અમરનાથ યાત્રામાં પ્રથમવાર જોવા મળશે નવું નજરાણું, ICU બેડ, 5G નેટવર્ક સહિત મળશે આ સુવિધા
અમરનાથ યાત્રા 29 જુલાઈથી શરૂ થશે, જે 50 દિવસ સુધી ચાલશે, અંદાજે 6 લાખ શ્રદ્ધાળુઓ ભાગ લેશે
શ્રાઈન બોર્ડ દ્વારા શ્રદ્ધાળુઓને અગવળ ન પડે અને વધુમાં વધુ સુવિધા મળી રહે તે માટે વિશેષ તૈયારી કરાઈ
Amarnath Yatra 2024 : ભોલે બાબાના ભક્તો અમરનાથ યાત્રાની દર વર્ષે આતુરતાથી રાહ જોતા હોય છે. ત્યારે આ વખતે બાબા અમરનાથના દર્શને જનારા શ્રદ્ધાળુઓ વધુમાં વધુ સુવિધાઓ મળે તે માટે અનેરું આયોજન કરાયું છે. આ વખતે શ્રદ્ધાળુઓને ICU બેડ, 5G નેટવર્કની સુવિધા ઉપરાંત વાહન પહોંચી શકે તે માટે છેક ગુફા સુધી રસ્તો પણ તૈયાર કરી દેવાયો છે. આ વર્ષે અમરનાથ યાત્રા 29 જૂનથી શરૂ થશે, જે 52 દિવસ સુધી ચાલશે. ગત વર્ષે એક જુલાઈથી શરૂ થયેલી યાત્રા 60 દિવસ સુધી ચાલી હતી, તેમાં 4.50 લાખ શ્રદ્ધાળુઓએ લાભ લીધો હતો. આ વખતે શ્રાઈન બોર્ડે શ્રદ્ધાળુઓને અગવળ ન પડે અને વધુમાં વધુ સુવિધા મળી રહે તે માટે વિશેષ તૈયારીઓ શરૂ કરી દીધી છે.
ગુફા વિસ્તારમાં 10 ફૂટ બરફ જામ્યો
મળતા અહેવાલો મુજબ ગુફા વિસ્તારમાં લગભગ 10 ફૂટથી વધુ બરફ જામેલો છે, તેથી બરફને ધ્યાને રાખી રસ્તો તૈયાર કરાયો છે. આ વર્ષે 6 લાખ ભક્તોને ધ્યાને રાખી વિશેષ તૈયારી કરાઈ છે.
માર્ગ પર પ્રથમવાર 5G નેટવર્ક
અમરનાથ યાત્રાના બંને રૂટ પરથી પસાર થનારા શ્રદ્ધાળુઓને પ્રથમવાર 5G નેટવર્કની સુવિધાનો લાભ મળશે. રૂટમાં લગભગ 10 મોબાઈલ નેટવર્ક લગાવાયા છે. આ ઉપરાંત 24 કલાક વીજળી પણ રહેશે.
રસ્તાઓ પહોળા કરાયા
અમરનાથ યાત્રાના રૂટ પર ભક્તો માટે ખાણીપીણી અને આરોગ્યની પણ તકેદારી રાખવામાં આવશે. બરફ પીગળતા રસ્તાઓનું સમારકામ કરાશે. રસ્તા 14 ફૂટ પહોળા કરાયા છે. અગાઉ પહેલગામથી ગુફા સુધીનો 46 કિલોમીટર લાંબો રસ્તો ત્રણથી ચાર ફૂટ પહોળો હતો, જ્યારે બાલતાલનો રસ્તો માત્ર બે ફૂટ પહોળો હતો.
છેક ગુફા સુધી વાહન પહોંચી શકશે
અમરનાથ ગુફાના દર્શન કરવા આવનાર પ્રવાસીઓ માટે બાલતાલ રૂટ પર મોટર વાહનોની સુવિધા ઉપલબ્ધ કરાવાશે. બાલતાલ રૂટના રસ્તા 12 ફૂટ પહોળા કરાયા છે, જેના કારણે વાહનોની સરળતાથી ગુફા સુધી પહોંચી શકશે. ભક્તોના આરોગ્યને ધ્યાને રાખી મેડિકલ વ્યવસ્થા પણ વધારાઈ છે. બાલતાલ અને ચંદનબારીમાં 100-100 ICU બેડ, એક્સ-રે, અલ્ટ્રાસોનોગ્રાફી મશીનો, ક્રિટિકલ કેર એક્સપર્ટ્સ, કાર્ડિયાક મોનિટર, લિક્વિડ ઓક્સિજન પ્લાન્ટ્સથી સજ્જ બે કેમ્પ હોસ્પિટલો માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે. આ ઉપરાંત શ્વાસ લેવામાં કોઈ તકલીફ ન પડે તે માટે યાત્રાના રૂટ પર 100 કાયમી ઓક્સિજન બુથ અને મોબાઈલ ઓક્સિજન બુથની વ્યવસ્થા કરાશે.