મહારાષ્ટ્ર સંકટ વચ્ચે વડોદરામાં ફડણવીસ-શિંદેની બેઠક, અમિત શાહની હાજરીની ચર્ચા
- એકનાથ શિંદે તથા ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે સરકારની રચના અંગે ચર્ચા જામી
વડોદરા, તા. 26 જૂન 2022, રવિવાર
મહારાષ્ટ્રના રાજકીય ભૂકંપ વચ્ચે એક મહત્વની ઘટના સામે આવી છે. જાણવા મળ્યા મુજબ શુક્રવારે રાત્રિના સમયે ગુજરાતના વડોદરામાં શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદે તથા ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે એક બેઠક યોજાઈ હતી. આ બંને મહાનુભવો વચ્ચે સરકારની રચના અંગે ચર્ચા જામી હતી. જાણવા મળ્યા મુજબ એકનાથ શિંદે વિશેષ વિમાન દ્વારા વડોદરા પહોંચ્યા હતા અને બંને નેતાઓની મુલાકાત યોજાઈ હતી.
શિવસેનામાં અસલી શિવસેના અંગેની લડત ઉગ્ર બની છે તેવા સમયે જ દેવેન્દ્ર ફડણવીસ તથા એકનાથ શિંદે વચ્ચેની બેઠક મહત્વની બની રહે છે. બીજી બાજુ ઉદ્ધવ ઠાકરે પાસે ધારાસભ્યોની સંખ્યા ભલે ઓછી હોય પરંતુ તેમણે પાર્ટી પર નિયંત્રણ મેળવવા માટેની ગતિવિધિઓ તેજ કરી દીધી છે. શનિવારના રોજ યોજાયેલી શિવસેનાની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં ઉદ્ધવ ઠાકરેને બળવાખોરો સામે કાર્યવાહી કરવા માટેનો અધિકાર આપવામાં આવ્યો છે. આ સાથે જ પાર્ટીના પદાધિકારીઓએ તેમના નેતૃત્વ પર વિશ્વાસ દર્શાવ્યો છે.
અમિત શાહ પણ હાજર રહ્યા હોવાની ચર્ચા
ગૃહમંત્રી અમિત શાહ પણ શુક્રવારે વડોદરામાં ઉપસ્થિત હતા. જોકે ફડણવીસ અને શિંદે વચ્ચેની બેઠકમાં તેમની હાજરી અંગેની કોઈ વિગત સામે નથી આવી.