્હી : કોલકાતામાં મહિલા જુનિયર ડૉક્ટર પર બળાત્કાર-હત્યાના વિરોધમાં ઈન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા શનિવારે જાહેર કરાયેલી ૨૪ કલાકની હડતાળમાં દેશભરની સરકારી હોસ્પિટલોના ડૉક્ટરો જોડાતા ઓપીડી સેવા ખોરવાઈ ગઈ હતી. આવા સમયે કેન્દ્ર સરકારે ડૉક્ટરોની સુરક્ષા માટે સંભવિત ઉપાયો સૂચવવા માટે નિષ્ણાતોની એક સમિતિ રચવાની જાહેરાત કરી હતી. જોકે, આ માટે તેમણે કોઈ નિશ્ચિત સમય આપ્યો નથી. જોકે, દેશના અનેક વિસ્તારોમાં ડેન્ગ્યુ અને મલેરિયાના કેસો વધ્યા હોવાથી સરકારે ડૉક્ટરોને વ્યાપક જનહિતમાં કામ પર પાછા ફરવા વિનંતી કરી છે.
કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના વિરોધમાં ઈન્ડિયન મેડિકલ એસોસિએશને શનિવારે ૨૪ કલાકની હડતાળ જાહેર કરી હતી, જેને પગલે દેશભરની સરકારી હોસ્પિટલોના ડૉક્ટરો હડતાળમાં જોડાયા હતા અને ડૉક્ટરોની સુરક્ષા માટે દેખાવો કર્યા હતા. આઈએમએએ સમગ્ર દેશમાં એલોપેથિક ડૉક્ટર્સને ૨૪ કલાક માટે ઈમર્જન્સી અને કેઝ્યુઅલ્ટી સિવાય બધા જ પ્રકારની મેડિકલ સર્વિસીસ બંધ રાખવા જણાવ્યું હતું. આ સાથે આઈએમએએ ડૉક્ટરો વિરુદ્ધ હિંસા અને હોસ્પિટલોને ફરજિયાત સુરક્ષાના અધિકારો સાથે સુરક્ષિત ઝોન જાહેર કરવા માટે કેન્દ્રીય કાયદો લાવવા માટે વડાપ્રધાન મોદીની દખલની માગ કરી હતી. આઈએમએની અપીલની સમગ્ર દેશમાં અસર જોવા મળી હતી. દિલ્હીથી લઈને ચેન્નઈ અને અમદાવાદથી લઈને કોલકાતા સુધીની સરકારી હોસ્પિટલોના ડૉક્ટરો હડતાળમાં જોડાયા હતા. આ સાથે ડૉક્ટરો, જુનિયર ડૉક્ટરો અને પેરામેડિકલ સ્ટાફના સભ્યોએ દેખાવો કર્યા હતા. પશ્ચિમ બંગાળના કૂચ બિહારમાં પીડિત પરિવારને ન્યાય અપાવવા માટે ડૉક્ટરોએ દેખાવો કર્યા હતા. જોકે, દેશભરમાં ઈમર્જન્સી સેવા ચાલુ રહી હતી.
દેશના અનેક વિસ્તારોમાં ડેન્ગ્યુ અને મલેરિયાના વધતા કેસોને ધ્યાનમાં લેતાં સ્વાસ્થ્ય મંત્રાલયે આંદોલનકારી ડૉક્ટરોને વ્યાપક જનહિતમાં કામ પર પાછા ફરવા વિનંતી કરી હતી. મંત્રાલયે તેમને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સંભવિત તમામ ઉપાયો સૂચવવા એક સમિતિની રચના કરવાનું આશ્વાસન આપ્યું હતું. આ સાથે રાજ્ય સરકારો સહિત બધા જ હિતધારકોના પ્રતિનિધિઓને સમિતિ સમક્ષ તેમના સૂચનો રજૂ કરવા આમંત્રણ આપ્યું હતું.
દરમિયાન આરજી કર મેડિકલ કોલેજમાં બળાત્કાર-હત્યાના કેસમાં મુખ્ય ન્યાયાધીશ ધનંજય ચંદ્રચૂડને એક પત્ર લખી સુઓમોટો નોંધ લેવા માગ કરાઈ છે. ઉજ્જવલ ગૌડ, રોહિત પાંડેએ પત્ર લખી આ કેસમાં તાત્કાલિક દખલ કરવાની માગ કરી છે. તેમણે પત્રમાં લખ્યું હતું કે આ ઘટના રાષ્ટ્રના આત્મા પર હુમલો છે.
દરમિયાન કોલકાતામાં ડૉક્ટરોના દેખાવો વચ્ચે પશ્ચિમ બંગાળના સ્વાસ્થ્ય વિભાગે સમગ્ર રાજ્યમાં વિવિધ મેડિકલ કોલેજો અને હોસ્પિટલોમાં કામ કરતા ૪૨ પ્રોફેસર્સ અને ડૉક્ટરોની બદલી કરી દીધી હતી, જેમાં આરજી કર હોસ્પિટલ અને મેડિકલ કોલેજના પ્રોફેસર અને ડૉક્ટરોનો પણ સમાવેશ થયો હતો. દેખાવો કરી રહેલા ડૉક્ટરોએ બદલીના આદેશ પાછળ કાવતરાંની આશંકા વ્યક્ત કરતાં ભારે હોબાળો સર્જાયો હતો. જોકે, આ અંગે વિવાદ વધતા મુખ્યમંત્રી મમતા બેનરજીએ દરમિયાનગિરી કરીને બદલીના આદેશ રદ કરી દીધા હતા.