અલ્લુ અર્જુનની પોલીસે ચાર કલાક સઘન પૂછપરછ કરી
- પુષ્પા ટુના પ્રીમિયરમાં થયેલી ભગદડ દુર્ઘટના બાબતે
- સંધ્યા થિયેટરમાં મચેલી ભગદડમાં મહિલાના મોતની જાણ બીજા દિવસે થઈ હોવાનો અલ્લુ અર્જુનનો દાવો
હૈદરાબાદ : તેલુગુ સુપરસ્ટાર અલ્લુ અર્જુનની હૈદરાબાદ પોલીસે સંધ્યા થિયેટર ખાતે પુષ્પા ટુઃ ધી રાઈઝના પ્રીમિયર દરમ્યાન થયેલી દુઃખદ ભાગદોડ બાબતે ચાર કલાક પૂછપરછ કરી હતી. આ ભાગદોડમાં રેવથી રેડ્ડી નામની મહિલાનું મોત થયું હતું. ૪થી ડિસેમ્બરે બનેલી આ ઘટનામાં એક્ટરની ઝાંખી મેળવવા થિયેટર બહાર વિશાળ મેદની જમા થઈ હતી.
જામીન પર છુટેલા અર્જુનના જણાવ્યા મુજબ તેને આ હોનારતની જાણ બીજા દિવસે થઈ હતી. પોલીસ એ બાબતની તપાસ કરી રહી છે કે અલ્લુ અર્જુનને થિયેટર ખાતે હાજર રહેવાની તેમજ બહાર નીકળીને ચાહકો સાથે વાત કરવાની મંજૂરી હતી કે કેમ. ઉપરાંત પોલીસ અલ્લુ અર્જુનને સુરક્ષા ટીમ અને થિયેટર મેનેજમેન્ટની ભૂમિકાની પણ તપાસ કરી રહી છે. અર્જુન હૈદરાબાદના ચિક્કડપેલ્લી પોલીસ સ્ટેશને તેના પિતા અલ્લુ અરવિંદ સાથે સવારે ૧૧ કલાકે પહોંચી ગયો હતો અને તેણે પોલીસની પૂછપરછમાં પૂરતો સહયોગ આપ્યો હતો. પુષ્પા સ્ટારને ફિલ્મના સ્ક્રીનિંગમાં હાજર રહેવાની મંજૂરી ન મળી હોવા બાબતે પૂછવામાં આવ્યું હતું. ઉપરાંત તેની પીઆર ટીમે તેને સંધ્યા થિયેટર બહાર જમા થયેલી વિશાળ મેદની વિશે માહિતી આપી હતી કે કેમ તેના વિશે પૂછવામાં આવ્યું હતું.
પોલીસનો આરોપ છે કે અલ્લુ અર્જુનને સ્પેશિયલ સ્ક્રીનિંગ આવવાની મનાઈ કરાઈ હોવા છતાં તે આવ્યો હતો તેમજ કોઈપણ જાણ વિના રોડ શો યોજ્યો હતો જેના પરિણામે ભીડ બેકાબૂ બની ગઈ હતી અને દુર્ઘટના સર્જાઈ હતી.
અર્જુનની ફરી પૂછપરછ થઈ શકે છે. તેને ભાગદોડ થઈ હતી તે ઘટના સ્થળે પણ લઈ જવામાં આવે તેવી શક્યતા છે. પૂછપરછ દરમ્યાન થિયેટરના સીસીટીવી ફૂટેજ પણ જોવામાં આવ્યા હતા જેમાં બહાર જમા થયેલી વિશાળ મેદનીને રોકવાનો પ્રયાસ થઈ રહ્યો હોવા છતાં લોકો અંદર પ્રવેશવાનો પ્રયાસ કરતા હોવાનું જણાયું હતું.
કેસના સંબંધમાં અર્જુનની ૧૩ ડિસેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી. પણ પછી તે જ દિવસે તેને ચાર અઠવાડિયાની જામીન મળી હતી. અર્જુને પીડિતના પરિવાર માટે રૃા. ૨૫ લાખની સહાય કરી હતી જ્યારે પુષ્પા ટુના પ્રોડયુસરોએ રૃા. પચાસ લાખની આર્થિક સહાય કરી હતી.
દરમ્યાન અર્જુનના ઘરની બહાર પણ ભારે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. રવિવારે ઓસ્માનિયા યુનિર્વસિટીના વિદ્યાર્થી હોવાનો દાવો કરતા એક જૂથે તેના ઘરમાં ઘૂસીને તોડફોડ કરી હતી. તેમણે પીડિતના પરિવાર માટે રૃા. એક કરોડની સહાયની માગણી કરી હતી. પોલીસે આ ઘટના સંદર્ભે છ જણની ધરપકડ કરી હતી, જો કે તેમને સોમવારે જામીન પર છોડી મુકાયા હતા.