ત્રણ રાજધાનીની કોઈ રમત નહીં રમીએ, અમરાવતી જ બનશે આંધ્ર પ્રદેશની રાજધાની: નાયડુ
:
Amaravati will be Andhra capital: તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના સુપ્રીમો એન ચંદ્રબાબુ નાયડુએ મંગળવારે 11 જૂન, 2024 જાહેરાત કરી કે અમરાવતી આંધ્ર પ્રદેશની રાજધાની હશે. રાજ્યના મુખ્યપ્રધાન તરીકેના શપથ ગ્રહણના એક દિવસ પહેલા જ તેમણે જાહેરાત કરી હતી કે અમરાવતી રાજ્યની એકમાત્ર રાજધાની હશે.
ચંદ્રબાબુ નાયડુએ ટીડીપી, ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને જનસેનાના ધારાસભ્યોની સંયુક્ત બેઠકને સંબોધિત કરતી વખતે આ જાહેરાત કરી હતી. આ બેઠકમાં તેમને સર્વસંમતિથી આંધ્રપ્રદેશ વિધાનસભામાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.
ચંદ્રાબાબુ નાયડુએ કહ્યું, 'અમારી સરકારમાં ત્રણ રાજધાનીઓની આડમાં કોઈ રમત નહીં ચાલે. આપણી રાજધાની અમરાવતી છે. વર્ષ 2014-2019 દરમિયાન વિભાજિત આંધ્રપ્રદેશના પ્રથમ મુખ્યમંત્રી તરીકે તેમણે અમરાવતીને રાજધાની બનાવવાનો વિચાર આગળ મુક્યો હતો. જોકે તેમના વિચારને 2019માં આંચકો લાગ્યો જ્યારે TDP સત્તામાંથી બહાર થઈ ગઈ અને YS જગન મોહન રેડ્ડીની આગેવાની હેઠળની YSRCPએ રાજ્યમાં જંગી જીત મેળવી હતી.
જગન મોહન રેડ્ડીએ અમરાવતીને રાજધાની બનાવવાની યોજનાને નિષ્ફળ બનાવી અને ત્રણ રાજધાનીઓનો નવો સિદ્ધાંત રજૂ કર્યો હતો પરંતુ હવે નાયડુએ આ સિદ્ધાંતની જગ્યાએ એક જ રાજધાનીના નિર્ણયને પ્રાધાન્ય આપ્યું છે. રાજ્યમાં તાજેતરમાં યોજાયેલી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં ટીડીપી, ભાજપ અને જનસેનાના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સે જંગી બહુમતીથી જીત મેળવી છે. એનડીએને વિધાનસભામાં 164 અને લોકસભામાં 21 બેઠકો મળી છે. આ જીતે અમરાવતી કેપિટલ સિટી પ્રોજેક્ટને નવું જીવન આપ્યું છે.
ટીડીપી લોકસભા ચૂંટણીમાં 16 બેઠકો જીતીને NDA ગઠબંધનમાં બીજી સૌથી મોટી પાર્ટી બની ગઈ છે. મોદી 3.0 કેબિનેટમાં ટીડીપીને એક કેન્દ્રીય મંત્રી અને એક રાજ્ય મંત્રીની જવાબદારી મળી છે. તેમના ફાળે નાગરિક ઉડ્ડયન મંત્રાલય આવ્યું છે અને સાંસદ રામ મોહન નાયડુ આ પદભાર સંભાળશે.