બમ-બમ ભોલેના નાદ સાથે અમરનાથ યાત્રા શરુ, બાબા બર્ફાનીના દર્શન કરવા પહેલો જથ્થો રવાના
Amarnath Yatra: દેશભરના લાખો શ્રદ્ધાળુઓ (Devotees)નો આતુરતાનો અંત આવ્યો છે. શનિવારે (29 જૂન) બમ બમ ભોલેના નાદ સાથે અમરનાથ યાત્રાની શરુઆત થઈ ગઈ છે. જેમાં પહેલગામ અને બાલતાલ રૂટથી કડક સુરક્ષા વચ્ચે પવિત્ર બાબા બર્ફાનીના દર્શન કરવા માટે પહેલો જથ્થો રવાના થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે આ યાત્રા 52 દિવસ ચાલશે અને 19મી ઓગસ્ટે શ્રાવણ પૂર્ણિમાના દિવસે પૂર્ણ થશે.
યાત્રીના રૂટ પર સુરક્ષા જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા
યાત્રા જે પણ વિસ્તારમાંથી પસાર થવાની છે ત્યાં સુરક્ષા જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે. યત્રા શરુ થાય તે પહેલા જ જવાનો દ્વારા મોક ડ્રિલ પણ કરવામાં આવી હતી. ગયા વર્ષે 4.5 લાખ યાત્રાળુઓએ અમરનાથ યાત્રામાં ભાગ લીધો હતો. ત્યારે આ વર્ષે સંખ્યા વધવાની શક્યતાઓ છે.
બાબા બર્ફાની દર્શન માટે પ્રથમ જથ્થો રવાના
જમ્મુ કાશ્મીરના બે સૌથી સીનિયર આઇએએસ અધિકારીને સુરક્ષા વ્યવસ્થા માટે નોડલ ઓફિસર તરીકે નિમવવામાં આવ્યા છે. જેમાં શાહિદ દ ઇકબાલ ચૌધરી બટલાલ રૂટ પર અને ભુપેન્દ્ર કુમાર પહલગામના રૂટ પર તૈનાત કરાયા છે. જમ્મુથી પ્રથમ જથ્થાને શુક્રવારે (28 જૂન) રવાના કરવામાં આવ્યો હતો. જેમણે આજે બાલતાલ અને પહલગામથી પોતાની યાત્રા શરૂ કરી છે.
દરેક યાત્રાળુ માટે RFID કાર્ડ ફરજિયાત
આ વખતે સુરક્ષાને ધ્યાનમાં રાખીને, દરેક યાત્રીળુ માટે રેડિયો ફ્રીક્વન્સી આઈડેન્ટિફિકેશન (RFID) કાર્ડ ફરજિયાત છે. આ કાર્ડ વગર કોઈપણ શ્રદ્ધાળુઓને આગળ વધવાની મંજૂરી નથી. પવિત્ર ગુફાનું અંતર દક્ષિણ કાશ્મીરના પહેલગામના નુનવાન રૂટથી 32 કિલોમીટર છે અને આ અંતર મધ્ય કાશ્મીરના ગાંદરબલના બાલટાલ રૂટથી 14 કિલોમીટર છે.બાલતાલ રૂટ પરથી જતા યાત્રીઓ એક જ દિવસમાં દર્શન કરીને પરત ફરે છે અને મોટાભાગના ભક્તો આ રૂટને પસંદ કરે છે. બાલતાલ અને પહેલગામ નુનવાન બેઝ કેમ્પ પહોંચતા જ યાત્રાના રૂટ પર શ્રદ્ધાળુઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. બાલતાલ અને નુનવાન બેઝ કેમ્પમાં પણ ભક્તોએ ભજન અને કીર્તન ગાઈને સમગ્ર વાતાવરણને શિવમય બનાવી દીધું હતું.
ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ઉચ્ચસ્તરીય બેઠક યોજવામાં આવી હતી
બીએસએફના ડીજી નિતિન અગ્રવાલે પણ સુરક્ષાનો મોરચો સંભાળ્યો હતો. અગ્રવાલ જમ્મુમાં સુરક્ષા વ્યવસ્થાની તપાસ માટે બે દિવસની મુલાકાતે છે. આ પહેલા દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહ દ્વારા અમરનાથ યાત્રા તેમજ આતંકી હુમલાને ધ્યાનમાં રાખીને ઉચ્ચસ્તરીય બેઠક યોજવામાં આવી હતી. જે દરમિયાન સુરક્ષાને લઈને ચર્ચા થઈ હતી. જે જમ્મુથી અમરનાથ યાત્રા શરૂ થાય છે ત્યાં આ મહિને જ મોટા આતંકી હુમલાની ઘટના સામે આવી હતી.