વિધાનસભામાં ગુંજ્યો અલ્લુ અર્જુનનો કેસ, CMએ કહ્યું- ફિલ્મી સિતારા ઘાયલ બાળકને મળવા કેમ ન ગયા?
Allu Arjun Controversy: તેલંગાણાના હૈદરાબાદ શહેરના સંધ્યા થિયેટરમાં ફિલ્મ પુષ્પા 2ના સ્ક્રિનિંગ દરમિયાન નાસભાગનો મુદ્દો હવે તેલંગાણા વિધાનસભામાં ઉઠાવવામાં આવ્યો છે. તેલંગાણા વિધાનસભાની કાર્યવાહી દરમિયાન ધારાસભ્ય અકબરુદ્દીન ઓવૈસીએ આરોપ લગાવ્યો કે, જ્યારે અલ્લુ અર્જુનને નાસભાગ અને મહિલાના મોતની જાણ કરવામાં આવી ત્યારે તેણે કહ્યું કે, 'હવે ફિલ્મ હિટ થશે'. વળી, મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ પણ કહ્યું કે હીરો (અલ્લુ અર્જુન) બેદરકાર હતો અને મોતની સૂચના આપ્યા બાદ પણ તે થિયેટરમાંથી બહાર ગયો ન હતો. પીડિત પરિવાર દર મહિને 30000 રૂપિયા કમાય છે, પરંતુ ટિકિટ દીઠ 3000 ખર્ચે છે, કારણ કે દીકરો અલ્લુ અર્જુનનો ચાહક છે.
પીડિતાના પરિવારના ઘરે કોઈ ના ગયું
મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ કહ્યું, 'ફિલ્મ સેલિબ્રિટીઓ એક દિવસ માટે પોલીસ સ્ટેશન ગયેલા અલ્લુ અર્જુનના ઘરે સતત મળવા કેમ આવવા લાગ્યા? તેમને શું થયું? તેની આંખ ગઈ, તેનો હાથ અથવા પગ તૂટી ગયો કે કિડની ફેઇલ થઈ ગઈ? કે ફિલ્મ ઉદ્યોગ તેને મળવા પહોંચી ગયો. તેને મળ્યા બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકો તેને અભિનંદન આપી રહ્યા છે, પરંતુ પેલા બાળકને મળવા કોઈ ન ગયું. આ જોઈને હું સમજી નથી શકતો કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી શું વિચારી રહી છે? તેલંગાણા સરકારે નિર્ણય લીધો છે કે તે પુષ્પા 2 ફિલ્મના શો દરમિયાન મૃત્યુ પામેલી મહિલાના પરિવારને 25 લાખ રૂપિયાની આર્થિક મદદ કરશે. આ સિવાય હવેથી કોઈ બેનિફિટ શો નહીં થાય.
આ પણ વાંચોઃ શું શાહરુખ ખાને ખરેખર લાફો માર્યો હતો? યો યો હની સિંહે નવ વર્ષ બાદ કરી સ્પષ્ટતા
શું છે સમગ્ર મામલો?
આ મહિને સાઉથ ઇન્ડિયન સ્ટાર અલ્લુ અર્જુનની પુષ્પા-2 ફિલ્મના ચોથી ડિસેમ્બરે યોજાયેલા સ્ક્રીનિંગમાં હૈદરાબાદમાં સંધ્યા થિયેટરમાં ભારે ભીડ ઉમટી પડી હતી. એ વખતે ચાહકો અલ્લુ અર્જુનની એક ઝલક જોવા ઉમટી પડતાં નાસભાગ થઈ હતી. આ દરમિયાન એક 35 વર્ષીય મહિલાનું મોત થયું હતું, જ્યારે તેનો નવ વર્ષનો પુત્ર બેભાન થઈ ગયો હતો. આ મામલે અલ્લુ અર્જુન વિરુદ્ધ પણ કેસ નોંધાયો છે. આ મામલે મહિલાના પરિવારે ફરિયાદ કરતાં અલ્લુ અર્જુન, તેની સુરક્ષા ટીમ, થિયેટર મેનેજમેન્ટ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 105, 118 (1) હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી.
આ પણ વાંચોઃ 'પુષ્પા-2'ને ટક્કર આપવા આવી ગઈ આ ફિલ્મ, પહેલા દિવસે જ ભારતમાં કરી દીધી કમાલ
નોંધનીય છે કે, આ ઘટનામાં દિલસુખનગરમાં રહેતી 35 વર્ષીય રેવતી તેના પતિ અને બે બાળકોમાં એક 9 વર્ષીય શ્રીતેજ અને 7 વર્ષીય સાન્વિકા સાથે સંધ્યા થિયેટર ફિલ્મ જોવા ગઈ હતી. આ દરમિયાન નાસભાગ મચી જતાં રેવતી અને તેનો નવ વર્ષનો પુત્ર બેભાન થઈ ગયા હતા. ત્યાર પછી પોલીસે તુરંત જ માતા અને પુત્રને વિદ્યાનગરના દુર્ગાભાઈ દેશમુખ હૉસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં ડૉક્ટરે રેવતીને મૃત જાહેર કરી હતી. જ્યારે બાળકની હાલત વધુ ગંભીર હોવાથી વધુ સારવાર માટે KIMS હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.