અમેરિકામાં લાંચ કેસ: ગૌતમ અદાણી અને ભત્રીજા વચ્ચે કોડનેમ રાખીને શું વાતો થઈ, જાણો સમગ્ર ઘટનાક્રમ
Gautam Adani charged in US : ભારતમાં સૌર ઊર્જા સંબંધિત પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ મેળવવા માટે ગૌતમ અદાણી અને એમના મળયિયાઓએ કરેલા લાંચ કાંડ પછી અમેરિકામાં કેસ ચાલી રહ્યો છે. 54 પાનામાં ફેલાયેલા આ આરોપનામાં અનેક ચોંકાવનારી વિગતો બહાર આવી છે. આશ્ચર્યની વાત તો એ છે કે, વર્ષ 2023માં પણ અમેરિકામાં FBI એજન્ટો ગૌતમ અદાણીના ભત્રીજા સાગર અદાણીને ત્યાં સર્ચ વૉરન્ટ લઈને આવ્યા હતા. એટલું જ નહીં, રોકાણકારો સાથે છેતરપિંડી કરવા મામલે કોર્ટમાં હાજર રહેવાની નોટિસ આપી હતી અને તેમના ઈલેક્ટ્રોનિક ડિવાઈસ પણ જપ્ત કરી લીધા હતા. જો કે, આ તમામ વાત રોકાણકારોથી છુપાવાઈ હતી. તો ચાલો જાણીએ ગૌતમ અદાણી અને સાગર અદાણીએ કેવી રીતે ડીલ પાર પાડી.
કોણ છે અમેરિકામાં નોંધાયેલા કેસમાં આરોપીઓ
અમેરિકામાં જે લોકો પર કેસ ચલાવાઈ રહ્યો છે, તેમાં ગૌતમ અદાણી, સાગર અદાણી (ગૌતમ અદાણીનો ભત્રીજો), વિનિત જૈન, રણજીત ગુપ્તા, રૂપેશ અગ્રવાલ, સૌરભ અગ્રવાલ, દીપક મલ્હોત્રા અને સિંગાપોરના રહેવાસી સીરિલ કેબનેસ આરોપીઓ છે. આ તમામ પર લાંચ આપવા, ભ્રષ્ટાચાર કરવા માટે કાવતરું ઘડવાનો અને પુરાવાનો નાશ કરવા જેવા આરોપો છે.
સમગ્ર કૌભાંડનો ઘટનાક્રમ આ પ્રમાણે હતો
• વર્ષ 2020માં ગૌતમ અદાણીની કંપની અને અમેરિકન ઈશ્યુઅર (‘એઝર પાવર’ના ભૂતપૂર્વ સી.ઈ.ઓ. રણજીત ગુપ્તા અને એઝર પાવરના કન્સલ્ટન્ટ રૂપેશ અગ્રવાલ) દ્વારા સરકારી માલિકીની કંપની ‘સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા’ (SECI)ને 12 ગીગાવોટ સૌર ઊર્જા આપવાનો કોન્ટ્રાક્ટ મેળવાયો હતો.
• કોન્ટ્રાક્ટની શરત એવી હતી કે SECI ભારતમાં સૌર ઊર્જાની ખરીદી કરી શકે એવી રાજ્યકક્ષાની વીજ કંપનીઓ શોધશે, પણ સૌર ઊર્જાનો રેટ એટલો ઊંચો હતો કે SECI ને ખરીદદાર ન મળ્યા. તેથી આ સોદો અટકી પડ્યો. સોદો ન થાય તો અદાણી ગ્રૂપ અને એઝર પાવર બંનેને ભારે નુકસાન થાય એમ હતું, તેથી બંને કંપનીઓએ સોદો પાર પાડવા માટે ભારત સરકારના અધિકારીઓને લાંચ આપવાની પેરવી કરી હતી.
