નાસભાગમાં જીવ બચાવવા માટે શું કરવું? ભીડભાડમાં જાઓ ત્યારે હંમેશા યાદ રાખો આ ટિપ્સ
What To Do To Save Lives In Crowd : નવી દિલ્હી રેલવે સ્ટેશન પર શનિવારે રાત્રે 10 વાગ્યાની આસપાસ થયેલી નાસભાગમાં નવ મહિલા, ચાર પુરૂષ અને પાંચ બાળકો સહિત 18 લોકોના મોત અને અનેક લોકો ઘાયલ થયા હતા, ત્યારે કોઈપણ ભીડભાડમાં નાસભાગની સ્થિતિમાં કઈ રીતે જીવ બચાવી શકાય તેને લઈને મહત્ત્વપૂર્ણ જાણકારી મેળવીએ.
ભારે ભીડ અને નાસભાગ પરિસ્થિતિ
જ્યારે નાના વિસ્તારમાં ઘણા બધા લોકો ભેગા થાય છે, ત્યારે નાસભાગની સ્થિતિ સર્જાય છે. આવી સ્થિતિમાં કોઈ વ્યક્તિને છાતી પર દબાણ આવે અને શ્વાસ લેવામાં તકલીફ પડે તો જીવ પણ જઈ શકે છે. આ ઉપરાંત ખુલ્લા વિસ્તારોમાં પણ આવશ્યકથી વધુ લોકો રહેશે તો પણ જાનહાનિ થવાની શક્યતા રહેલી છે. જેના કારણે વ્યક્તિ બેભાન પણ થઈ શકે છે. ભીડભાડને કારણે નાસભાગ અને કચડાઈ જવાથી પણ મૃત્યુ થવાની શક્યતા રહે છે. જેમાં ગભરાટ અને ભાગવાના પ્રયાસોને કારણે જોખમ નોંધપાત્ર રીતે વધે છે. જ્યારે શરીરના ઉપરના ભાગ પર દબાણ આવે છે, ત્યારે શ્વાસ લેવામાં તકલીફ પેદા થાય છે. આના કારણે બ્લડ સર્ક્યુલેશનમાં સમસ્યા થાય છે અને વ્યક્તિ બેભાન પણ થઈ જાય છે. આવી સ્થિતિમાં 3-5 મિનિટથી વધુ સમય માટે ઓક્સિજનનો અભાવ જીવલેણ બની શકે છે. આનાથી કાર્ડિયાક અરેસ્ટ થઈ શકે છે.
ભીડભાડ વાળી જગ્યાએ સૌથી પહેલા શું કરવું?
- જેટલું શક્ય હોય તેટલી વહેલી તકે તે વિસ્તારમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરો. અચકાશો નહીં, સજાગ અને શાંત રહો અને હંમેશા ભાગવાનો રસ્તો શોધો.
- સૌથી પહેલા ભીડભાડ વાળી જગ્યાનું અનુમાન પહેલાથી જ લગાવો અને ઓછી ભીડભાડની જગ્યાએ જવાની કોશિશ કરો.
- જો ભીડમાંથી બહાર નીકળવું મુશ્કેલ હોય તો સંતુલન રાખવું અને નીચે પડવાથી બચવા માટે કોઈ સ્થિર મુદ્ર જાળવવાનો પ્રયાસ કરો.
- જ્યારે દબાણ વધારે હોય ત્યારે છાતી અને ચહેરાને સુરક્ષિત રાખવા માટે બંને હાથ ઊંચા કરો અને શ્વાસ લેવાની જગ્યા જાળવવા માટે 2-3 સે.મી.નું અંતર રાખો.
- શાંત રહેવુ અને શ્વાસ પર નિયંત્રણ રાખવું.
- જ્યારે ભીડમાં હોવ ત્યારે ઉતાવળ કર્યા વિના કે ધક્કો માર્યા વિના તેની સાથે ચાલો કારણ કે આનાથી તમે સંતુલન ગુમાવી શકો છો.
- કચડાઈ જવાથી બચવા માટે દિવાલો અથવા કઠણ વસ્તુઓ પર તમે ચઢી ન શકો તો તેનાથી દૂર રહેવું.
- સંતુલન ગુમાવવાથી અને પડી જવાથી સાવધાન રહેવું. લપસણી સપાટીઓ, ઢોળાવની જગ્યા, જમીન પર કાટમાળ અને ઠોકર ખાવાના જોખમો સામે સતર્ક રહેવું.
- જો તમે પડી જાય છો તો જલ્દીથી ઊભા થવાની કોશિશ કરો અથવા તાત્કાલિક કોઈની મદદ માગો.
નવી દિલ્હી રેલવે સ્ટેશન પર નાસભાગમાં 18 લોકોના મોત
નવી દિલ્હી રેલવે સ્ટેશન પર શનિવારે રાત્રે 10 વાગ્યાની આસપાસ થયેલી નાસભાગમાં 18 લોકોના મોત અને અનેક લોકો ઘાયલ થયા હતા. મૃતકોમાં નવ મહિલા, ચાર પુરૂષ અને પાંચ બાળકો સમાવિષ્ટ છે. જેમાં સૌથી વધુ નવ બિહારના, આઠ દિલ્હીના અને એક હરિયાણાના છે. આ ઘટના પ્લેટફોર્મ 13 અને 14 પર બની હતી. તે સમયે હજારો શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે સ્ટેશન પર એકઠા થઈ રહ્યા હતા અને ટ્રેનમાં ચઢવા ધક્કા-મુક્કી કરી રહ્યા હતાં.