એક્ટર અલ્લુ અર્જુનને મોટી રાહત, સંધ્યા થિયેટર નાસભાગ કેસમાં મળ્યા રેગ્યુલર જામીન
Allu Arjun Granted Bail: સંધ્યા થિયેટર નાસભાગ કેસમાં સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનને જામીન મળ્યા છે. તેલંગાણાની નામપલ્લી કોર્ટે 'પુષ્પા 2'ના પ્રીમિયર શો દરમિયાન હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં થયેલી નાસભાગમાં એક 35 વર્ષીય મહિલાના મોત મામલે એક્ટર અલ્લુ અર્જુનની જામીન અરજી પર ચૂકાદો આપ્યો છે. નામપલ્લી કોર્ટે એક્ટર અલ્લુ અર્જુનને રેગ્યુલર જામીન આપ્યા છે. કોર્ટે અલ્લુ અર્જુનને જામીન શરતો હેઠળ 50 હજાર રૂપિયાના બે જામીન રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે.
શું છે સમગ્ર મામલો?
આ મહિને સાઉથ ઇન્ડિયન સ્ટાર અલ્લુ અર્જુનની પુષ્પા-2 ફિલ્મના 4 ડિસેમ્બર 2024ના રોજ યોજાયેલા સ્ક્રીનિંગમાં હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં ભારે ભીડ ઉમટી પડી હતી. એ વખતે ચાહકો અલ્લુ અર્જુનની એક ઝલક જોવા ઉમટી પડતાં નાસભાગ થઈ હતી. આ દરમિયાન એક 35 વર્ષીય મહિલાનું મોત થયું હતું, જ્યારે તેનો નવ વર્ષનો પુત્ર બેભાન થઈ ગયો હતો. આ મામલે અલ્લુ અર્જુન વિરુદ્ધ પણ કેસ નોંધાયો છે. આ મામલે મહિલાના પરિવારે ફરિયાદ કરતાં અલ્લુ અર્જુન, તેની સુરક્ષા ટીમ, થિયેટર મેનેજમેન્ટ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 105, 118 (1) હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી.
આ ઘટનામાં દિલસુખનગરમાં રહેતી 35 વર્ષીય રેવતી તેના પતિ અને બે બાળકોમાં એક 9 વર્ષીય શ્રીતેજ અને 7 વર્ષીય સાન્વિકા સાથે સંધ્યા થિયેટર ફિલ્મ જોવા ગઈ હતી. આ દરમિયાન નાસભાગ મચી જતાં રેવતી અને તેનો નવ વર્ષનો પુત્ર બેભાન થઈ ગયા હતા. ત્યાર પછી પોલીસે તુરંત જ માતા અને પુત્રને વિદ્યાનગરના દુર્ગાભાઈ દેશમુખ હૉસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં ડૉક્ટરે રેવતીને મૃત જાહેર કરી હતી. જ્યારે બાળકની હાલત વધુ ગંભીર હોવાથી વધુ સારવાર માટે KIMS હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેમની સારવાર થઈ.
મુખ્યમંત્રીએ લગાવ્યા હતા આ આરોપ
આ ઘટના બાદ તેલંગાણાના મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડીએ આરોપ લગાવ્યા હતા કે, 'પોલીસની મંજૂરી ન મળવા છતાં અલ્લુ અર્જુન તે થિયેટરમાં પહોંચ્યા, જ્યાં ચાર ડિસેમ્બરે 'પુષ્પા 2' બતાવવામાં આવી રહી હતી.'
મુખ્યમંત્રીએ આરોપ લગાવ્યો હતો કે, 'નાસભાગમાં એક મહિલાના મોત બાદ પણ એક્ટર થિયેટરથી બહાર ન ગયા, જ્યારબાદ પોલીસે તેમને જબરદસ્તી બહાર કાઢવા પડ્યા.' રેડ્ડીએ રોડ શો યોજવા અને ભારે ભીડ છતાં ભીડનું હાથ હલાવીને અભિવાદન કરવા માટે અલ્લુ અર્જુનને દોષિત ઠેરવ્યા.
એક્ટરે આરોપો ફગાવ્યા હતા
જો કે, એક્ટર અલ્લુ અર્જુને તુરંત જ આરોપોને ફગાવ્યા હતા. અલ્લુ અર્જુને કહ્યું હતું કે, 'આ સત્ય નથી. પોલીસ તેમના માટે રસ્તો બનાવી રહી હતી અને તેઓ તેમના નિર્દેશ હેઠળ કાર્યક્રમ સ્થળ પર પહોંચ્યા.' તેમણે કોઈના નામનો ઉલ્લેખ કર્યા વગર આરોપો ફગાવ્યા કે તેમણે (અલ્લુ અર્જુન) ટોળા તરફ અભિવાદન કરતાં રોડ શો કર્યો હતો.
મહિલાના મોતને એક દુર્ઘટના ગણાવતાં તેમણે કહ્યું હતું કે, 'તેઓ કોઈને દોષ નથી આપી રહ્યા, કારણ કે આ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. જો મંજૂરી ન હોત તો અમને પરત ફરવા કહેવાયું હોત. હું કાયદાનું પાલન કરનારો નાગરિક છું. મેં તેનું પાલન કર્યું હોત. આ પ્રકારની કોઈ પણ માહિતી મને આપવામાં ન આવી. હું તેમના નિર્દેશનું પાલન કરી રહ્યો હતો અને આ રોડ શો ન હતો.'
અલ્લુ અર્જુને જેલમાં વિતાવવી પડી હતી એક રાત
મહિલા મોત થવાના કેસમાં ચિક્કડપલ્લી પોલીસ 13 ડિસેમ્બરે અલ્લુ અર્જુનને તેના ઘરેથી કસ્ટડીમાં લીધો હતો. ત્યાર બાદ તેમને વચગાળાના જામીન પર છોડી દેવામાં આવ્યા હતા. લગભગ 18 કલાક સુધી ચાલેલી કાર્યવાહી બાદ અલ્લુ અર્જુનને વચગાળાના જામીન મળ્યા હતા. જો કે જેલ તંત્રએ જામીનના કાગળો ન મળવાના કારણે અલ્લુ અર્જુનને એક રાત જેલમાં વિતાવવી પડી હતી. ત્યારે હવે એક્ટરને રેગ્યુલર જામીન મળી ગયા છે.