• રાજ્યની વીજ વિતરણ કંપનીઓ SECI સાથે વીજ પુરવઠાનો કરાર કરવા તૈયાર થાય એની જવાબદારી સરકારી અધિકારીઓને સોંપવામાં આવી હતી, અને એ કામ માટે એમને કરોડોની લાંચ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
અધધધ હતી લાંચની રકમ
ભારતના વિવિધ રાજ્યોની વીજ કંપનીના અધિકારીઓને 265 મિલિયન અમેરિકન ડોલર એટલે કે 2029 કરોડ રૂપિયાની લાંચ આપવાનું નક્કી કરવામાં આવ્યું. એમાં સૌથી મોટો તોડ આંધ્રપ્રદેશના અધિકારીઓ દ્વારા પડાયો હતો. એકલા એ રાજ્યના અધિકારીઓને જ 228 મિલિયન અમેરિકન ડૉલર એટલે કે 1750 કરોડ રૂપિયાની લાંચ આપવાનું નક્કી થયું હતું.
અદાણી સહિતના મોટા માથાના પણ કોડ નેમ
લાંચ આપવા માટે પ્રતિવાદીઓ વચ્ચે અંદરોઅંદર જે વાતચીત થતી હતી એ ખાનગી રહે એ માટે કોઈના પણ નામ નહોતા લેવાતા. એ માટે બધાને કોડ નેમ અપાયા હતા. જેમ કે, ગૌતમ અદાણીનો ઉલ્લેખ ‘સેગ’ (SAG), ‘મિસ્ટર એ’ (Mr. A), ‘ન્યૂમેરો ઉનો' (Numero uno એટલે કે નંબર વન- સૌથી મહત્ત્વની વ્યક્તિ) અને 'ધ બિગ મેન' (The big man) તરીકે થતો હતો. જ્યારે કે વિનિત જૈનનો ઉલ્લેખ ‘વી’ (V), ‘સ્નેક’ (snake) અને ‘ન્યૂમેરો ઉનો માઇનસ વન (Numero uno minus one) એટલે કે ગૌતમ અદાણીની નીચેની વ્યક્તિ તરીકે થતો હતો. અમેરિકન ઓથોરિટીએ દાખલ કરેલી ચાર્જશીટમાં ઉલ્લેખ છે કે, આ દરમિયાન ગૌતમ અદાણી અને સાગર અદાણી વચ્ચે વાતો પણ થઈ હતી. સાગર અદાણીએ સૌર ઊર્જા પ્રોજેક્ટ મંજૂર થઈ જશે તેની વાત કરી હતી, જેનો ગૌતમ અદાણીએ જવાબ આપતા કહ્યું હતું કે ‘ઓકે’.
દક્ષિણ ભારત સહિતના રાજ્યોના અધિકારીઓની મિલીભગત
જુલાઈ 2021થી ફેબ્રુઆરી 2022 દરમિયાન આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, ઓડિશા, છત્તીસગઢ અને જમ્મુ કાશ્મીરની કંપનીઓ વીજળી ખરીદવા તૈયાર થઈ ગઈ. પ્રતિ મેગાવોટ વીજળીના વેચાણ પર કેટલી લાંચ આપવાની રહેશે, એ પણ નક્કી કરવામાં આવ્યું.
આ પણ વાંચો : અદાણીકાંડના આટાપાટા: સૌર પ્રોજેક્ટ ભારતનો, લાંચ પણ ભારતીયોને, તો તપાસ અમેરિકામાં કેમ?
લાંચની યોજના ઘડવા પણ બેઠકોનો દોર ચાલ્યો
કયા અધિકારીને ક્યાં, ક્યારે, કેટલી લાંચ આપવી એની યોજના બનાવવા માટે બેઠકો યોજાઈ હતી. અમેરિકામાં નોંધાયેલા કેસમાં ગૌતમ અદાણી ખુદ સરકારી અધિકારીઓને વ્યક્તિગત રીતે મળ્યા હોવાનો પણ ઉલ્લેખ છે. તેમણે વર્ષ 2021માં 7 ઓગસ્ટ, 12 સપ્ટેમ્બર અને 20 નવેમ્બરના રોજ આંધ્ર પ્રદેશની વીજ કંપનીના અધિકારીઓ સાથે બેઠક કરી હતી.
લાંચ સુરક્ષિત પહોંચાડવા સાગર અદાણીની નજર
આ દરમિયાન સાગર અદાણીએ સરકારી અધિકારીઓ સુધી હજારો કરોડની લાંચ સુરક્ષિત પહોંચી જાય તેના ઝીણવટભરી નજર રાખી હતી. એટલું જ નહીં, આ સમગ્ર ઘટના ટ્રેક કરવા માટે ફોનનો ઉપયોગ કર્યો હતો. આ ઉપરાંત કયા અધિકારીને કેટલા રૂપિયા મળશે તેની સમગ્ર વિગતો વિનીત જૈને પોતાના ફોનમાં સેવ કરી હતી, તો કયા અધિકારીને કઈ રીતે નાણાં મળશે તેના માટે રૂપેશ અગ્રવાલે એક પાવર પોઇન્ટ પ્રેઝેન્ટેશન તૈયાર કર્યું હતું અને અન્ય આરોપીઓને બતાવીને સમજાવ્યું પણ હતું.
આ રીતે ભેગી કરાઈ લાંચની રકમ
2020થી 2023 દરમિયાન ગૌતમ અદાણી અને સાગર અદાણી અનેકવાર અમેરિકા ગયા હતા. ત્યાં તેઓ ફંડ ભેગું કરવા માટે રોકાણકારોને મળ્યા હતા. બેંકો પાસેથી લોન લેવામાં આવી હતી અને બોન્ડ બહાર પાડીને અમેરિકા તથા અન્ય દેશોમાં વેચવામાં આવ્યા હતા.
અદાણીની ગ્રૂપની પોલી કેવી રીતે ફૂટી?
17 માર્ચ, 2022 અમેરિકાના સિક્યોરિટી એક્સ્ચેન્જ કમિશને અમેરિકન ઈશ્યૂઅરને વર્ષ 2018 પછી એને મળેલા તમામ કોન્ટ્રાક્ટ અને ટેન્ડર વગેરે બાબતની વિગતો માંગી. પગ નીચે રેલો આવતા અમેરિકા સ્થિત કાવતરાખોરે 25 માર્ચ, 2022ના રોજ સૌરભ અગ્રવાલ, દીપક મલ્હોત્રા અને સીરિલ કેબનેસને મેસેજ કરીને ચેતવી દીધા હતા.
પુરાવાઓનો નાશ પણ કરી દેવાયો
અમેરિકામાં તપાસ શરૂ થતાં જ કાવતરામાં સામેલ બધાં લોકો સરકારી તપાસને પ્રભાવિત કરવામાં વ્યસ્ત થઈ ગયા. તેમણે સરકારી તપાસ અધિકારીઓને ખોટી માહિતી આપીને ગેરમાર્ગે દોર્યા અને લાંચ આપવા સંબંધિત અનેક દસ્તાવેજોનો નાશ કરી દીધો.
સાગર અદાણી સર્ચ વૉરન્ટ
17 માર્ચ 2023ના રોજ અમેરિકામાં એફબીઆઈ દ્વારા સાગર અદાણી સામે સર્ચ વૉરન્ટ જારી કરાયું હતું, જેમાં સાગરની પૂછપરછ કરાઈ હતી અને તેના ઈલેક્ટ્રોનિક ડિવાઈસ પણ જપ્ત કરી લેવાયા હતા. આ વૉરન્ટ, પૂછપરછ અને અદાણી ગ્રૂપ સામે અમેરિકામાં થઈ રહેલી કાર્યવાહી ઈરાદાપૂર્વક છુપાવવામાં આવી હતી, જેને લીધે આ સમગ્ર કેસમાં પ્રતિવાદીઓના ઈરાદા શંકાસ્પદ જણાય છે.