ઔરંગઝૈબ વિવાદ વચ્ચે મહારાષ્ટ્રના મંદિરોમાં શ્રદ્ધાળુઓની સંખ્યામાં મોટો ઘટાડો, પર્યટનને પણ અસર
Aurangzeb Controversy: મહારાષ્ટ્રમાં ઔરંગઝેબની કબરને લઈને છેલ્લા અમુક દિવસોથી માહોલ ગરમાયો છે. નાગપુરમાં હિંસક અથડામણ પણ થઈ. બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ(વિહિપ)એ રાજ્ય સરકાર પાસેથી ઔરંગઝેબની મજારને પાડવાની માગ કરી હતી. આ જૂથોએ ચેતવણી આપી હતી કે જો શિવ જ્યંતી સુધી મજારને પાડવામાં ન આવી તો તે પોતે મામલાને હાથમાં લેશે. પક્ષ-વિપક્ષમાં આ મુદ્દાને લઈને આકરી ચર્ચા થઈ રહી છે પરંતુ આ સૌની વચ્ચે હિન્દુ ધાર્મિક સ્થળોને આર્થિક સંકટનો સામનો કરવો પડી રહ્યો છે.
હિન્દુ મંદિરોમાં શ્રદ્ધાળુઓની સંખ્યામાં ઘટાડો
રાજ્યમાં ચાલી રહેલા તણાવની અસર મંદિરોમાં જોવા મળી રહી છે. સંભાજીનગરમાં સ્થિત ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ, ભદ્ર મારુતિ, ગિરિજા દેવી મંદિર અને સુલીભંજન દત્ત મંદિર સહિત ઘણા મંદિરોમાં શ્રદ્ધાળુઓની સંખ્યામાં ભારે ઘટાડો થયો છે. દેવગિરી કિલ્લામાં પણ લોકોની સંખ્યા ઘટી છે, જ્યાં સામાન્ય રીતે ભીડ રહે છે. આ તમામ પર્યટન સ્થળ એકબીજીની પાસે સ્થિત છે.
ઘૃષ્ણેશ્વર મંદિર 12 જ્યોતિર્લિંગોમાંથી એક છે. સામાન્ય દિવસોમાં અહીં દરરોજ 20,000 શ્રદ્ધાળુઓ આવે છે. અઠવાડિયાના અંતે અને સોમવારે આ સંખ્યા 40,000થી ઉપર જાય છે. જોકે, મંદિરના ટ્રસ્ટી યોગેશ તોપરેએ જણાવ્યું કે અશાંતિના કારણે શ્રદ્ધાળુઓની સંખ્યામાં ભારે ઘટાડો આવ્યો છે. છેલ્લા ત્રણ દિવસોમાં માત્ર 18,000થી 20,000 શ્રદ્ધાળુઓએ મંદિરનો પ્રવાસ કર્યો અને નાગપુર હુલ્લડ બાદ આ સંખ્યા ઘટીને માત્ર 5,000 રહી ગઈ છે.
ભદ્ર મારુતિ મંદિરમાં 40%નો ઘટાડો
પ્રાચીન ભદ્ર મારુતિ મંદિર, જે પોતાના અદ્વિતીય શયન મુદ્રામાં બેસેલા હનુમાનની પ્રતિમા માટે પ્રસિદ્ધ છે. ત્યાં પણ દરરોજ લગભગ 15,000 શ્રદ્ધાળુ આવે છે પરંતુ આ વિવાદના કારણે શ્રદ્ધાળુઓની સંખ્યામાં 40%નો ઘટાડો આવ્યો છે.
મંદિરોની આસપાસના સ્થાનિક વ્યવસાયોને પણ ભારે નુકસાન થયું છે. પૂજા સામગ્રી, ફૂલ, પ્રસાદ અને ધાર્મિક સ્મૃતિઓનું વેચાણ કરનાર વિક્રેતાઓએ 70% સુધી વેચાણમાં ઘટાડાની માહિતી આપી છે.
પર્યટન પર અસર
વિવાદે વિસ્તારમાં પર્યટનને પણ પ્રભાવિત કર્યો છે. ઈલોરા ગુફાઓ, દાઉલતાબાદ કિલ્લાની યાત્રા કરનાર પર્યટકોની સંખ્યામાં ઘટાડો આવ્યો છે, જેનાથી સ્થાનિક અર્થવ્યવસ્થા પર અસર પડી છે. ઘણા શ્રદ્ધાળુઓ અને પર્યટકોએ સુરક્ષાના કારણે પોતાના યાત્રા કાર્યક્રમને રદ કરી દીધો છે.