Get The App

રામલલાની મૂર્તિ બનાવનાર અરુણ યોગીરાજને ઝટકો, અમેરિકાએ વિઝા આપવા કર્યો ઈનકાર

Updated: Aug 14th, 2024


Google NewsGoogle News
રામલલાની મૂર્તિ બનાવનાર અરુણ યોગીરાજને ઝટકો, અમેરિકાએ વિઝા આપવા કર્યો ઈનકાર 1 - image


Arun YogiRaj: અયોધ્યાના રામ મંદિર માટે રામલલાની મૂર્તિ બનાવનારા પ્રસિદ્ધ શિલ્પકાર અરુણ યોગીરાજને અમેરિકાએ વિઝા  આપવાનો ઈનકાર કરી દીધો છે. આ માટે અમેરિકાએ કોઈ ઠોસ કારણ પણ નથી જણાવ્યું. યોગીરાજને 12મી AKKA વર્લ્ડ કન્નડ કોન્ફરન્સમાં સામેલ થવા માટે અમેરિકા જવાનું હતું. આ કોન્ફરન્સ 30 ઓગષ્ટથી એક સપ્ટેમ્બર વચ્ચે વર્જીનિયાના રિચમંડ કન્વેન્શન સેન્ટરમાં યોજાવાની હતી. 

અમેરિકાએ વીઝા આપવાનો  કર્યો ઈનકાર

અરુણ યોગીરાજના પરિવારે વિઝા ન મળવા પર નિરાશા વ્યક્ત કરી છે. કૌટુંબિક સૂત્રોનું કહેવું છે કે, અરુણની પત્ની વિજેતા અગાઉ પણ અમેરિકા જઈ ચૂકી છે અને આવી સ્થિતિમાં અરુણને વિઝા આપવાનો ઈનકાર કરવો ખૂબ જ નિરાશાજનક છે. શિલ્પકાર અરુણે અમેરિકા જવા માટે તમામ તૈયારીઓ પણ પૂરી કરી લીધી હતી. અરુણ યોગીરાજે પણ અમેરિકા દ્વારા વિઝા  આપવાનો ઈનકાર કર્યો હોવાની પુષ્ટિ કરી છે. તેણે કહ્યું કે, મને કોઈ કારણ નથી ખબર પરંતુ અમે વિઝા સંબંધિત તમામ દસ્તાવેજો જમા કરાવી દીધા છે. AKKA વર્લ્ડ કન્નડ કોન્ફરન્સનું વર્ષમાં બે વાર આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય અમેરિકા સહિત વિશ્વના અન્ય ભાગોમાં રહેતા સમુદાયના સભ્યોને એક સ્થળે લાવવાનો છે.

રામ મંદિર માટે બનાવી હતી રામલલાની મૂર્તિ

આ વર્ષની શરૂઆતમાં અયોધ્યામાં બની રહેલા રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મંદિરમાં ભગવાન રામલલાની જે મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે તેને યોગીરાજે બનાવી છે. આમ તો અરુણ યોગીરાજની ઘણી પેઢીઓ મૂર્તિઓ બનાવતી રહી છે પરંતુ રામલલાની મૂર્તિ બનાવીને અરુણ દેશ અને દુનિયામાં ખૂબ જ લોકપ્રિય બની ગયો. રામલલાની મૂર્તિ અંગે અરુણે કહ્યું હતું કે, જ્યારે મૂર્તિ બનાવવામાં આવી હતી ત્યારે તે અલગ દેખાતી હતી પરંતુ પ્રાણ પ્રતિષ્ઠા બાદ ભગવાને અલગ જ રૂપ ધારણ કરી લીધુ છે. સાત મહિના સુધી મેં જે ભગવાનની મૂર્તિ બનાવી હતી તેને હું પોતે પણ ઓળખી નહોતો શક્યો. ગર્ભગૃહમાં પ્રવેશતાની સાથે જ મૂર્તિ બદલાઈ ગઈ. આ એક ચમત્કાર જ છે. 


Google NewsGoogle News