Get The App

ભારતને મળશે ‘જેટ એન્જિન’, જાણો કેમ ખાસ છે અમેરિકા સાથેની જેટ ટેકનોલોજી ડીલ

Updated: Jun 22nd, 2023


Google NewsGoogle News
ભારતને મળશે ‘જેટ એન્જિન’, જાણો કેમ ખાસ છે અમેરિકા સાથેની જેટ ટેકનોલોજી ડીલ 1 - image
Image - NASA Web

અમેરિકા, રશિયા, ઈગ્લેંડ અને ફ્રાંસ આ ચાર દેશો જ એવા છે જ્યાં ફાઈટર જેટના એન્જીન બને છે. એનો અર્થ એમ થયો કે દુનિયામાં જેટલા પણ ફાઈટર જેટ ઉડી રહ્યા છે તેના એન્જીન આ ચાર દેશોમાં જ બન્યા છે. ત્યારે હવે આ સિદ્ધી ભારતના નામે પણ લખાશે, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકા પ્રવાસ દરમિયાન અમેરિકન કંપની જનરલ ઈલેક્ટ્રિક ભારતમાં પોતાનો પ્લાન્ટ સ્થાપવા આમંત્રણ આપ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે જનરલ ઈલેક્ટ્રીકના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) લોરેન્સ કલ્પને ભારતના ઉડ્ડયન અને રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં મોટી ભૂમિકા ભજવવા આમંત્રણ આપ્યું હતું. મોદીએ જનરલ ઈલેક્ટ્રીકના સીઈઓ એચ. લોરેન્સ કલ્પ, જુનિયર સાથે મુલાકાત કર્યા બાદ ભારતમાં મેન્યુફેક્ચરિંગ માટે તેમની લાંબા ગાળાની પ્રતિબદ્ધતા માટે જીઈની પ્રશંસા કરી હતી. ભારતમાં જનરલ ઈલેક્ટ્રીકને વધુ ટેક્નોલોજી સહયોગ માટે પણ કહેવાયું છે. વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રવક્તા અરિંદમ બાગચીએ એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાને ભારતના ઉડ્ડયન અને રિન્યૂએબલ એનર્જી સેક્ટરમાં મોટી ભૂમિકા ભજવવા માટે જનરલ ઈલેક્ટ્રીકને આમંત્રણ આપ્યું છે.

GE-F414 એન્જિન શું છે?

યુએસ નેવી 30 વર્ષથી તેના ફાઈટર જેટમાં આ એન્જિનનો ઉપયોગ કરી રહી છે. તે જનરલ ઈલેક્ટ્રીક ફાઈટર જેટ એન્જિન સ્યુટનો ભાગ છે. જીઈ એરોસ્પેસની વેબસાઈટ અનુસાર અત્યાર સુધીમાં 1600 થી વધુ F414 એન્જિનની ડિલિવરી કરવામાં આવી છે. જે વિમાનોમાં આ એન્જિન લગાવવામાં આવ્યા છે તે 50 લાખ કલાકથી વધુ ઉડ્યા છે.

આ ટર્બોફન એન્જિનો 22000 lb અથવા 98 કિલો ન્યુટન થ્રસ્ટ જનરેટ કરે છે. તેમાં અત્યાધુનિક ફુલ ઓથોરિટી ડિજિટલ ઇલેક્ટ્રોનિક કંટ્રોલ (FADEC) લાગેલ છે. એટલે તમે ડીજીટલી એન્જીનની પરફોર્મન્સને નિયંત્રિત કરી શકે છે. નવી ટેક્નિક વાળી કુલિંગ સિસ્ટમથી એન્જીનની ક્ષમતા અને આયુષ્ય વધી જાય છે. આ ઉપરાંત તેના પાર્ટ્સ પણ લાંબા સમય સુધી ચાલે છે. 

ક્યાં થઇ રહ્યો છે ઉપયોગ ?

હાલના સમયમાં અમેરિકા સહીત આઠ દેશ છે જ્યાં આ એન્જીનનો ઉપયોગ થઇ રહ્યો છે. આ અમેરિકન નૌસેનાના F/A-18E/F સુપર હોર્નેટ અને EA18G ગ્રાઉલર ઈલેક્ટ્રોનિક એટેક એરક્રાફ્ટમાં લાગ્યું છે. આ ઉપરાંત સાબ કંપનીના ગ્રિપેન ફાઈટર જેટમાં આ એન્જીન લાગ્યા છે. જીઈનો દાવો છે કે નવા કોરીયન પ્લેટફોર્મ KF-Xને પણ પાવર આપી શકે છે.

ભારતમાં આનાથી શું ફાયદો થશે?

ભારતમાં F414 એન્જિન આવવાથી એરફોર્સ અને નેવીના ફાઈટર જેટ્સને મજબૂતી મળશે. LCA તેજસ-MK2 થી લઈને AMCA ફાઈટર જેટના નિર્માણમાં મદદ મળશે. F414-INS6 વર્ઝન ભારત માટે બનાવવામાં આવશે. એવું માનવામાં આવે છે કે આ એન્જિન LCA-Tejas MK2માં લગાવવામાં આવશે. હાલમાં તેજસમાં GE-404-IN20 એન્જિન લાગેલા છે.

નવા F414 એન્જીનથી ભારતીય વાયુસેના માટે દેશમાં નિર્માણ થનારા એડવાન્સ મીડીયમ કોમ્બેટ એરક્રાફ્ટના પ્રોટોટાઈપ તૈયાર કરવામાં આવશે. આ સ્વદેશમાં બનનારા પાંચમી પેઢીનું ફાઈટર જેટ માનવામાં આવે છે પરંતુ તે સમસ્યા નથી.. જનરલ ઇલેક્ટ્રિકને ફ્રાંસના સાફરાન એસએ અને ઇગ્લેન્ડની એન્જીનની કંપની રોલ્સ રોયસ પાસેથી પણ પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. સાફરાન અને હિંદુસ્તાન એરોનોટીક્સ લીમીટેડે મળીને શક્તિ એન્જીન બનાવ્યું હતું. જેનો ઉપયોગ એડવાન્સ લાઈટ હેલિકોપ્ટર ધ્રુવ અને લાઈટ કોમ્બેટ હેલિકોપ્ટર પ્રચંડમાં કરવામાં આવ્યો છે.


Google NewsGoogle News