Get The App

VIDEO: અલ્લુ અર્જુનની ત્રણ કલાક સુધી કરાઈ પૂછપરછ, પોલીસે અભિનેતાને પૂછ્યા અનેક સવાલ

Updated: Dec 24th, 2024


Google NewsGoogle News
VIDEO: અલ્લુ અર્જુનની ત્રણ કલાક સુધી કરાઈ પૂછપરછ, પોલીસે અભિનેતાને પૂછ્યા અનેક સવાલ 1 - image


Allu Arjun: હૈદરાબાદમાં સંધ્યા થિયેટરમાં નાસભાગના મામલે એક્ટર અલ્લુ અર્જુનની ચિક્કડપલ્લી પોલીસસ્ટેશનમાં લગભગ ત્રણ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન એક્ટરને અનેક સવાલ કરવામાં આવ્યા છે. જોકે, અલ્લુ અર્જુને તમામ સવાલના ખૂબ જ નિડરતા પૂર્વક જવાબ આપ્યા હોવાની માહિતી મળી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, અલ્લુ અર્જુનને પોલીસની ટીમ ફરી નોટિસ આપી પૂછપરછ અને નાસભાગ દરમિયાન તેમની હાજરી વિશે જાણવા બોલાવી શકે છે.

પોલીસે કેવા પ્રશ્ન પૂછ્યા?

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, એક્ટરને પૂછવામાં આવ્યું કે, શુ તમને બીજા દિવસે રેવતીની મોતની જાણ થઈ હતી? તો એક્ટરે કહ્યું હા.. મને બીજા દિવસે આ વિશે જાણ થઈ હતી. જોકે,  આ સિવાય પોલીસે ઘણાં સવાલોના જવાબ એક્ટર પાસેથી મેળવ્યાં જેમાં, શું સંચાલકે પહેલાંથી જ સંધ્યા થિયેટરમાં આવવા કહ્યું હતું? શું તમે જાણતા હતાં કે, પોલીસ મંજૂરી નહતી? શું થિયેટરમાં પ્રીમિયર શોમાં આવવા માટે મંજૂરી માંગવામાં આવી હતી? શું તમારી પાસે તેની કોપી છે? શું તમે અથવા પીઆર ટીમે પોલીસની મંજૂરી લીધી હતી? શું પીઆર ટીમે સંધ્યા થિયેટર પાસેની સ્થિતિ પહેલાં જણાવી હતી? તમે કેટલાં બાઉન્સરોની વ્યવસ્થા કરી? વગેરેનો સમાવેશ થાય છે. 

કડક સુરક્ષા વચ્ચે પહોંચ્યો પોલીસ સ્ટેશન

નોંધનીય છે કે, અલ્લુ અર્જુન પોલીસ સ્ટેશન જવા નીકળે તે પહેલાં જ એક્ટરના ઘરની બહાર મોટી સંખ્યામાં સુરક્ષાકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા હતાં. આ દરમિયાન પોલીસના હાથમાં લાકડીઓ જોવા મળી હતી. જણાવી દઈએ કે, હૈદરાબાદમાં 4 ડિસેમ્બરે, સંધ્યા થિયેટરમાં નાસભાગ દરમિયાન એક મહિલાનું મોત થયું હતું અને સાથે જ તેનો આઠ વર્ષનો બાળક પણ ઈજાગ્રસ્ત થયો હતો.

એક્ટરે ફેન્સને કરી વિનંતી

અલ્લુ અર્જુન પૂછપરછ માટે પોલીસ સ્ટેશન પહોંચે તે પહેલાં જ એક્ટરના ઘર અને પોલીસ સ્ટેશનની બહાર તેના ફેન્સનો જમાવડો જોવા મળ્યો હતો. જોકે, તેના ફેન્સ કોઈ ગેરવર્તણૂક ન કરે તે માટે તેણે પહેલાં જ ચેતવણી આપી દીધી હતી. અલ્લુ અર્જુને એક પોસ્ટ શેર કરી હતી, જેમાં લોકોને કોઈપણ રીતે ગેરવર્તન ન કરવા વિનંતી કરવામાં આવી હતી. વધતાં વિવાદ વચ્ચે, અલ્લુ અર્જુને દરેકને અપીલ કરી હતી કે તેઓ ઓનલાઇન અને ઓફલાઇન કોઈપણ પ્રકારના અભદ્ર વર્તન અથવા ભાષાનો ઉપયોગ ટાળે. એક્ટરે પોતાના ચાહકોને પણ આદર અને સકારાત્મકતા જાળવવા વિનંતી કરી હતી. અલ્લુ અર્જુને પોતાના ફેન હોવાની આડમાં કાયદો હાથમાં ન લેવાની વાત કરી અને કડક ચેતવણી પણ આપી.

શું હતો સમગ્ર વિવાદ?

આ મહિને સાઉથ ઇન્ડિયન સ્ટાર અલ્લુ અર્જુનની પુષ્પા-2 ફિલ્મના ચોથી ડિસેમ્બરે યોજાયેલા સ્ક્રીનિંગમાં હૈદરાબાદમાં સંધ્યા થિયેટરમાં ભારે ભીડ ઉમટી પડી હતી. એ વખતે ચાહકો અલ્લુ અર્જુનની એક ઝલક જોવા ઉમટી પડતાં નાસભાગ થઈ હતી. આ દરમિયાન એક 35 વર્ષીય મહિલાનું મોત થયું હતું, જ્યારે તેનો નવ વર્ષનો પુત્ર બેભાન થઈ ગયો હતો. આ મામલે અલ્લુ અર્જુન વિરુદ્ધ પણ કેસ નોંધાયો છે. આ મામલે મહિલાના પરિવારે ફરિયાદ કરતાં અલ્લુ અર્જુન, તેની સુરક્ષા ટીમ, થિયેટર મેનેજમેન્ટ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 105, 118 (1) હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી. 

VIDEO: અલ્લુ અર્જુનની ત્રણ કલાક સુધી કરાઈ પૂછપરછ, પોલીસે અભિનેતાને પૂછ્યા અનેક સવાલ 2 - image

નોંધનીય છે કે, આ ઘટનામાં દિલસુખનગરમાં રહેતી 35 વર્ષીય રેવતી તેના પતિ અને બે બાળકોમાં એક 9 વર્ષીય શ્રીતેજ અને 7 વર્ષીય સાન્વિકા સાથે સંધ્યા થિયેટર ફિલ્મ જોવા ગઈ હતી. આ દરમિયાન નાસભાગ મચી જતાં રેવતી અને તેનો નવ વર્ષનો પુત્ર બેભાન થઈ ગયા હતા. ત્યાર પછી પોલીસે તુરંત જ માતા અને પુત્રને વિદ્યાનગરના દુર્ગાભાઈ દેશમુખ હૉસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં ડૉક્ટરે રેવતીને મૃત જાહેર કરી હતી. જ્યારે બાળકની હાલત વધુ ગંભીર હોવાથી વધુ સારવાર માટે KIMS હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.


Google NewsGoogle News