અલ્લુ અર્જુનની ધરપકડ મામલે કોંગ્રેસ પર ભડકી ભાજપ, કેન્દ્રીય મંત્રીએ સાધ્યું નિશાન
Allu Arjun: ફિલ્મ સ્ટાર અલ્લુ અર્જુનની તાજેતરની ફિલ્મ 'પુષ્પા 2'ના પ્રીમિયર દરમિયાન એક મહિલાના મોતના મામલામાં ધરપકડ કરવામાં આવ્યા બાદ રાજકીય ખળભળાટ મચી ગયો છે. ભાજપ સહિત વિપક્ષી દળોએ તેલંગાણામાં સત્તાધારી કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું અને ફિલ્મ સ્ટાર સાથે કરવામાં આવતા વ્યવહાર પર સવાલો ઉઠાવ્યા હતા.
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે શું કહ્યું?
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ ઘટના માટે રાજ્ય સરકાર અને વહીવટીતંત્રને જવાબદાર ઠેરવ્યા છે. તેમણે X પર લખ્યું કે, 'સંધ્યા થિયેટરમાં બનેલી ઘટના સ્પષ્ટપણે વહીવટી બેદરકારીનું પરિણામ હતું. કોંગ્રેસ સરકારે પોતાની નિષ્ફળતા છુપાવવા માટે અભિનેતા પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસને ક્રિએટિવ ઈન્ડસ્ટ્રી માટે કોઈ સન્માન નથી.'
કિશન રેડ્ડીએ પણ વ્યક્ત કરી નારાજગી
કેન્દ્રીય મંત્રી જી'. કિશન રેડ્ડીએ પણ અલ્લુ અર્જુનની ધરપકડને બિનજરૂરી અને અન્યાયી ગણાવી હતી. તેમણે રાજ્ય સરકાર પર ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોને હેરાન કરવાનો આરોપ લગાવતા કહ્યું કે, 'આયોજકોએ પોલીસ અને પ્રશાસનને પહેલેથી જ જાણ કરી દીધી હતી. કાયદો અને વ્યવસ્થા પોલીસની જવાબદારી છે. આવી સ્થિતિમાં અભિનેતાની ધરપકડ માત્ર એક વ્યક્તિને નિશાન બનાવવાનો પ્રયાસ છે.'
વાયએસ જગને ધરપકડને ગણાવી અયોગ્ય
આ બાબતે શોક વ્યક્ત કરતા આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડીએ પીડિત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. અભિનેતાની ધરપકડની ટીકા કરતાં તેમણે કહ્યું, 'અલ્લુ અર્જુને આ અકસ્માત પર સંવેદના વ્યક્ત કરી છે અને પીડિત પરિવારને મદદની ખાતરી પણ આપી છે. આ ઘટના માટે તેને જવાબદાર ઠેરવવો ન તો વાજબી છે અને ન તો ન્યાયસંગત છે.' તેમણે વહીવટીતંત્રને અપીલ કરી કે તેઓ દોષિતો સામે યોગ્ય કાર્યવાહી કરે અને બિનજરૂરી રીતે કોઈપણ વ્યક્તિને નિશાન ન બનાવે.
તેલંગાણા સરકાર પર ઉઠાવ્યા સવાલો
અલ્લુ અર્જુનની ધરપકડ બાદ તેલંગાણા સરકાર પર સવાલો ઉઠી રહ્યા છે. વિપક્ષનો આરોપ છે કે સરકારે પોતાની નિષ્ફળતા છૂપાવવા માટે ફિલ્મ સ્ટાર પર આરોપ લગાવ્યો છે. તેમજ રાજ્ય સરકારે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.