રાવણના પૂતળાની સાથે જાતિવાદના દુષણનું પણ દહન જરૂરી : પીએમ મોદી

Updated: Oct 25th, 2023


Google NewsGoogle News
રાવણના પૂતળાની સાથે જાતિવાદના દુષણનું પણ દહન જરૂરી : પીએમ મોદી 1 - image


- જાતિ આધારિત વસતી ગણતરીની માગ કરતા વિપક્ષ પર  મોદીના ચાબખા

- ભગવાન રામલલાની આગામી રામનવમી અયોધ્યામાં નિર્માણ થઈ રહેલા ભવ્યાતિભવ્ય રામ મંદિરમાં ઊજવાશે : વડાપ્રધાન

નવી દિલ્હી : દેશભરમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક વિજયાદશમીની ઊજવણી થઈ રહી છે. દિલ્હીના દ્વારકામાં દશેરા કાર્યક્રમમાં ભાગ લેતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર સમાજનું વિભાજન કરવાનો આક્ષેપ કરતાં કહ્યું કે, આજના સમયમાં રાવણના પૂતળાની સાથે જાતિવાદના દુષણનું પણ દહન થવું જરૂરી છે. ભારતે પહેલાં કરતાં અત્યારે વધુ સાવધ રહેવાની જરૂર છે. 

દિલ્હીની દ્વારકાના રામલીલા મેદાનમાં વિજયાદશમીના કાર્યક્રમમાં પીએમ મોદીએ પહેલાં રામ-સીતા-લક્ષ્મણની પૂજા અને આરતી કર્યા. ત્યાર પછી દેશવાસીઓને સંબોધન કર્યું. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આપણે એ ધ્યાન રાખવાનું છે કે રાવણનું આ દહન માત્ર પૂતળાનું દહન ના બની રહે. આ પૂતળા સાથે સમાજનું વિભાજન કરતી દરેક વિકૃતિઓનું પણ દહન થાય તે આપણે જોવું જોઈએ. જાતિવાદ અને પ્રદેશવાદના નામે મા ભારતીને વિભાજિત કરવાનો પ્રયત્ન કરનારા, વિકાસની જગ્યાએ અંગત સ્વાર્થને પ્રોત્સાહન આપનારા વિચારોનું દહન થાય તે જરૂરી છે. 

પીએમ મોદીએ આ નિવેદન એવા સમયે આપ્યું છે જ્યારે કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષે દેશભરમાં જાતિ આધારિત વસતી ગણતરી અને જેની જેટલી વસતી તેનો તેટલો અધિકાર તેવી માગ કરી છે. વિપક્ષની આ માગ પર અગાઉ પણ વળતો હુમલો કરતાં પીએમ મોદીએ કહ્યું હતું કે, આ પ્રકારની વિચારસરણી સમાજને વિભાજિત કરવાનો પ્રયત્ન છે.

વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, આપણે ભાગ્યશાળી છીએ કે આપણે ભગવાન રામનું ભવ્યતમ મંદિર બનતું જોઈ રહ્યા છીએ. રામ મંદિરનું નિર્માણ આપણો વિજય છે. આપણે ભગવાન રામની મર્યાદા અને સરહદોનું રક્ષણ કરવાનું જાણીએ છીએ.  અયોધ્યાની આગામી રામનવમીએ રામલલાના મંદિરમાં ગૂંજતો દરેક સ્વર, આખા વિશ્વને હર્ષિત કરશે. તેમણે ઉમેર્યું કે વિજયાદશમીનો પર્વ માત્ર રાવણ પર રામના વિજયનો પર્વ નથી, પરંતુ રાષ્ટ્રની દરેક બુરાઈ પર રાષ્ટ્રભક્તિના વિજયનો પર્વ બનવો જોઈએ. આપણા માટે આ પર્વ અહંકાર પર વિજય મેળવવાનો પર્વ છે.  

તેમણે જણાવ્યું કે, ભારત આજે દુનિયાનો સૌથી મોટો લોકતાંત્રિક અને સૌથી વિશ્વસનીય લોકતંત્ર ધરાવતો દેશ છે. ભારતના ભાગ્યનો ઉદય થવા જઈ રહ્યો છે. આપણે ચંદ્ર પર પહોંચી ગયા છીએ. આપણે દુનિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનવાના છીએ. નવું સંસદ ભવન બની ગયું છે. મહિલા અનામત બિલ પસાર થઈ ગયું છે. આ સમયે આખી દુનિયા લોકતંત્રની જનને જોઈ રહી છે. એવા સમયે ભારતે વધુ સાવધ રહેવાની જરૂર છે. આ સાથે તેમણે લોકોને ૧૦ પ્રતિજ્ઞા લેવાની વિનંતી કરી.

પીએ મોદીએ લેવડાવેલી ૧૦ પ્રતિજ્ઞામાં પાણી બચાવો, ડિજિટલ લેવડ-દેવડને પ્રોત્સાહન આપો, ગામ-કસ્બામાં સ્વચ્છતા વધારો, વોકલ ફોર લોકલ, ભારતમાં બનેલા ઉત્પાદનોનો ઉપયોગ કરવો, આ ગુણવત્તાપૂર્ણ કાર્ય, ગુણવત્તાપૂર્ણ ઉત્પાદનનો સમય છે, આપણે પહેલાં આખા દેશમાં ફરીશું ત્યાર પછી દુનિયામાં જઈશું, ખેડૂતોને જૈવિક ખેતી માટે જાગૃત કરવા, સુપર ફૂડ - બાજરાને આપણા દૈનિક જીવનનો ભાગ બનાવવો, યોગ, રમતો, ફિટનેસને પ્રાથમિક્તા આપવી, આપણે ઓછામાં ઓછા એક ગરીબ પરિવારનું સમર્થન કરીએનો સમાવેશ થાય છે.


Google NewsGoogle News