Get The App

ઉત્તર પ્રદેશની એ 'હોટ સીટ' જ્યાં કોંગ્રેસ-ભાજપ બંનેના દિગ્ગજ નેતાઓ પરાજયનો સ્વાદ ચાખી ચૂક્યા છે

અમેઠીની બેઠક 1967માં અસ્તિત્વમાં આવ્યા બાદ ભાજપે ત્રણ વખત જીત નોંધાવી

અમેઠીની પ્રજાએ રાહુલ ગાંધીને ત્રણ વખત, સ્મૃતિ ઈરાનીને એક વખત સાંસદ બનાવ્યા

Updated: Mar 17th, 2024


Google NewsGoogle News
ઉત્તર પ્રદેશની એ 'હોટ સીટ' જ્યાં કોંગ્રેસ-ભાજપ બંનેના દિગ્ગજ નેતાઓ પરાજયનો સ્વાદ ચાખી ચૂક્યા છે 1 - image


Lok Sabha Elections 2024 : દેશની સૌથી ચર્ચાસ્પદ લોકસભા બેઠક અમેઠીના મતદાતાઓ ધારે તે નેતાને માથા પર બેસાડી દે અને ધારે તેને ઉતારી પણ દે. કોંગ્રેસની ગઢ કહેવાતી અમેઠીની પીચ પર છાતી ઠોકીને મેદાને પડેલા રાજકારણના દિગ્ગજ ચહેરા આઉટ થયેલા છે. આ બેઠક પર સંજય ગાંધી, મેનકા ગાંધી, કાંશીરામ, શરદ યાદવ, સંજય સિંહ, કેપ્ટન સતીશ શર્મા, રાય મોહન ગાંધી, કુમાર વિશ્વાસ, રાહુલ ગાંધી અને સ્મૃતિ ઈરાની, આ તમામ દિગ્ગજ નેતાઓએ હાર જોવાનો વારો આવ્યો છે. આમ 1967માં અસ્તિત્વમાં આવેલી અમેઠી બેઠક પર અત્યાર સુધીની ચૂંટણીઓમાં ઘણા રેકોર્ડ (Amethi Seat Record) અને ઉલટફેર જોવા મળ્યા છે.

1977ની ચૂંટણીમાં સંજય ગાંધીની હાર

આમ તો અમેઠીની બેઠક 1967માં અસ્તિત્વમાં આવી હતી, પરંતુ તેની ચર્ચા દેશ અને દુનિયામાં 1977માં ખુબ થઈ. આ દરમિયાન પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી (Indira Gandhi)ના નાના પુત્ર સંજય ગાંધી (Sanjay Gandhi) અમેઠી લોકસભા ચૂંટણી લડવા મેદાને ઉતર્યા હતા અને તેની સામે જનતા પાર્ટીના રવિન્દ્ર પ્રતાપ સિંહ (Ravindra Pratap Singh) ઉર્ફે રાજા ભૈયા મેદાનમાં ઉતર્યા હતા. જોકે ઈમરજન્સીના કારણે આખા દેશમાં સરકાર વિરોધી લહેર હતી, આ જ કારણે સંજય ગાંધીએ અમેઠીમાં હારનો સામનો કરવો પડ્યો. ચૂંટણીમાં રવિન્દ્રને 1,76,410 મતો મળ્યા હતા, જેની સામે સંજય ગાંધીને 1,00,566 મતો મળતાં તેમનો 75,844 મતોથી બરાજય થયો હતો.

1980માં સંજય ગાંધીની રેકોર્ડ જીત

જોકે ત્યારબાદ મોટો ઉલટફેર થયો. અમેઠીમાં 1980ની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી, તેમાં પણ સંજય ગાંધી અને રવિન્દ્ર પ્રતાપ સિંહ સામેસામે હતા. આ ચંટણીમાં સંજય ગાંધીને 1,89,990 મતો જ્યારે રવિન્દ્ર પ્રતાપને માત્ર 58,445 મતો મળતા સંજય ગાંધીએ 1,28,545 મતોથી મોટી જીત નોંધાવી સંસદ પહોંચ્યા હતા.

ગાંધી પરિવારના બે સભ્યો ચૂંટણીમાં સામ સામે

ત્યારબાદ 1984ની અમેઠીની ચૂંટણી ખૂબ જ ચર્ચાસ્પદ બની. આ બેઠકમાં પરિવારના બે સભ્યો સામ-સામે આવી ગયા હતા. ગાંધી પરિવારના બે સભ્યો સંજય ગાંધી અને મેનકા ગાંધી (Maneka Gandhi) એકબીજા વિરુદ્ધ ચૂંટણી મેદાનમાં ઉતરી ગયા હતા. જોકે અમેઠીની પ્રજાએ રાજીવ ગાંધીને 3,65,041 મતો આપી પોતાના સાંસદ બન્યા હતા. મેનકા ગાંધીને માત્ર 50,163 મત મળ્યા હતા. એટલું જ નહીં તેઓ જામીન પણ બચાવી શક્યા ન હતા. ત્યારબાદ મેનકા ગાંધીએ ક્યારેય અમેઠી સામે જોયું નથી.

