ટ્રમ્પ પર ફાયરિંગ અંગે ભારતીય રાજનેતાઓની પ્રતિક્રિયા, PM મોદીએ કહ્યું- 'મિત્ર પર હુમલાથી ચિંતિત'
Trump Rally Shooting: અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર પેન્સિલવેનિયામાં આયોજિત ચૂંટણી રેલી દરમિયાન ગોળીબાર થતાં આખી દુનિયામાં હડકંપ મચી ગયું છે. પેન્સિલવેનિયાના બટલર ખાતે ફાયરિંગની ઘટના બની હતી. આ મામલે દેશવિદેશથી હવે પ્રતિક્રિયા આવવા લાગી છે. આ મામલે હવે વડાપ્રધાન મોદી અને રાહુલ ગાંધી જેવા દિગ્ગજ નેતાઓએ પ્રતિક્રિયા આપી હતી.
વડાપ્રધાન મોદીએ આપી ત્વરિત પ્રતિક્રિયા
વડાપ્રધાન મોદીએ પણ આ ઘટના વિશે તેમના વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે કહ્યું કે 'મારા મિત્ર અને પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા હુમલાથી હું ચિંતિત છું. આ ઘટનાની આકરી ટીકા કરું છું. રાજકારણ અને લોકતંત્રમાં હિંસાને કોઈ સ્થાન નથી. તેમના જલદી સ્વસ્થ થવાની કામના કરુ છું. અમારી સંવેદનાઓ અને પ્રાથનાઓ મૃતકોના પરિજનો અને ઘાયલો તથા અમેરિકન લોકો સાથે છે.'
આ પણ વાંચો : મૂવ..મૂવ.. ટ્રમ્પ પર ગોળીબાર થતાં સિક્રેટ સર્વિસ એજન્ટ થયા એક્ટિવ, આખી ઘટના કેવી રીતે બની?
હું ટ્રમ્પ પરના જીવલેણ હુમલાથી ખૂબ ચિંતિત છું - રાહુલ ગાંધી
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ઘાતક હુમલાની નિંદા કરી છે. તેમણે કહ્યું છે કે 'હું અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા ઘાતક હુમલાને લઈને ખૂબ જ ચિંતિત છું. આવા કૃત્યોની સખત નિંદા થવી જોઈએ. હું તેના ઝડપી અને સંપૂર્ણ સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું.'
આ પણ વાંચો : VIDEO : અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર ગોળીબાર, માંડ માંડ જીવ બચ્યો, કાન પર ગોળી વાગી