અજબગજબ: એમ્બ્યુલન્સ સ્પીડ બ્રેકર પર ઉછળતાં મૃત જાહેર થયેલા વૃદ્ધ જીવતા થયા
- કોલ્હાપુરમાં 'મૃતદેહ' લઈ જવાતી વખતે ગજબની ઘટના
- બીજી હોસ્પિટલમાં દાખલ કરાયા, એન્જિયોપ્લાસ્ટી બાદ 15 દિવસે હેમખેમ પાછા ફરતાં પરિવારમાં આનંદ
Kolhapur News | કોલ્હાપુર જિલ્લામાં વયોવૃદ્ધ હોસ્પિટલમાં મૃત્યુ પામેલા જાહેર કરાયા બાદ ઘરે 'મૃતદેહ' લઈ જતી વખતે એક સ્પીડ બ્રેકર પર એમ્બ્યુલન્સ ઉછળી હતી અને તે સાથે જ આ વૃદ્ધના શરીરમાં ફરી પ્રાણનો સંચાર થયો હતો. મૃત વ્યક્તિને એક સ્પીડ બ્રેકરને કારણે જાણે નવજીવન મળ્યું હતું. દેખીતી રીતે જ હોસ્પિટલના તબીબોએ વૃદ્ધને મૃત્યુ પામેલા જાહેર કરવામાં દાખવેલી ઉતાવળના કારણે સર્જાયેલો મનાતો આ કિસ્સો લોકચર્ચાનો વિષય બની ગયો છે.
કોલ્હાપુર જિલ્લાના કસ્બા બાવડા ગામના 65 વર્ષના પાંડુરંગ ઉલ્પે નામના વારકરી સંપ્રદાયના વૃદ્ધજનને ગઈ 16મી ડિસેમ્બરે હાર્ટઅટેક આવતા પરિવારજનો ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. હોસ્પિટલમાં ડોક્ટરોએ તેમને તપાસીને મૃત ઘોષિત કર્યા હતા. આથી હોસ્પિટલમાંથી તેમના મૃતદેહને એમ્બ્યુલન્સમાં ઘરે લઈ જવાની તૈયારી કરવામાં આવી હતી.
મૃતકના ઘરે અંતિમવિધિની તૈયારી શરૂ થઈ ગઈ હતી. અને પરિવારજનો રોકકળ કરવા માંડયા હતા. જોકે, થોડા સમયમાં જ પરિસ્થિતિઅ અકલ્પનીય વળાંક લીધો હતો.
મૃતકના પત્નીએ જણાવ્યું હતું કે મૃતદેહને અમે હોસ્પિટલથી ઘર તરફ લઈ જતા હતા ત્યારે સ્પીડ બ્રેકર આવતા એમ્બ્યુલન્સ ઉછળી હતી. ઉછાળાની સાથે જ મારા પતિના જીવમાં જીવ આવ્યો હતો અને આંગળીઓનું હલનચલન કરવા માંડયા હતા. તરત જ એમ્બ્યુલન્સ બીજી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી અને તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી હતી.
બીજી હોસ્પિટલમાં આ સિનિયર સિટીઝનને 15 દિવસ રાખવામાં આવ્યા એ દરમિયાન હાર્ટની એન્જિયોપ્લાસ્ટી પણ કરવામાં આવી હતી. પખવાડિયાની સારવાર બાદ સાજાનરવા થઈ વિઠોબાના ભક્ત પાંડુરંગ ઉલ્પે ઘરે પાછા ફર્યા ત્યારે ઘરમાં આનંદનું વાતાવરણ છવાઈ ગયું હતું. 16મી ડિસેમ્બરની ઘટના યાદ કરતા પાંડુરંગ ઉલ્પેએ કહ્યું હતું કે હું સવારે હમેશ મુજબ ફરીને ઘરે આવ્યો હતો અને નિરાંતે બેસીને ચાની ચુસ્કી લેતો હતો. અચાનક મને ચક્કર આવવા માંડયા હતા અને શ્વાસ લેવામાં ખૂબ તકલીફ થવા માંડી હતી. હું બાથરૂમમાં દોડયો હતો અને ત્યાં ઉલ્ટી કરી હતી. બસ પછી બેહોશ થઈ ગયો હતો અને કોણ મને હોસ્પિટલમાં લઈ ગયું એ પણ યાદ નથી.
કસ્બા-બાવડા ગામડામાં તો વયોવૃદ્ધ વારકરી કેવી રીતે સજીવન થઈ ગયા તેની જ ચર્ચા થઈ રહી છે. જોકે જે ખાનગી હોસ્પિટલે પાંડુરંગ બાપાને મૃત ઘોષિત કર્યા હતા એ હોસ્પિટલ તરફથી આ બાબત કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી.