અમરનાથ યાત્રા: 14 દિવસમાં 2.80 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા બાબા બર્ફાનીના દર્શન
Amarnath Yatra: શ્રી અમરનાથ યાત્રા માટે દેશભરમાંથી આવતા શ્રદ્ધાળુઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. છેલ્લા 14 દિવસમાં 2.80 લાખથી વધુ ભક્તોએ બાબા બર્ફાનીના દર્શન કર્યા છે. જેમાં શનિવારે 4669 શ્રદ્ધાળુઓની બીજી ટુકડી બેઝ કેમ્પથી દર્શન માટે જવા રવાના થઇ હતી.
જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાની આગેવાની હેઠળના શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડ (SASB)ના અધિકારીઓએ જણાવ્યું હતું કે 29 જૂનથી અમરનાથ યાત્રા શરૂ થઈ છે. ત્યારથી અત્યાર સુધીમાં 2.80 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ બાબા બર્ફાનીના દર્શન કર્યા છે.
2.80 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ યાત્રા કરી
યાત્રા વિષે જાણકારી આપતા અધિકારીએ કહ્યું હતું કે, '4669 શ્રદ્ધાળુઓમાંથી 1630 શ્રદ્ધાળુઓ 74 વાહનોના એસ્કોર્ટેડ કાફલામાં કાશ્મીરના બાલટાલ બેઝ કેમ્પથી સવારે 3:05 વાગ્યે રવાના થયા છે. જયારે 3039 મુસાફરોનો બીજો કાફલો 109 વાહનોના એસ્કોર્ટેડ કાફલામાં સવારે 3:05 વાગ્યે દક્ષિણ કાશ્મીરના નુનવાન (પહલગામ) બેઝ કેમ્પથી ગુફા મંદિર જવા રવાના થયો છે.
ગુફા મંદિર પહોંચવા માટે બે રૂટ છે
અમરનાથ ગુફા કાશ્મીર હિમાલયમાં દરિયાઈ સપાટીથી 3888 મીટરની ઉંચાઈ પર આવેલી છે. ભક્તો પરંપરાગત દક્ષિણ કાશ્મીર પહેલગામ માર્ગ અથવા ઉત્તર કાશ્મીર બાલટાલ માર્ગ દ્વારા ગુફા મંદિર સુધી પહોંચે છે.
જો પરંપરાગત પહેલગામનો રૂટ લેવામાં આવે તો 48 કિમી જેટલું અંતર કાપવાનું રહે છે. જેથી ગુફા મંદિર સુધી પહોંચવામાં ચારથી પાંચ દિવસ લાગે છે. જયારે બાલટાલ રૂટ દ્વારા મુસાફરી કરવામાં આવે તો 14 કિમી જેટલું અંતર કાપવાનું રહે છે. બાલટાલ માર્ગનો ઉપયોગ કરનારાઓ ગુફા મંદિરના દર્શન કર્યા પછી તે જ દિવસે બેઝ કેમ્પમાં પાછા ફરી શકે છે.