અદાણીના પાવર પ્રોજેક્ટમાં અંબાણીની રિલાયન્સ 26 ટકા હિસ્સો લેશે
- બે દિગ્ગજોએ બિઝનેસ માટે હાથ મિલાવ્યા
- અંબાણી પોતાની કંપનીઓ માટે 20 વર્ષ સુધી અદાણી પાસેથી દર વર્ષે 500 મેગાવોટ વીજળીની ખરીદી કરશે
નવી દિલ્હી : સામાન્ય રીતે અંબાણી વિ. અદાણી જેવું ચિત્ર રજૂ કરવામાં આવે છે. પણ વાસ્તવિકતા જુદી જ છે. અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ગૌતમ અદાણીની મધ્યપ્રદેશની વીજ યોજનામાં ૨૬ ટકા હિસ્સો ખરીદ્યો છે અને કેપ્ટિવ યુઝ માટે ૫૦૦ મેગાવોટ વીજળી મેળવવાના કરાર કર્યા છે. રિલાયન્સે અદાણી પાવરની પેટા કંપની મહાન એનર્જેન લિ.માં પાંચ કરોડ ઇક્વિટી શેર ખરીદશે.
રિલાયન્સ મહાન એનર્જેન લિમિટેડના પાંચ કરોડ શેર પ્રતિ શેર ૧૦ રુપિયાના ભાવે ખરીદશે. તે આ પ્લાન્ટમાંથી ઉત્પાદિત થનારી વીજળીનો ઉપયોગ પોતાના માટે કરશે, એમ બંને કંપનીઓએ અલગ-અલગ સ્ટોક એક્સ્ચેન્જ ફાઇલિંગ્સમાં જણાવ્યું હતું. મીડિયા બંને ઉદ્યોગપતિને ભલે સામસામે માનતું હોય પરંતુ હજી સુધી બંને ક્યારેય સામસામે આવ્યા નથી.
ગુજરાતના બંને ઉદ્યોગપતિના કાર્યક્ષેત્ર અલગ-અલગ છે. અંબાણીનો હિતો ઓઇલ-ગેસ, રિટેલ, ટેલિકોમ સુધી ફેલાયેલા છે. તેની સામે અદાણીનું ફોકસ ઇન્ફ્રાસ્ટ્ર્કચર પર છે. તેમા સી પોર્ટથી લઈને એરપોર્ટ, કોલસો અને માઇનિંગનો સમાવેશ થાય છે. બંનેએ એકબીજાની સામે ટકરાયા નથી. ફક્ત સ્વચ્છ ઊર્જા ક્ષેત્ર જ અપવાદ છે. બંનેએ તેમા અબજો ડોલરનું રોકાણ કર્યું છે.
અદાણી ૨૦૩૦ સુધીમાં વિશ્વના સૌથી મોટા સ્વચ્છ ઉર્જા ઉત્પાદક બનવાની નેમ ધરાવે છે. જ્યારે રિલાયન્સ ગુજરાતમાં જામનગર ખાતે ચાર ગીગાફેક્ટરીનું નિર્માણ કરી રહ્યું છે. તેમા એક સોલર પેનલ, બીજી બેટરીઝ, ત્રીજી ગ્રીન હાઇડ્રોજન અને ચોથી ફ્યુઅલ સેલ માટે છે. અદાણી ત્રણ ગીગાફેક્ટરી બનાવી રહી છે. એક સોલર મોડયુલ્સ, બીજી વિન્ડ ટર્બાઇન્સ અને ત્રીજી હાઇડ્રોજન ઇલેક્ટ્રોલિસર્સ માટે બનાવી રહી છે.
આ ઉપરાંત લોકોની અપેક્ષાથી વિપરીત ૨૦૨૨માં અંબાણીએ એનડીટીવીમાં તેનો હિસ્સો અદાણીને વેચ્યો હતો. તેના પગલે અદાણી માટે એનડીટીવીનું ટેકઓવર શક્ય બન્યું હતું. આ ઉપરાંત અંબાણીના નાના પુત્ર અનંતના આ મહિને જામનગર ખાતેના પ્રી-વેડિંગ સમારંભમાં પણ અદાણી હાજર રહ્યા હતા. મહાન સાથે અંબાણીનો ૫૦૦ મેગાવોટની વીજ ખરીદીનો કરાર ૨૦ વર્ષનો છે. મહાનનો પ્લાન્ટ પૂર્ણ ક્ષમતાએ કાર્યાન્વિત થશે ત્યારે તેની કુલ ઉત્પાદન ક્ષમતા ૨,૮૦૦ મેગાવોટ હશે.