રાજીવ ગાંધીએ બે દિગ્ગજને ચખાડ્યો હારનો સ્વાદ

1989માં રાજીવ ગાંધી સામે જનતા દળના ઉમેદવાર તરીકે મહાત્માગાંધીના પૌત્ર રાજમોહન ગાંધી (Rajmohan Gandhi) અને BSPના સંસ્થાપક કાંશીરામ (Kanshi Ram) ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા. જોકે રાજીવ ગાંધીએ બંને દિગ્ગજ નેતાઓને હાર આપી હતી. ત્યારબાદ 1991માં ફરી રાજીવ ગાંધીનો વિજય થયો અને BJPના રવિન્દ્ર પ્રતાપ સિંહ અને જનતા દળના નઈમની હાર થઈ હતી.

રાજીવ ગાંધીની હત્યા બાદ કોંગ્રેસે સતીશ શર્માને મેદાનમાં ઉતાર્યા

1991માં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા થયા બાદ અમેઠીમાં પેટા-ચૂંટણી યોજાઈ હતી, જેમાં કોંગ્રેસે રાજીવ ગાંધીના મિત્ર કેપ્ટન સતીશ શર્માને મેદાનમાં ઉતાર્યા હતા, જેમાં તેમણે 1,78,996 અને ભાપના મદન મોહન સિંહને 79,687 મત મળ્યા હતા. કોંગ્રેસે 1996ની સામાન્ય ચૂંટણીઓમાં ફરી સતીશ શર્માને મેદાનમાં ઉતાર્યા અને તેઓ ભાજપના રાજા મોહન સિંહને હરાવી સાંસદ બન્યા. આ ચૂંટણીમાં સતીશ શર્માને 1,57,868 મત તો રાજા મોહનને 1,17,725 મત મળ્યા હતા.

1999માં સોનિયા ગાંધીનો, તો 2004માં રાહુલનો વિજય

1998ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ડૉ.સંજય સિંહે કોંગ્રેસના કેપ્ટન સતીશ શર્માને હાર આપી હતી. આ સાથે ભાજપે 1977 બાદ અમેઠીમાં બીજી જીત મેળવી હતી. 1999ની ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર સોનિયા ગાંધીએ ભાજપના ઉમેદવાર સંજય સિંહ સામે રેકોર્ડ જીત નોંધાવી હતી. સોનિયા ગાંધીએ 4,18,960 મત તો સંજય સિંહને માત્ર 1,18,948 મતો મળ્યા હતા. ત્યારબાદ રાહુલ ગાંધીએ 2004માં બસપાના ચંદ્ર પ્રકાશ મિશ્ર અને 2009માં બસપાના આશીષ શુક્લને હરાવી મોટી જીત હાંસલ કરી હતી.

અમેઠીની સૌથી હાઈપ્રોફાઈલ ચૂંટણી 2014માં જોવા મળી

અમેઠીની અત્યાર સુધીમાં ચૂંટણીઓમાં સૌથી મોટો હાઈપ્રોફાઈલ મુકાબલો 2014માં જોવા મળ્યા હતા. જેમાં અમેઠીની પ્રજાએ ભાજપના સ્મૃતિ ઈરાની (Smriti Irani) અને આમ આદમી પાર્ટી (AAP)ના કુમાર વિશ્વાસ (Kumar Vishwas)ને હરાવી ત્રીજી વખત કોંગ્રેસ (Congress)ના ઉમેદવાર રાહુલ ગાંધી (Rahul Gandhi)ને પોતાના સાંસદ બનાવ્યા હતા. આ ચૂંટણીમાં રાહુલ ગાંધીને 4,08,651, સ્મૃતિ ઈરાનીને 3,00,748 મતો અને કુમાર વિશ્વાસને 25,527 મત મળ્યા હતા. હાર બાદ કુમાર વિશ્વાસ ક્યારેય અમેઠીમાં દેખાયા નહીં, જોકે સ્મૃતિ ઈરાની હજુ પણ ત્યાંની પ્રજાના સતત સંપર્કમાં છે. આ જ કારણે સ્મૃતિ ઈરાનીએ 2019માં યોજાયેલી સામાન્ય ચૂંટણીઓનો લાભ મળ્યો અને અમેઠીની પ્રજાએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને હરાવી ભાજપની સ્મૃતિ ઈરાનીને પોતાના સાંસદ બન્યા હતા. આ ચૂંટણીમાં સ્મૃતિને 4,68,514 તો રાહુલ ગાંધીને 4,13,394 મતો મળ્યા હતા. આ સાથે ભાજપે અમેઠીમાં ત્રીજી વખત જીત નોંધાવી હતી.

અમેઠીમાં કયા દિગ્ગજ ચહેરાઓએ હાર જોવી પડી?

  • 1977 સંજય ગાંધી, કોંગ્રેસ
  • 1981 શરદ યાદવ, લોકદળ
  • 1984 મેનકા ગાંધી, સંજય વિચાર મંચ
  • 1989 રાજમોહન ગાંધી, જનતા દળ, ભાજપ
  • 1989 કાંશીરામ, બસપા
  • 1998 કેપ્ટન સતીશ શર્મા, કોંગ્રેસ
  • 1999 સંજય સિંહ, ભાજપ
  • 2014 સ્મૃતિ ઈરાની, ભાજપ
  • 2014 કુમાર વિશ્વાસ, આમ આદમી પાર્ટી
  • 2019 રાહુલ ગાંધી, કોંગ્રેસ

Google NewsGoogle News