અમેરિકાની ચૂંટણીમાં પણ 'મફતની રેવડી', ટ્રમ્પની વીજળી અંગેની જાહેરાત પર કેજરીવાલનું રિએક્શન
Arvind Kejriwal Reaction On Donald Trump Social Media Post: અમેરિકામાં પાંચ નવેમ્બર 2024ના રોજ પ્રમુખપદની ચૂંટણી યોજાશે. ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ પોતપોતાના ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. શુક્રવારે (11મી ઓક્ટોબર) ટ્રમ્પે જાહેરાત કરી હતી કે, 'જો હું અમેરિકન પ્રમુખ બનીશ તો વીજળીના ભાવમાં ઘટાડો કરવામાં આવશે અને વીજ ઉત્પાદનની ક્ષમતા બમણી કરી દેવામાં આવશે.' આ જાહેરાતનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર શેર કર્યો છે. ટ્રમ્પની આ પોસ્ટને રીપોસ્ટ કરતાં અરવિંદ કેજરીવાલે કહ્યું કે, 'મફતની રેવડી હવે અમેરિકા પહોંચી છે.'
અમેરિકામાં મફતની રેવડી!
અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર છે. તેમની સામે ડેમોક્રેટ કમલા હેરિસ છે. શુક્રવારે ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે, 'હું અમેરિકન પ્રમુખ બનીશ તો વીજળી ભાવ અડધો કરી દેવામાં આવશે અને વીજળી ઉત્પાદન ક્ષમતા પણ બમણી કરશે.' અરવિંદ કેજરીવાલે તેમની આ પોસ્ટ રીપોસ્ટ પોસ્ટ કરી છે. તેમણે 'X' પર લખ્યું, 'ટ્રમ્પે વીજળીના ભાવ અડધા કરવાની જાહેરાત કરી છે, મફતની રેવડી હવે અમેરિકા પહોંચી છે.'
આ પણ વાંચો: જાપાનના આ એનજીઓને મળ્યો નોબેલ શાંતિ પુરસ્કાર, પરમાણુ હથિયારોથી મુક્ત બનાવવા કરે છે કામગીરી
ઉલ્લેખનીય છે કે, દિલ્હી સરકાર છેલ્લા ઘણાં સમયથી દિલ્હીના લોકોને મફતમાં વીજળી આપે છે. જો કે, આ માટે એક શરત છે. જો કોઈ પરિવાર એક મહિનામાં 200 યુનિટ વીજળી વાપરે છે તો તેણે વીજળીનું બિલ ચૂકવવું પડશે નહીં, પરંતુ જો તે 200 યુનિટથી વધુ વીજળી વાપરે છે તો તેણે આખું વીજ બિલ ચૂકવવું પડશે. ટ્રમ્પની જાહેરાતને તેમની સરકારની યોજના સાથે જોડવાનો પ્રયાસ કર્યો છે.
ટ્રમ્પ અમેરિકાના 45માં પ્રમુખ રહી ચૂક્યા છે
ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના 45માં પ્રમુખ રહી ચૂક્યા છે. તેઓ 2016થી 2020 સુધી અમેરિકાના પ્રમુખપદ પર રહ્યા હતા. જો કે, 2020માં યોજાયેલી પ્રમુખપદની ચૂંટણીમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ તેઓ ફરી એકવાર રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં છે.