ભારતમાં હેટ સ્પીચમાં 74 ટકાનો ઉછાળો, PM મોદીનું ભાષણ પણ સામેલ: અમેરિકન રિપોર્ટ
પ્રતિકાત્મક તસવીર |
Hate Speech: અમેરિકા સ્થિત રિસર્ચ ગ્રૂપ દ્વારા ભારતમાં અપાતા ઉશ્કેરણીજનક ભાષણો પર એક રિસર્ચ કરવામાં આવ્યું હતું, જેમાં દાવો કરાયો છે કે વર્ષ 2024માં ભારતમાં લઘુમતીઓ વિરુદ્ધ નફરતી ભાષણોમાં 74 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. ગત વર્ષે લોકસભાની ચૂંટણી યોજાઈ હતી જે સમયે પણ આવા ભાષણો અપાતા હોવાની નોંધ આ રિસર્ચમાં લેવાઈ છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા નફરતભર્યા ભાષણ અંગે જે વ્યાખ્યા અપાઈ છે તેને ધ્યાનમાં રાખીને આ રિપોર્ટ તૈયાર કરાયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
એક વર્ષમાં હેટ સ્પીચમાં 74 ટકાનો વધારો
ઇન્ડિયા હેટ લેબ દ્વારા કુલ 1165 નિવેદનો કે ભાષણોને રિસર્ચમાં આવરી લેવાયા હતા, જે વર્ષ 2024માં અપાયા હતા. આ ભાષણો ઉશ્કેરણીજનક કે નફરતભર્યા હોવાનું કહીને ગ્રૂપે તેની સરખામણી વર્ષ 2023માં અપાયેલા આવા જ ભાષણ સાથે કરી હતી. વર્ષ 2023માં ઉશ્કેરણીજનક ભાષણની સંખ્યા 668 હતી. એટલે કે એક જ વર્ષમાં 74 ટકાનો વધારો થયો હતો. ગ્રૂપ દ્વારા રજૂ કરવામાં આવેલાં રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, ગત વર્ષે લોકસભાની ચૂંટણી દરમિયાન સૌથી વધુ ઉશ્કેરણીજનક ભાષણો અપાયા છે જેમાં મુસ્લિમ સહિતના લઘુમતીઓને ટાર્ગેટ બનાવવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ દિલ્હીમાં મહિલા CM બનાવશે ભાજપ? સ્મૃતિ ઈરાની અને સુષ્મા સ્વરાજની પુત્રીનું નામ રેસમાં
વડાપ્રધાન મોદીના ભાષણનો પણ કરાયો સમાવેશ
આ રિપોર્ટ એવા સમયે સામે આવી રહ્યો છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા જઈને રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળવાના છે. અમેરિકન ગ્રૂપે નફરતી ભાષણોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અપાયેલા એક ભાષણનો પણ સમાવેશ કર્યો હતો અને દાવો કરાયો છે કે, નરેન્દ્ર મોદીએ મુસ્લિમોને ઘુસણખોરો કહ્યા હતા. સાથે જ દાવો કરાયો છે કે, આ તમામ ઉશ્કેરણીજનક ભાષણોમાં 80 ટકા ભાજપ કે તેના સાથી પક્ષો દ્વારા શાસિત રાજ્યોમાંથી અપાયા હતા.
શું છે હેટ સ્પીચની વ્યાખ્યા?
નોંધનીય છે કે, આ રિપોર્ટને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કરાયેલી હેટ સ્પીચ અંગેની વ્યાખ્યાને ધ્યાનમાં રાખીને તૈયાર કર્યો છે. આ વ્યાખ્યા મુજબ હેટ સ્પીચ એટેલ, 'એવું ભાષણ જેમાં ધર્મ, જાતિ, વંશના આધારે ભેદભાવભર્યા શબ્દોનો પ્રયોગ કરાતો હોય તેને ઉશ્કેરણી કે નફરતભર્યું ભાષણ માનવામાં આવે છે'.