'વિદેશમાં છું, મતદાન નથી કર્યું એ વાત ખોટી', ભાજપની નોટિસ પર પાર્ટીના દિગ્ગજ નેતાએ આપ્યો જવાબ

Updated: May 23rd, 2024


Google NewsGoogle News
'વિદેશમાં છું, મતદાન નથી કર્યું એ વાત ખોટી', ભાજપની નોટિસ પર પાર્ટીના દિગ્ગજ નેતાએ આપ્યો જવાબ 1 - image


Image: Facebook

Jayant Sinha: ઝારખંડના હજારીબાગ બેઠકથી સાંસદ જયંત સિન્હાને ભાજપે કારણ બતાઓ નોટિસ જારી કરી હતી. પાર્ટી તરફથી જારી નોટિસમાં કહેવામાં આવ્યું હતું કે હજારીબાગ બેઠકથી મનીષ જયસ્વાલને ઉમેદવાર જાહેર કર્યા બાદથી તમે ચૂંટણી પ્રચાર કરી રહ્યાં નથી અને સંગઠનના કાર્યમાં રસ લઈ રહ્યા નથી. તમે પોતાના મતાધિકારનો પણ ઉપયોગ કર્યો નથી. ભાજપે જયંતને બે દિવસની અંદર આ નોટિસનો જવાબ આપવા માટે કહ્યું હતું. પૂર્વ કેન્દ્રીય મંત્રી જયંત સિન્હાએ આ નોટિસનો જવાબ આપ્યો છે.

ઝારખંડ ભાજપના મહામંત્રી અને રાજ્યસભા સાંસદ આદિત્ય સાહુને સંબોધિત બે પાનાના પોતાના જવાબમાં જયંત સિન્હાએ નોટિસ મળવા પર વાંધો વ્યક્ત કર્યો છે. તેમણે 2 માર્ચે જેપી નડ્ડાની સાથે થયેલી વાતચીતનો ઉલ્લેખ કરતા કહ્યું છે કે લોકસભા ચૂંટણી પહેલા જ સક્રિય ચૂંટણી જવાબદારીથી દૂર રહેવાનો નિર્ણય લીધો હતો જેનાથી ક્લાઈમેટ ચેન્જ સાથે જોડાયેલા મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરી શકુ. જયંતે એ પણ કહ્યું છે કે પોતાના આ નિર્ણયની સાર્વજનિક જાહેરાત એક ટ્વીટના માધ્યમથી કરી પણ દીધી હતી.

રાજકીય મર્યાદા જાળવી રાખી

જયંતે જેપી નડ્ડા સાથે વાતચીત બાદ કરવામાં આવેલી ટ્વીટનો ઉલ્લેખ કરતા કહ્યું કે આ જાહેરાત બાદ ઘણા લોકો મને મળવા દિલ્હી આવ્યા અને આગ્રહ કર્યો કે પોતાના નિર્ણય પર વિચાર કરીને તેને પાછો લઈ લઉં. તેમણે કહ્યું કે આ એક અઘરો સમય હતો જેમાં જનભાવનાઓ ટોચ પર હતી પરંતુ રાજકીય મર્યાદા અને સંગઠન જાળવી રાખ્યું. જયંતે મનીષ જયસ્વાલને હજારીબાગથી ઉમેદવાર જાહેર કર્યાં બાદ 8 માર્ચે તેમને શુભકામનાઓ આપવાનો ઉલ્લેખ કરતા કહ્યું કે આ પાર્ટીના નિર્ણય પ્રત્યે મારા સમર્થનની નિશાની છે.

