Get The App

એનડીએના સાથીઓ 'સારા ખાતા' માટે મોદીનું નાક દબાવશે

Updated: Jun 6th, 2024


Google NewsGoogle News
એનડીએના સાથીઓ 'સારા ખાતા' માટે મોદીનું નાક દબાવશે 1 - image


- ભાજપના નેતાઓ હવે સાથીઓને કહે છે 'સારું તમારા કુકડે સવાર...!'

- નિતિશ-નાયડુ સહિતના એનડીએના સાથીઓનું લેખિતમાં સમર્થન : મોદી સાતમીએ સરકાર રચવાનો દાવો કરશે, આઠમીએ શપથની શક્યતા

- નાયડુએ લોકસભાનું સ્પીકરપદ જ્યારે નિતિશે નાયબ વડાપ્રધાન ઉપરાંત પાંચ મંત્રીપદોની માગણી કર્યાની અટકળો

- નંબર ગેમ તો ચાલ્યા કરે, હાર-જીત રાજકારણનો ભાગ : કેબિનેટની અંતિમ બેઠકમાં નરેન્દ્ર મોદી

નવી દિલ્હી : લોકસભાની ચૂંટણીમાં એનડીએને બહુમત મળી છે તેથી હવે કેન્દ્રમાં સતત ત્રીજી વખત એનડીએની સરકાર બનવા જઇ રહી છે. જેને ધ્યાનમાં રાખીને એનડીએમાં સામેલ તમામ પક્ષોના નેતાઓની નરેન્દ્ર મોદીની આગેવાનીમાં દિલ્હીમાં બેઠક મળી હતી. જેમાં નિતિશ કુમાર, ચંદ્રબાબુ નાયડૂ પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં નવી સરકારમાં ક્યા પક્ષને કેટલા મંત્રીપદ મળશે તે અંગે ચર્ચા થઇ હતી. એવા અહેવાલો છે કે ટીડીપીના વડા ચંદ્રબાબુ નાયડુએ લોકસભાનું સ્પીકરપદ જ્યારે જદ(યુ)ના વડા નિતિશ કુમારે નાયબ વડાપ્રધાનનું પદ માગ્યું છે. પોતાની રાજકીય કારકિર્દીમાં પ્રથમ વખત ગઠબંધનવાળી સરકાર બનાવવા જઇ રહેલા નરેન્દ્ર મોદીનું આ બન્ને નેતાઓ નાક દબાવી શકે છે.

નરેન્દ્ર મોદીએ એનડીએની બેઠક યોજી તે પહેલા તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા હતા અને વડાપ્રધાન પદેથી રાજીનામુ આપ્યું હતું, નવા વડાપ્રધાન પદે તેઓ ફરી શપથ ના લે ત્યાં સુધી કાર્યકારી વડાપ્રધાનનુ પદ સંભાળશે. રાજીનામુ આપ્યું તે પહેલા મોદીએ વર્તમાન સરકારની અંતિમ કેબિનેટ બેઠક બોલાવી હતી, જેમાં તેમણે ચૂંટણી પરિણામો પર ચર્ચા કરી હતી. બેઠકમાં મોદીએ કહ્યું હતું કે હાર જીત રાજનીતિનો હિસ્સો છે, નંબર ગેમ ચાલતી રહે છે. કેબિનેટની ભલામણ બાદ રાષ્ટ્રપતિએ ૧૭મી લોકસભાને ભંગ કરી દીધી છે. હવે મોદી આઠ જૂન સુધીમાં વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કરી શકે છે. નરેન્દ્ર મોદીને એનડીએના ૨૪ પક્ષોનું સમર્થન મળ્યું છે.  