તેમણે કારણ બતાઓ નોટિસના જવાબમાં આગળ કહ્યું છે કે જો પાર્ટી ઈચ્છતી હતી કે ચૂંટણી પ્રવૃતિઓમાં હુ ભાગ લઉં તો તમે મારો સંપર્ક કરી શકતા હતા. 2 માર્ચ 2024એ મારી જાહેરાત બાદ ઝારખંડના કોઈ પણ વરિષ્ઠ પાર્ટી પદાધિકારી કે સાંસદ કે ધારાસભ્યએ મારો સંપર્ક કર્યો નથી. જયંતે એ પણ કહ્યું કે પાર્ટીના કોઈ પણ કાર્યક્રમ, રેલી કે સંગઠનની બેઠક માટે આમંત્રણ આપવામાં આવ્યું નથી. તેમણે કહ્યું કે જો બાબુલાલ મરાંડી મને કાર્યક્રમોમાં સામેલ કરવા ઈચ્છતા હતા તો તેઓ આમંત્રિત કરી શકતા હતા પરંતુ તેમણે આવું કર્યું નહીં.

પોસ્ટલ બેલેટથી વોટ આપ્યો

જયંતે પોતાના જવાબમાં આગળ લખ્યું કે મનીષ જયસ્વાલે 29 એપ્રિલની સાંજે પોતાના નોમિનેશનમાં સામેલ થવા માટે આમંત્રિત કર્યા. ત્યારે દિલ્હીમાં હતા. મોડી માહિતી મળવાના કારણે મારા માટે 1 મે ની સવાર સુધી હજારીબાગ પહોંચવુ શક્ય નહોતુ. તેમણે એ પણ જણાવ્યું છે કે 2 મે એ હજારીબાગ પહોંચીને સીધા મનીષ જયસ્વાલને મળવા તેમના આવાસ પહોંચ્યા. તેઓ ત્યાં નહોતા. તેથી પોતાનો સંદેશ અને શુભકામનાઓ તેમના પરિવારને આપી અને તે બાદ મનીષ સાથે મારો કોઈ સંપર્ક થયો નહીં. 3 મે એ હજારીબાગથી દિલ્હી પાછો ફર્યો.

તેમણે એ પણ કહ્યું કે લોકસભા સ્પીકરને જાણકારી આપીને વ્યક્તિગત પ્રતિબદ્ધતાઓ માટે 10 મે એ વિદેશ ગયો. પાર્ટી મને કોઈ પણ કાર્યક્રમમાં બોલાવી રહી નહોતી તેથી મને ત્યાં રોકાવાની કોઈ ખાસ જરૂર લાગી નહીં. વોટ ન આપવાના આરોપ પર જયંતે કહ્યું છે કે વિદેશ ગયા પહેલા પોસ્ટલ બેલેટથી વોટ આપ્યો હતો તેથી એ આરોપ લગાવવો ખોટો છે કે મતાધિકારનો ઉપયોગ કર્યો નથી. તેમણે પાર્ટીની સાથે 25 વર્ષની સફર, તેમની સિદ્ધિઓનો ઉલ્લેખ કરતા કહ્યું છે કે દરેક જવાબદારીને પૂર્ણ નિષ્ઠા સાથે નિભાવી છે. આ સૌ ને જોતા તમારો આ પત્ર જાહેર કરવો અયોગ્ય છે.

જયંતે આને સમર્પિત કાર્યકર્તાઓને નિરાશ અને પાર્ટીના સામૂહિક પ્રયત્નોને કમજોર કરનાર ગણાવ્યું છે. તેમણે એ પણ કહ્યું છે કે પાર્ટી પ્રત્યે નિષ્ઠા અને અઘરા પરિશ્રમ છતાં અન્યાયપૂર્ણ રીતે નિશાન બનાવવામાં આવી રહ્યા છે. ચૂંટણી દરમિયાન પાર્ટી પદાધિકારી હોવાના સંબંધે તમે મારો ગમે ત્યારે સંપર્ક કરી શકતા હતા પરંતુ ચૂંટણી પૂર્ણ થઈ ગયા બાદ તમારો આ રીતે પત્ર મોકલવો મારા માટે સમજથી પર છે.


Google NewsGoogle News