રાજીનામુ આપ્યા બાદ નરેન્દ્ર મોદીએ એનડીએની બેઠક બોલાવી હતી, જેમાં નિતિશ કુમાર, ચંદ્રબાબુ નાયડુ, ચિરાગ પાસવાન, પવન કલ્યાણ, એચ.ડી. કુમારસ્વામી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. ભાજપના સાથી પક્ષોએ સમર્થનપત્ર સોંપ્યું હતું અને નરેન્દ્ર મોદીને એનડીએના નેતા નિમવામાં આવ્યા હતા. આ દરમિયાન નરેન્દ્ર મોદીના સમર્થનમાં પ્રસ્તાવ પણ પસાર કરાયો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે નરેન્દ્ર મોદીની લીડરશિપમાં અમે તમામે ચૂંટણી લડી અને જીત મેળવી, ૧૦ વર્ષમાં દેશને વિકસિત થતો જોયો, મોદીના નેતૃત્વ પર અમને ભરોસો છે. આ પ્રસ્તાવ પર ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, અમિત શાહ, રાજનાથસિંહ સહિત એનડીએના કુલ ૨૪ નેતાઓએ સહી કરી હતી અને મોદીને નેતા નિમ્યા હતા. હવે રાષ્ટ્રપતિ સમક્ષ સરકાર બનાવવા માટે આ પ્રસ્તાવ મોકલવામાં આવશે અને બાદમાં નવી સરકારમાં મોદી સહિતના મંત્રીઓ શપથ લેશે. 

જોકે ૧૦ વર્ષ સુધી ભાજપે એકલા હાથે કેન્દ્રમાં સરકાર ચલાવી તેવું આ કાર્યકાળમાં નહીં જોવા મળે. એનડીએની બેઠકમાં સામેલ ભાજપ બાદ બે મોટા પક્ષો જદ(યુ)ના નિતિશ કુમાર અને ઝારખંડમાં તાજેતરમાં જ જીત મેળવનારા ટીડીપીના ચંદ્રબાબુ નાયડૂ કેન્દ્રની નવી સરકારમાં મોટા પદની માગણી કરી રહ્યા છે. એવા અહેવાલો છે કે નિતિશ કુમારે પોતાના માટે નાયબ વડાપ્રધાન જ્યારે પોતાના સાંસદો માટે કેબિનેટમાં ચારથી પાંચ મંત્રી પદોની માગણી કરી છે. જેમાં ચાર કેબિનેટ અને એક રાજ્યકક્ષાના મંત્રીનો સમાવેશ થાય છે.  જ્યારે ચંદ્રબાબુ નાયડુએ લોકસભામાં સ્પીકરનું પદ માગ્યું છે. નાયબ વડાપ્રધાન અને લોકસભાના સ્પીકર આ બન્ને પદ મોટા માનવામાં આવે છે. આ સરકારમાં અને લોકસભામાં સામેલ થવાની માગણીઓ છે. જોકે તે અંગે કોઇ સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી. 

બિહાર અને ઝારખંડને વિશેષ રાજ્યના દરજ્જાની માગ

બિહારના મુખ્યમંત્રી અને કેન્દ્રમાં સરકાર બનાવવામાં સમર્થન આપી રહેલા નિતિશ કુમારના પક્ષ જદ(યુ)એ માગણી કરી છે કે બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં આવે, જદ(યુ)ના પ્રવક્તા અને વરીષ્ઠ નેતા કેસી ત્યાગીએ અગાઉ કહ્યું હતું કે કોઇ પણ પ્રકારની શરત વગર અમે એનડીએને સમર્થન આપીએ છીએ પણ બિહારની જનતાના હિતમાં વિશેષ રાજ્યનો દરજ્જો બિહારને મળવો જોઇએ. જેના વગર રાજ્યનો વિકાસ શક્ય નથી. વિશેષ રાજ્યનો દરજ્જો મળ્યા બાદ બિહારને કેન્દ્ર તરફથી વધુ ફંડ મળી શકે છે. જ્યારે ચંદ્રબાબુ નાયડુ પણ આંધ્ર પ્રદેશ માટે વિશેષ રાજ્યના દરજ્જાની માગણી કરી શકે છે. સાથે જ આંધ્રની રાજધાની અમરાવતીના વિકાસ માટે ફંડની માગણી પણ કરી શકે છે.      

એનડીએમાં સામેલ  પક્ષો (કુલ બેઠક 293)

પક્ષ

જીતેલી બેઠકો

ભાજપ

૨૪૦

ટીડીપી

૧૬

જેડીયુ

૧૨

શિવસેના (શિંદે જુથ)

૦૭

એનસીપી (અજીત જુથ)

૦૧

એલજેપી

૦૫

જેડીએસ

૦૨

આરએલડી

૦૨

જનસેના પાર્ટી

૦૨

યુપીપીએલ

૦૧

હમ

૦૧

એસકેએમ

૦૧

અપના દલ

૦૧

એજીપી

૦૧

એજેએસયુ

૦૧


Google NewsGoogle News